મણિપુરમાં હિંસા, 8 જિલ્લામાં કર્ફ્યૂ, Mary Kom એ કરી મદદની અપીલ
Manipur Violence : મણિપુરમાં હિંસા બાદ મણિપુરના 8 જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. મોબાઈલ ઈન્ટરનેટ 5 દિવસ સુધી બંધ રહેશે. ઇમ્ફાલ, ચુરાચંદપુર અને કાંગપોકપીમાં હિંસાની ઘટનાઓ બાદ ચારે બાજુ સેનાની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. હિંસા રોકવા માટે સેના અને આસામ રાઈફલ્સ તૈનાત કરવામાં આવી છે. સેનાની ફ્લેગ માર્ચ ચાલુ છે.
રાજ્યમાં બગડતી પરિસ્થિતિ બાદ 4 હજાર લોકોને આર્મી કેમ્પ અને સરકારી પરિસરમાં ખસેડવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે મોડી રાત્રે મેરી કોમે ટ્વિટર પર આગની તસવીરો ટ્વીટ કરીને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પાસે મદદ માંગી.

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો મૈતેઈ સમુદાય સાથે સંબંધિત છે. મૈતેઈ સમાજને ST કેટેગરીમાં સમાવવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન માટે પદયાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી. આ માર્ચ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (ATSU) દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ રીતે વિરોધ શરૂ થયો. જેમાં હજારોની સંખ્યામાં દેખાવકારોએ ભાગ લીધો હતો.
વિરોધ દરમિયાન ચુરાચંદપુરમાં હિંસા ફાટી નીકળી હતી. તોરબંગમાં આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા થઈ હતી. જેને સંભાળવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આગચંપી થઈ. જ્યારે અનેક લોકો પોતાનું ઘર છોડવા મજબુર બન્યા, ચારેતરફ અફરાતફરીનું વાતાવરણ હતું.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ વણસવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઈમ્ફાલ પશ્ચિમ, જિરિબામ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર સાથે આદિવાસી બાલુલ્ય વિસ્તારના ચુરાચંદપુર, તેંગનૌપલ અને કાંગપોકપી જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
મૈતેઈ સમુદાય
મૈતેઈ સમુદાય મણિપુરના પર્વતિય વિસ્તારના જિલ્લાઓમાં રહે છે. લાંબા સમયથી આ સમુદાય પોતાને અનુસુચત જનજાતિમાં (ST) સામેલ કરવાની માંગ કરી રહ્યો છે. આ સમુદાયમાં વધારે પડતા હિન્દુઓ છે અને તે આદિવાસી પરંપરાઓનું પાલન કરે છે. સમુદાયનો દાવો છે કે મ્યાંમાર અને બાંગ્લાદેશમાં મોટા પાયે ગેરકાયદે ઈમિગ્રેશન વધી રહ્યું છે. જેની તેમના પર અસર પડી રહી છે.
અનેક વખત રાજ્યોના નેતા તેમની માંગનું સમર્થન કરી ચુક્યું છે. આ માંગ જ હિંસાનું કારણ બન્યું છે. ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયને (ATSU) આ સમુદાયને ST શ્રેણીમાં સામેલ કરવાની માંગનો વિરોધ કરતા રેલીનું આયોજન કર્યું હતું.
MC Mary Kom એ કરી મદદની અપીલ
ભારતની દિગ્ગજ બોક્સર એમસી મેરીકોમે મણિપુરમાં થઈ રહેલી હિંસા પર કંટ્રોલ મેળવવા માટે મદદની અપીલ કરી છે. મેરીકોમે હિંસાનો ફોટો શેર કરીને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહને ટેગ કર્યાં, મેરીકોમે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મણિપુરમાં સ્થિતિ મને યોગ્ય નથી લાગતી. કાલ રાતથી સ્થિતિ ખુબ ખરાબ થઈ છે. હું રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ કરૂં છું કે સ્થિતિ માટે યોગ્ય પગલાં ભરે જેથી રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ બનેલો રહે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ હિંસામાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આ સ્થિતિ જલ્દી જ સુધરવી જોઈએ.
આ પણ વાંચો : કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટનું મેડલ પરત કરવાનું એલાન