Jammu & Kashmir : આતંકીઓનો ઘૂસણખોરીનો ઇરાદો નાકામ, સેનાના જવાનોએ બે આતંકી ઠાર કર્યા
Jammu & Kashmir : જમ્મુ કાશ્મીરમાં (Jammu & Kashmir) ભારતીય સેનાએ આતંકીઓને ઠાર કરવાના સમાચાર સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરના (Jammu & Kashmir) બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના આતંકવાદીઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતા તે દરમિયાન શુક્રવારે સૈન્યના લોકોએ એલઓસી નજીક સરહદ પારથી જોડાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને જોયા હતા. આતંકીઓને જોયા બાદ સૈન્ય સાવધ બન્યું હતું અને તે આતંકીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
બે આતંકીઓને સેનાના જવાનોએ ઠાર કર્યા
આ એલઓસી નજીક સરહદ પારથી જોડાયેલા શંકાસ્પદ આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સૈન્ય દળોએ ઉરી સેક્ટરના ગોહલાન વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી. શંકાસ્પદ ગતિવિધિ જોતાની સાથે જ જવાનોએ ગોળીબાર શરૂ કર્યો હતો. તો બીજી તરફ સામેની બાજુથી પણ ગોળીબાર શરૂ થયો હતો. ત્યાર બાદ સુરક્ષા દળોએ તરત જ ચાર્જ સંભાળી લીધો અને આતંકીઓને ઘેરી લીધા હતા. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ એક આતંકવાદીનો મૃતદેહ પોતાની કસ્ટડીમાં લીધો છે.
વધુ આતંકીઓ જંગલમાં હોવાની જવાનોને શંકા
આ આતંકીઓને ઠાર કર્યા બાદ ભારતીય સૈન્ય દ્વારા ઉરી સેક્ટરના ગોહલાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોને હજી પણ શંકા છે કે, આતંકીઓ હજી પણ જંગલમાં છુપાયેલા હોઈ શકે છે. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના જવાનોએ વિસ્તારમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. જેના કારણે સેનાના જવાનો સતર્ક રહીને દરેક ખૂણે પોતાની ચાંપતી નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ગયા અઠવાડિયે જ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને હવે આતંકીને ઠાર કરવાની બીજી ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : કાયદા અને કાનૂનના સરેઆમ ધજાગરા! BJP નેતાની ભરબજારે ગોળી મારી હત્યા