પશ્ચિમ બંગાળમાં વધુ એક મહિલા પર બળજબરી, નગ્ન કરી રસ્તા પર ખેંચવાનો આક્ષેપ
- નંદીગ્રામમાં કથિત BJP નેતાએ મહિલાને નગ્ન કરી રસ્તા પર ખેંચી
- પશ્ચિમ બંગાળમાં મહિલા પર બળજબરી: BJP નેતાની ધરપકડ
- TMC છોડીને BJPમાં જોડાયા બાદ નંદીગ્રામમાં હિંસક ઘટના
પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં તણાવભી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં ભાજપના એક બૂથ પ્રમુખ તાપસ દાસની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે દાસ અને તેના સહયોગીઓએ તાજેતરમાં જ TMCમાં જોડાયેલી એક મહિલાના ઘરમાં ઘૂસીને તેની ઉપર ત્રાસ ગુજાર્યો હતો. વધુમાં, મહિલાએ આરોપ લગાવ્યો છે કે તાપસ દાસ અને તેના સહયોગીઓ તેને નગ્ન અવસ્થામાં રોડ પર ખેંચી લાવ્યા હતા અને તે પછી તેની સાથે તેમણે હિંસા અને અપમાનિત કર્યા હતા.
બળજબરીથી ઘરમાં ઘૂસી મહિલાને માર્યો ઢોર માર
આ ઘટના ગોકુલનગરના પંચાનંતલામાં બની હતી, જ્યાં ઘાયલ મહિલાને નંદીગ્રામ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પીડિતાના મતે, તે શુક્રવારની રાત્રે તેના પુત્ર અને પુત્રી સાથે ઘરે હતી, જ્યારે કેટલાક લોકો બળજબરીથી ઘરમાં ઘૂસીને તેને બહાર ખેંચીને માર મારવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે, “હું પહેલા ભાજપમાં હતી, પરંતુ તાજેતરમાં TMCમાં જોડાઈ છું. આ લોકોએ પહેલા પણ માર માર્યો હતો અને આખા ગામમાં મારું અપમાન કર્યું હતું. તે સમયે પણ મે પોલીસમાં ફરિયાદ કરી હતી, પણ શુક્રવારે ફરીથી એ જ લોકોએ દબાણ કર્યું કે હું ફરિયાદ પાછી ખેંચું.” બીજેપીના નંદીગ્રામ ફર્સ્ટ બ્લોકના કોઓર્ડિનેટર અભિજીત મૈતીએ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, “મહિલા પર થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ, પણ આ ઘટનાનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. અમારી વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”
ભાજપમાં ફરી જોડાવવા દબાણ
TMC ના નંદીગ્રામ અધિકારી શેખ સુફિયાને આક્ષેપ કર્યો છે કે મહિલાનો મુખ્ય ગુનો એ છે કે તે TMCમાં જોડાઈ હતી. “મહિલાને ફરીથી ભાજપમાં જોડાવાનું દબાણ કરવામાં આવ્યું, અને તેણે ના પાડી તો તેની સાથે હિંસક વર્તન કરવામાં આવ્યું,” એમ તેમણે જણાવ્યું. આ મામલે તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના પૂર્વ સાંસદ કુણાલ ઘોષ સહિતના પ્રતિનિધિમંડળે પીડિતાને મુલાકાત લીધી હતી અને આરોપીઓને કડક સજાની માંગ કરી છે.