PM નરેન્દ્ર મોદી અને અમદાવાદના સ્ટેડિયમ ઉપર બોમ્બથી હુમલો કરવાની મળી ધમકી, સરકાર પાસેથી કરી 500 કરોડની માંગ
ગુરુવારે મુંબઈ પોલીસને એક સનસનીખેજ મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર બોમ્બથી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ જ સ્ટેડિયમ છે જ્યાં ક્રિકેટ વર્લ્ડ કપની મોટાભાગની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધમકીભર્યા મેલમાં સરકાર પાસેથી 500 કરોડ રૂપિયા અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે. વધુમાં આ મેલમાં ઘટનાને અંજામ આપવા માટે લોકોને મોકલવામાં આવ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
NIA ને મળ્યો હતો ધમકી ભર્યો મેલ
હાલમાં બિશ્નોઈને દિલ્હીની મંડોલી જેલમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકીભર્યો મેઈલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મોકલવામાં આવ્યો હતો, અને એજન્સીએ મુંબઈ પોલીસને આ મેઈલ વિશે જાણ કરી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'અમને NIA તરફથી આ મેલ વિશે જાણ થઈ, ત્યારપછી અન્ય એજન્સીઓને પણ તેની જાણ કરવામાં આવી છે. અમે તે ઈમેલ આઈડી પણ શોધી કાઢ્યું છે જેનાથી NIA ને મેઈલ મોકલવામાં આવ્યો હતો. મેલ યુરોપથી મોકલવામાં આવ્યો છે'. અધિકારીએ વધુમાં જણાવ્યું કે - એવું લાગી રહ્યું છે કે વિદેશમાં બેઠેલા કોઈએ આ તોફાન કર્યું છે, તેમણે તે વ્યક્તિની શોધ શરૂ કરી છે. આ ઉપરાંત વર્લ્ડકપની તમામ મેચો માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરવાની કરી માંગ
NIA ને મોકલવામાં આવેલા મેલમાં કહેવામાં આવ્યું છે કે, 'જો સરકાર અમને 500 કરોડ રૂપિયા આપવા અને લોરેન્સ બિશ્નોઈને છોડવામાં અસમર્થ છે, તો અમે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવીશું. ભારતમાં બધું જ વેચાય છે, તેથી અમે પણ કંઈક લાવ્યા છીએ. તમે ગમે તેટલા સુરક્ષિત હોવ, તમે અમારાથી સુરક્ષિત નહિ રહી શકો. જો તમે વાત કરવા માંગો છો, તો તમે આ મેઇલ પર કરી શકો છો. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે પણ વર્લ્ડ કપ મેચમાં હુમલાની ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે માર્યા ગયેલા આતંકવાદી નિજ્જરનો બદલો લેવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો --SIKKIM FLOODS : સિક્કિમમાં પૂરથી તબાહી,25 હજાર લોકો પ્રભાવિત,41નાં મોત