દામોહના નકલી ડૉક્ટરે વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકરની હાર્ટ સર્જરી કરી! 20 દિવસમાં થયું મોત
- નકલી ડોક્ટરની સર્જરીથી ભૂતપૂર્વ સ્પીકરનું મોત!
- હાર્ટ સર્જરી બાદ 20 દિવસમાં નેતાનું મોત
- નકલી ડોક્ટરે વિધાનસભ્યના જીવ સાથે રમત રમી!
- દામોહના નકલી ડૉક્ટરે ભૂતપૂર્વ સ્પીકરની હાર્ટ સર્જરી કરી, 20 દિવસમાં થયું મોત
Fake doctor : મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક મિશનરી હોસ્પિટલમાં 7 દર્દીઓના મૃત્યુના કેસે સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. આ ઘટનામાં આરોપી નકલી કાર્ડિયોલોજિસ્ટ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવનું નામ સામે આવ્યું છે, જેનો ગુનાહિત ઇતિહાસ 2006 સુધી પહોંચે છે. તે વર્ષે છત્તીસગઢની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા રાજેન્દ્ર પ્રસાદ શુક્લા પર સર્જરી કરી હતી, જેના પરિણામે રાજકારણીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ નકલી ડૉક્ટરની કાળી કરતૂતોને ઉજાગર કરી છે.
દમોહમાં FIR અને તપાસની શરૂઆત
મધ્યપ્રદેશ પોલીસે 6 એપ્રિલ, 2025ની મધ્યરાત્રિએ દમોહ જિલ્લાના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO) એમ. કે. જૈનની ફરિયાદના આધારે આરોપી નરેન્દ્ર જોન કેમ નામના કથિત ડૉક્ટર વિરુદ્ધ FIR નોંધી. ફરિયાદમાં જણાવાયું હતું કે, આ વ્યક્તિએ મધ્યપ્રદેશ મેડિકલ કાઉન્સિલમાં નોંધણી વિના દમોહની મિશનરી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી જટિલ પ્રક્રિયાઓ કરી, જેના કારણે 7 દર્દીઓના મૃત્યુ થયા. આરોપીનું સાચું નામ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ હોવાનું બહાર આવ્યું છે, જે બ્રિટનના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર જોન કેમની ઓળખનો દુરુપયોગ કરી દર્દીઓને ગેરમાર્ગે દોરતો હતો.
2006ની ઘટના: રાજેન્દ્ર પ્રસાદ શુક્લાનું મૃત્યુ
આ નકલી ડૉક્ટરની કરતૂતો નવી નથી. 20 ઓગસ્ટ, 2006ના રોજ છત્તીસગઢના બિલાસપુર શહેરની અપોલો હોસ્પિટલમાં રાજેન્દ્ર પ્રસાદ શુક્લાનું અવસાન થયું હતું. શુક્લા, જેઓ બિલાસપુર જિલ્લાના કોટા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય હતા અને 2000થી 2003 સુધી છત્તીસગઢ વિધાનસભાના પ્રથમ સ્પીકર રહ્યા હતા, તેમની સર્જરી નરેન્દ્ર યાદવે કરી હતી. શુક્લાના સૌથી નાના પુત્ર પ્રદીપ શુક્લા (62)એ જણાવ્યું કે યાદવે તેમના પિતાની હૃદયની સર્જરી કરી. સર્જરી બાદ શુક્લાને 18 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, પરંતુ તેઓ બચી શક્યા નહીં. પ્રદીપ શુક્લાએ ખુલાસો કર્યો કે, યાદવે અપોલો હોસ્પિટલમાં એક કે બે મહિના પહેલાં જ કામ શરૂ કર્યું હતું. હોસ્પિટલે તેને મધ્ય ભારતના શ્રેષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ તરીકે રજૂ કર્યા હતા, જે લેસર ટેકનોલોજીથી સર્જરી કરે છે. જોકે, મૃત્યુ બાદ અન્ય લોકો પાસેથી જાણવા મળ્યું કે યાદવ પાસે ડૉક્ટરની ડિગ્રી ન હતી અને તે છેતરપિંડી કરનાર હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બિલાસપુર એકમે તેની તપાસ પણ કરી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નહોતા.
અપોલો હોસ્પિટલની ભૂમિકા અને પરિણામો
પ્રદીપ શુક્લાએ દાવો કર્યો કે, યાદવે સારવાર કરેલા લગભગ 80 ટકા દર્દીઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. શુક્લાના મૃત્યુ બાદ અન્ય દર્દીઓના મૃત્યુના કેસ પણ સામે આવ્યા, જેના પગલે હોસ્પિટલ મેનેજમેન્ટે યાદવને નોકરી છોડવા કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે આ એક રીતે તેમના પિતા અને અન્ય દર્દીઓની હત્યા હતી. શુક્લા તે સમયે ધારાસભ્ય હતા અને તેમની સારવારનો ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવ્યો હતો, જેનો અર્થ એ થયો કે યાદવ અને હોસ્પિટલે સરકાર સાથે પણ છેતરપિંડી કરી. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાના બીજા પુત્ર અને નિવૃત્ત ન્યાયાધીશ અનિલ શુક્લાએ માંગ કરી કે છત્તીસગઢમાં પણ યાદવ અને અપોલો હોસ્પિટલ સામે FIR નોંધાવી તપાસ થવી જોઈએ. તેમણે દમોહની ઘટનાને ધ્યાનમાં રાખીને આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો.
હોસ્પિટલ અને સત્તાવાળાઓનો જવાબ
અપોલો હોસ્પિટલના જનસંપર્ક અધિકારી દેવેશ ગોપાલે પુષ્ટિ કરી કે, યાદવ 18-19 વર્ષ પહેલાં હોસ્પિટલ સાથે જોડાયો હતો. તેમણે જણાવ્યું કે આ જૂનો મામલો છે અને યાદવના કાર્યકાળ, દસ્તાવેજો અને દર્દીઓની સારવારની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આ માહિતી પૂર્ણ થયા બાદ સંપૂર્ણ ખુલાસો કરવામાં આવશે. બિલાસપુરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. પ્રમોદ તિવારીએ જણાવ્યું કે દમોહની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તેમણે અપોલો હોસ્પિટલ પાસેથી યાદવ વિશેની તમામ માહિતી માંગી છે. હોસ્પિટલને 8 એપ્રિલ, 2025ની સવાર સુધીમાં યાદવના કાર્યકાળ, ડિગ્રી અને સર્જરીની સંખ્યા સહિતની વિગતો આપવા કહેવાયું છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ અનિયમિતતા જણાશે તો ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રચાશે અને હોસ્પિટલ તેમજ સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી થશે.
આ પણ વાંચો : નરેન્દ્રએ નામ બદલીને ડૉ.એન.જોન કેમ રાખ્યું ??? જાણો 7 દર્દીઓના જીવ લેનાર ઠગની કહાની