20 કરોડ ભારતીય નારી બની ચૂકી છે બાળલગ્નનો શિકાર, UN નો ચોંકાવનારો દાવો
બાળલગ્ન એક એવો કુરિવાજ છે જે સમાજ અને સ્ત્રીઓની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને સન્માનને છીનવે છે. બાળલગ્ન ન ફક્ત સ્ત્રીઓની પરંતુ સમાજની પણ પ્રગતિમાં બાધારૂપ બને છે. હવે આ બાળલગ્નના મુદ્દે ભારતને લઈને ચોંકાવનારો દાવો એક રિપોર્ટમાં સામે આવ્યો છે. UN ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં 20 કરોડથી વધુ મહિલાઓના બાળપણમાં લગ્ન થઈ ગયા હતા. જ્યારે સમગ્ર વિશ્વમાં આ આંકડો 64 કરોડ છે. આનો અર્થ એ થયો કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં 64 કરોડ મહિલાઓના બાળપણમાં જ લગ્ન થયા હતા. આમાંથી ત્રીજા ભાગના બાળ લગ્ન ભારતમાં થયા છે. ખરેખર આ આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
ભારતમાં 20 કરોડથી વધુ મહિલાઓના બાળપણમાં લગ્ન થઈ ગયા - UN રિપોર્ટમાં દાવો
ભારતમાં હવે આ બાળલગ્નની પ્રથા બાળ લગ્ન સામે વિવિધ સરકારો દ્વારા સતત પ્રયાસો અને ઝુંબેશથી આ પ્રથા લગભગ નાબૂદ થઈ ગઈ છે. પરંતુ આજથી 25 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000 માં 5માંથી 4 છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ ગયા હતા. UN ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024 મુજબ, દર પાંચમાંથી એક છોકરીના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. અહી નોંધનીય છે કે, UN એ વિશ્વને ચેતવણી આપી હતી કે લિંગ સમાનતાના મુદ્દાઓ ઘણા પાછળ છે. સ્ત્રીઓ સામેની હિંસા અને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્યમાં સ્વાયત્તતાના અભાવ જેવા મુદ્દાઓ હજુ પણ યથાવત છે. જો મહિલાઓ પ્રત્યેનો સુધારાનો અભિગમ આ જ ગતિએ ચાલુ રહેશે તો મેનેજમેન્ટ જેવા હોદ્દા પર પુરૂષ અને મહિલાઓ વચ્ચે સમાનતા પ્રાપ્ત કરવામાં હજુ 176 વર્ષ લાગશે. જે ઘણી શરમજનક વાત છે.
UN દ્વારા નિર્ધારિત 169 લક્ષ્યોમાંથી 2030 સુધીમાં માત્ર 17 ટકા જ હાંસલ થશે
વિશ્વ આજે ઘણા દૂષણો/સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. પર્યાવરણીય, સામાજિકથી માંડીને રાજનૈતિક અને પ્રાકૃતિક સંશાધનો જેવી સમસ્યાના વાદળો હજી વિશ્વ ઉપર ઘેરાઈ રહ્યા છે. ત્યારે પ્રાપ્ત અહેવાલો અનુસાર, વૈશ્વિક જીવનની સ્થિતિ સુધારવા માટે UN દ્વારા નિર્ધારિત 169 લક્ષ્યોમાંથી 2030 સુધીમાં માત્ર 17 ટકા જ હાંસલ થશે. જો કે, 2015 માં, વિશ્વના નેતાઓ દ્વારા આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી નથી.
આ પણ વાંચો : Upendra Dwivedi New Army Chief: ભારતીય સૈન્ય ઈતિહાસમાં પહેલીવાર! સૈનાના સર્વોચ્ચ હોદ્દા પર બે મિત્રો