શરદ પવાર અને અજિત પવાર અઠવાડિયામાં બીજી વાર એકબીજાને મળ્યા, રાજકીય હલચલ તેજ
- શરદ પવાર અને અજિત પવાર એક મંચ પર સાથે જોવા મળ્યા
- રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ
- રાયત શિક્ષણ સંસ્થાની બેઠકમાં નવી શૈક્ષણિક પહેલની જાહેરાત
Sharad Pawar & Ajit Pawar Meeting: શનિવારે (12 એપ્રિલ) સતારામાં શરદ પવાર અને અજિત પવાર બંને નેતાઓ એક જ મંચ પર દેખાયા ત્યારે ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. આ અઠવાડિયામાં કાકા અને ભત્રીજા બીજી વાર એકબીજાને મળ્યા છે.
બંને નેતાઓ વચ્ચે રાજકીય અંતર
ગુરુવારે (10 એપ્રિલ) ના રોજ, શરદ પવારે અજિત પવારના નાના પુત્ર જય પવારની સગાઈ સમારોહમાં હાજરી આપી હતી અને ઋતુજા પાટિલની સગાઈ પુણેમાં અજિત પવારના ફાર્મહાઉસમાં થઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2023 માં, અજિત પવાર તેમના કાકા શરદ પવારથી અલગ થઈ ગયા અને ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા. ત્યારે તેમણે રાજકીય હલચલ મચાવી દીધી હતી. આ પછી, બંને નેતાઓ વચ્ચે રાજકીય અંતર રહ્યું.
આ પણ વાંચો : જાણો તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કઈ માંગણીઓ કરી ?
શરદ પવારે તેમના ભત્રીજા સાથેના ફોટા શેર કર્યા
શનિવારે સતારાના છત્રપતિ શિવાજી કોલેજમાં રાયત શિક્ષણ સંસ્થાની મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. શરદ પવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી હતી કે સંગઠન હવે એક માસિક મેગેઝિન 'રાયત' શરૂ કરશે, જેમાં શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, આરોગ્ય, સાહિત્ય, રમતગમત, સામાજિક મુદ્દાઓ, કલા-સંસ્કૃતિ અને વૈશ્વિક બાબતો પર લેખો પ્રકાશિત કરવામાં આવશે.
આ ઉપરાંત, બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), રોબોટિક્સ અને 3D પ્રિન્ટિંગ જેવા એડવાન્સ્ડ કોર્ષ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સતારામાં 'સેન્ટર ઓફ એક્સલન્સ' સ્થાપિત કરવાની પણ યોજના છે. શરદ પવારે કહ્યું, "હું, સંસ્થાના પ્રમુખ તરીકે, મેનેજમેન્ટ કમિટીના તમામ સભ્યોનો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કરું છું. અમે ભવિષ્યમાં ઘણી વધુ દૂરંદેશી પહેલ કરીશું."
રાજકીય મતભેદો હોવા છતાં, પવાર પરિવારમાં આ સંવાદિતા આગામી ચૂંટણીઓ પહેલા રાજકીય સંકેતો પણ આપી શકે છે.
આ પણ વાંચો : Murshidabad violence : વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા,ટોળાંએ પિતા-પુત્રની કરી હત્યા