પહેલા દીકરી ગુમાવી અને હવે ડેથ સર્ટિફિકેટ માટે ધક્કા, RG કર કેસમાં પિતાની વેદના
- RG કર કેસમાં હજુ સુધી પિતાને તેમની પુત્રીનું ડેથ સર્ટિફિકેટ મળ્યું નથી
- કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વખત અપીલ કરી છે
- પીડિત પરિવાર ન્યાય માટે વિનંતી કરી રહ્યો છે
RG Kar Case : ગયા વર્ષે ઓગસ્ટમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કરાયેલી યુવાન મહિલા ડોક્ટરના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમને હજુ સુધી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) તરફથી તેમની પુત્રીનું ડેથ સર્ટિફિકેટ મળ્યું નથી. પાણીહાટી નગરપાલિકાએ સ્મશાન સર્ટિફિકેટ જારી કર્યું હોવા છતાં, મૃતક મહિલા ડૉક્ટરના માતા-પિતાએ દાવો કર્યો છે કે, તેમને હજુ સુધી KMC તરફથી તેનું ડેથ સર્ટિફિકેટ મળ્યું નથી. માતા-પિતાએ જણાવ્યું હતું કે KMC એ તેમને કહ્યું હતું કે, RG કર હોસ્પિટલના અધિકારીઓ ડેથ સર્ટિફિકેટ જારી કરશે. જો કે, હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે KMCએ તે આપવાનું હતું.
KMC જારી કરે છે ડેથ સર્ટિફિકેટ
પીડિતાના માતા-પિતાના જણાવ્યા મુજબ, RG કર હોસ્પિટલના અધિકારીઓ એ વાત પર જોર આપી રહ્યા છે કે KMCએ હોસ્પિટલમાં થતા તમામ મૃત્યુ માટે ડેથ સર્ટિફિકેટ જારી કરવા જોઈએ, જેમાં લાવવામાં આવેલા મૃતકોનો પણ સમાવેશ થાય છે. આ એક પ્રકારની વિડંબના છે કે આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં છ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પીડિતાનું ડેથ સર્ટિફિકેટ પેન્ડિંગ છે.
કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ, RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 31 વર્ષીય જુનિયર ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. CBIએ કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોય સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
20 જાન્યુઆરીએ ટ્રાયલ કોર્ટે આ કેસના એકમાત્ર દોષિત સંજય રોયને મૃત્યુ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી. CBIએ સંજય રોયને ફાંસીની સજાની માંગ કરી હતી. 11 નવેમ્બર, 2024 ના રોજ ટ્રાયલ શરૂ થઈ હતી અને તેને પૂર્ણ થવામાં 59 દિવસ લાગ્યા હતા, પરંતુ કોર્ટના નિર્ણય છતાં, પીડિત પરિવાર ન્યાય માટે વિનંતી કરી રહ્યો છે અને આરોપ લગાવી રહ્યો છે કે આ કેસમાં વધુ આરોપીઓ છે, તેમને બચાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : 'જો પાર્ટીને મારી જરૂર ન હોય તો વિકલ્પો છે', શશિ થરૂરે કોંગ્રેસને રોકડું પરખાવ્યું