જાણો કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, જેમને PM મોદી આપતા હતા આદર સન્માન
WHO WAS GOPAL KRISHNA GOSWAMI MAHARAJ : ISKCON સંસ્થાના ચેરમેન ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનું આજરોજ દુખદ અવસાન થયું છે. તેઓ હ્રદયની બીમારીથી પીડાતા હતા. તેમણે દેહરાદૂનની એક હોસ્પિટલમાં આજરોજ અંતિમ શ્વાસ લીધા છે. તેમની અણધારી વિદાય બાદ ISKCON ના ભક્તો અને ભારતભરના સાધુ સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ બાબતે પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
કોણ હતા શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ?
શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ ISKCON સંસ્થાના ચેરમેન હતા, પરંતુ તેનાથી વિશેષ તેઓ એક કર્મનિષ્ઠ સાધુ હતા. તેમણે પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિ અને સનાતન ધર્મ માટે ખપાવ્યું હતું. 14 ઓગસ્ટ, 1944ના રોજ નવી દિલ્હીમાં અન્નદા એકાદશીના શુભ દિવસે જન્મેલા મહારાજનું મૂળ નામ ગોપાલ કૃષ્ણ, શ્રીલ પ્રભુપાદે તેમની હરીનામ દીક્ષા પછી જાળવી રાખ્યું હતું.
ફ્રેન્ચ સરકાર તરફથી સ્કોલરશિપ મેળવીને વિદેશમાં અભ્યાસ કર્યો
ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજે તેમની પ્રારંભિક શિક્ષા ભારતમાંથી લીધી હતી અને તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. ત્યાર બાદ ફ્રેન્ચ સરકાર તરફથી સ્કોલરશિપ મેળવીને વિદેશમાં વધુ અભ્યાસ કર્યો હતો.
ગુરુ મળ્યા બાદ જીવનમાં આવ્યું પરિવર્તન
શ્રીલ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ વર્ષ 1968 માં કેનેડામાં તેમના ગુરુ અને ISKCON ના સ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદને મળ્યા હતા. તેમના ગુરુને મળ્યા બાદ તેમના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. પોતાના ગુરુને મળ્યા બાદ તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મના ઉપદેશોને વિશ્વ સાથે વહેંચવા માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તેમણે ભારત, કેનેડા, કેન્યા, પાકિસ્તાન, સોવિયેત સંઘ અને વિશ્વના અન્ય ભાગોમાં આઉટરીચ અને સમુદાય-નિર્માણના પ્રયાસોની દેખરેખ રાખી. તેમણે વિશ્વભરમાં સંખ્યાબંધ મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોના નિર્માણની પહેલ કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ પણ આ બાબત અંગે ટ્વીટ કરીને પોતે શ્રીલ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું હતું કે, "શ્રીલ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજા એક આદરણીય આધ્યાત્મિક મૂર્તિ હતા, જેઓ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ અને ઇસ્કોન દ્વારા તેમની અથાક સેવા માટે વૈશ્વિક સ્તરે આદરણીય હતા. તેમના ઉપદેશો અન્ય લોકો માટે ભક્તિ, દયા અને સેવાના મહત્વ પર ભાર મૂકે છે. તેમણે ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદોની સેવા જેવા ક્ષેત્રોમાં ઈસ્કોનના સામુદાયિક સેવાના પ્રયાસોના વિસ્તરણમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો તમામ ભક્તોની સાથે છે. ઓમ શાંતિ"
આ પણ વાંચો : SP સમર્થકોની હરકત પર CM યોગીનું નિવેદન, કહ્યું- પરિવારવાદી પાર્ટીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે…