LPG Price Hike: દિવાળી પહેલા મોટો ઝટકો ... LPG સિલિન્ડર થયો મોંઘો, જાણો કેટલો થયો ભાવ?
આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને દિવાળી (Diwali) થી પહેલા પહેલી તારીખે જ LPG સિલિન્ડર પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. ખરખર પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો ઝિંક્યો છે.
કેટલો વધારો કરાયો?
1 નવેમ્બર 2023 એટલે કે આજથી 19 કિલોગ્રામ વજન ધરાવતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.
હવે એક સિલિન્ડરનો ભાવ કેટલો?
IOCLની વેબસાઇટ અનુસાર આજથી 19 કિગ્રાવાળા કોમર્શિયલ LPG Cylinderનો ભાવ રાજધાની દિલ્હીમાં 1,833 રૂપિયા, મુંબઈમાં 1785.50 અને કોલકાતામાં 1839.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં આ સિલિન્ડરની કિંમત હવે 1999.50 રૂપિયા થઈ ગઈ છે. જોકે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે એક રાહતની વાત છે.
એક મહિનામાં ભાવ આટલો વધી ગયો છે
એક તરફ સરકારે ગયા મહિને 14 કિલોના એલપીજી સિલિન્ડર પર રાહત આપી તો બીજી તરફ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એક મહિનામાં 300 રૂપિયાથી વધુનો વધારો કરીને મોંઘવારીનો બોમ્બ ફોડ્યો છે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને એક મહિના પછી 1 નવેમ્બરે તેમાં વધુ વધારો કરવામાં આવ્યો હતો. કોલકાતામાં સિલિન્ડરની કિંમતમાં સૌથી વધુ 103.50 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.
ઘરેલું ગેસ સિલિન્ડર પર રાહત ચાલુ છે
તહેવારોની સિઝનમાં દિવાળી પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આંચકો લાગ્યો છે, તો બીજી તરફ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત રહી છે, જે રાહતની વાત છે. દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ, રક્ષાબંધનના તહેવાર પહેલા, ઓગસ્ટ મહિનામાં, સરકારે તેના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને મોટી ભેટ આપી હતી.
14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત કેટલી છે?
30 ઓગસ્ટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સામાન્ય લોકો માટે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 400 રૂપિયા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પછી પણ આ લાભાર્થીઓને 100 રૂપિયાનો વધારાનો લાભ આપવામાં આવ્યો હતો. હાલમાં, સામાન્ય ગ્રાહકો માટે, 14.2 કિલો LPG સિલિન્ડર દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.