દુનિયાના પ્રદૂષિત ટોપ-10 શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતાનો સમાવેશ
વિશ્વમાં સૌથી ખરાબમાં ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા દેશોમાં વર્ષ 2022માં ભારત આઠમા ક્રમે આવતું હોવાનું સ્વિસ ગ્રૂપ IQAirનાં અભ્યાસમાં જણાયું છે. શુક્રવારે ભારતની રાજધાની દિલ્હીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) ખતરનાકમાં ખતરનાક કેટેગરીમાં 640થી 700ની આસપાસ હતો. તે પછી બીજા નંબરે પાકિસ્તાનનાં શહેર લાહોરનો AQI 335 હતો. વિશ્વનાં સૌથી પ્રદૂષિતમાં પ્રદૂષિત શહેરમાં દિલ્હી ટોચ પર છે
જ્યારે દુનિયાનાં ખતરનાકમાં ખતરનાક પ્રદૂષિત ટોપ -10 શહેરોમાં ભારતનાં 3 શહેરો દિલ્હી, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. શિયાળાને કારણે નીચું તાપમાન, પવનનો અભાવ તેમજ પડોશી રાજ્યોમાં ઘઉંની પરાળી સળગાવવાને કારણે દિલ્હી તેમજ આસપાસનાં શહેરોની હવા ઝેરીલી બનતી હોવાનું અને વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી હોવાનું અભ્યાસમાં જણાવાયું હતું. ખરાબ અને ઝેરીલી હવાને કારણે નવી દિલ્હીનાં 2 કરોડ લોકોને આંખમાં બળતરા થવાની તેમજ ગળામાં ખારાશની સમસ્યા સર્જાઈ હતી. દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં સતત 6ઠ્ઠા દિવસે હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી હતી અને AQI 480ની આસપાસ ખરાબ કેટેગરીમાં હતો.
Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB).
AQI in RK Puram at 466, in ITO at 402, in Patparganj at 471 and in New Moti Bagh at 488 pic.twitter.com/oBrbdeLqdp
— ANI (@ANI) November 6, 2023
સરકારી-ખાનગી આફિસોના 50 ટકા સ્ટાફને વર્ક-ફ્રોમ હોમ કરવાના નિર્દેશ
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વકરવાને કારણે હવે દિલ્હીના તમામ સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફને વર્કફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રવિવારે દિલ્હી-એનસીઆરમાં પબ્લિક પ્રોજેક્ટ્સના બાંધકામ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. સાથે ટ્રક્સ અને કોમર્શિયલ ફોર વ્હીલર્સના દિલ્હીમાં પ્રવેશ સામે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ
દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ છે. જેમાં ગ્રેટર નોઈડાનો AQI 476 છે જ્યારે ફરીદાબાદનો AQI 456 નોંધાયો હતો. નોઈડામાં 433, હરિયાણાનાં ગુરુગ્રામમાં 435, સિરસામાં 432, કેંન્થલમાં 455, ફતેહાબાદમાં 454 અને હિસ્સારમાં AQI 447 નોંધાયો હતો.
પ્રદૂષિત હવાને કારણે બાળકોનાં માનસિક વિકાસ પર માઠી અસર : પ્રેગનન્ટ મહિલાઓ-બાળકોને ખતરો
આરોગ્ય નિષ્ણાતોનાં મતે પ્રદૂષિત અને ઝેરી હવાને કારણે બાળકોનાં માનસિક વિકાસ પર માઠી અસર થાય છે. બાળકો તેમજ પુખ્ત વયનાં લોકોનાં ફેફસાં AQI 60થી હોય ત્યારે જ તંદુરસ્ત રહે છે. કાળા ડિબાંગ ધુમ્મ્સનાં વાદળોને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું છે. સફદરજંગ હોસ્પિટલનાં ડૉ. નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીનાં રહીશોનાં શ્વાસમાં ઝેરીલી હવા જાય છે તેથી તેઓ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. ફેફસાંનું કેન્સર થવાની શક્યતા પણ વધે છે. ખરાબ હવા પ્રેગનન્ટ મહિલા અને બાળકો માટે ખતરાજનક છે.
પ્રાથમિક સ્કૂલો 10 નવેમ્બર સુધી બંધ
દિલ્હીની પ્રાથમિક સ્કુલો 10મી નવેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. 6થી 12નાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા વિચારાઈ રહ્યું છે.
પ્રદૂષણની અત્યંત ગંભીર સ્થિતિના પગલે દિલ્હીમાં ગ્રેપ-4 નિયંત્રણો લાગુ
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર થતાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)ના ચોથા તબક્કા હેઠળના (ગ્રેપ-4) પ્રતિબંધો લાગુ કરાયા છે. તે અંતર્ગત દિલ્હીમાં આવશ્યક સેવાઓ માટેની ટ્રકો સિવાયની ટ્રકો પર પ્રવેશ પ્રતિબંધિત કરી દેવાયો છે. જોકે સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકોને પ્રવેશ અપાશે. બાંધકામો પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને દિલ્હી-એનસીઆરમાં સરકારી કચેરીઓ અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવવા સહિતના પગલાં ભરવા સૂચન કર્યું છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ બાબત પરથી આવી શકે છે કે દિલ્હીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની નિર્ધારિત મર્યાદાથી અંદાજે 100 ગણું વધારે પ્રદૂષણ છે. રવિવારે દિલ્હીના વજીરપુર વિસ્તારમાં AQI 859 હતો.
આ પણ વાંચો -RAJASTHAN: દૌસા કલેક્ટર સર્કલ પાસે મોટી દુર્ઘટના, બસનો કાબુ ગુમાવતા રેલવે ટ્રેક પર પડી, 4ના મોત