કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ નવી CWC ટીમ તૈયાર કરી, જાણો કોને મળ્યું સ્થાન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ત્યારે ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવ્યા છે. આ ટીમમાં ખડગે બાદ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું નામ છે. તે પછી રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટની, અંબિકા સોની, મીરા કુમાર અને દિગ્વિજય સિંહનું નામ પણ સામેલ છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આખી યાદી શેર કરી છે. ખડગેની આ નવી ટીમમાં જૂના અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. રવિવારે જાહેર કરવામાં આવેલી સીડબ્લ્યુસીના સભ્યોની યાદીમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ગાંધી પરિવારના સભ્યો (સોનિયા , રાહુલ અને પ્રિયંકા), પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી ચિદમ્બરમ, લોકસભાના સાંસદ શશી થરૂર, રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. ખડગે સીડબ્લ્યુસીના સભ્ય પણ છે. આ સમિતિમાં કુલ 84 નામ છે. તેમાં CWC સભ્યો, કાયમી આમંત્રિતો, મહાસચિવો, વિશેષ આમંત્રિતો અને પ્રભારીઓનાં નામ સામેલ છે.
ખડગેની ટીમમાં કોને મળ્યું સ્થાન
1- મલ્લિકાર્જુન ખડગે, 2- સોનિયા ગાંધી, 3- ડૉ.મનમોહન સિંહ, 4- રાહુલ ગાંધી, 5- અધીર રંજન ચૌધરી, 6- એકે એન્ટોની, 7- અંબિકા સોની, 8- મીરા કુમાર 9- દિગ્વિજય સિંહ, 10- પી ચિદમ્બરમ, 11- તારિક અનવર, 12- લલથાનહાવલા, 13- મુકુલ વાસનિક, 14- આનંદ શર્મા, 15- અશોકરાવ ચવ્હાણ, 16- અજય માકન, 17- ચરણજીત સિંહ ચન્ની, 18- પ્રિયંકા ગાંધી વાડ્રા, 19- કુમારી સેલજા, 20- ગાયખાંગમ ગંગમાઈ, 21- એન રઘુવીરા રેડ્ડી, 22- શશિ થરૂર, 23- તામ્રધ્વજ સાહુ, 24- અભિષેક મનુ સિંઘવી, 25- સલમાન ખુર્શીદ, 26- જયરામ રમેશ, 27- જિતેન્દ્ર સિંહ
કોંગ્રેસ કમિટીમા કયા કયા ફેરફાર થયા
કાયમી આમંત્રિતોમાં વીરપ્પા મોઈલી, હરીશ રાવત, પવન કુમાર બંસલ, મોહન પ્રકાશ, રમેશ ચેન્નિન્થલા, બીકે હરિપ્રસાદ, પ્રતિભા સિંહ, મનીષ તિવારી, દીપેન્દ્ર હુડ્ડા, કે રાજુ, મીનાક્ષી નટરાજન, સુદીપ રોય બર્મન અને અન્ય ઘણા નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અગાઉ સોનિયા ગાંધી દ્વારા રચાયેલી ગવર્નિંગ કમિટીમાં કામ કરતા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટિની જે હવે જાહેરાત કરવામાં આવી છે તેમાં અગાઉની કમિટીની સરખામણીમાં વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી. ખાસ આમંત્રિતોના નામોમાં પલ્લમ રાજુ, પવન ખેડા, ગણેશ ગોડિયાલ, યશોમતી ઠાકુર, સુપ્રિયા શ્રીનેત, પરિણીતી શિંદે, અલકા લાંબા વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો -સ્વામી બ્રહ્મવિહારીદાસે PM મોદી સાથે કરી ખાસ મુલાકાત, PHOTOS