Yusuf Pathan: યુસુફ પઠાણના પ્રચારમાં સચિનની તસવીર! ચૂંટણી પંચે માંગ્યો જવાબ
Yusuf Pathan: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે અનેક પ્રકારના સમાચારો સામે આવી રહ્યાં છે. રાજકીય પાર્ટીઓ પોતાનો જોરદાર પ્રચાર પણ કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યુસુફ પઠાન (Yusuf Pathan) અત્યારે જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના બહેરામપુરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવાર, યુસુફ પઠાણ, ક્રિકેટ વર્લ્ડ કપની જીતની ક્ષણ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સાથેની તેમની તસવીરો સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. યુસુફ પઠાણને કારણે પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે.
ચૂંટણી પંચે કહ્યું આવી તસવીરનો ઉપયોગ ના કરી શકાય
ઉલ્લેખનીય છે કે, યુસુફ પઠાણ (Yusuf Pathan) ના આ ચૂંટણી પ્રચાર અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પંચે ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની મોમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 2011 વર્લ્ડ કપ જીતવાની પળની તસવીરોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહીં. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે બહેરામપુર ટીએમસી ઉમેદવારના પ્રચારમાં ફોટો વિવાદને લઈને જિલ્લા તૃણમૂલની નિંદા કરી છે.
ચૂંટણી પંચે આ અંગે માંગ્યા જવાબ
યુસુફ પઠાન (Yusuf Pathan) દ્વારા કરવામાં આવતા પ્રચાર અંગ થયેલી ફરિયાદોને જોતા ચૂંટણી પંચે મુર્શિદાબાદના જિલ્લા અધિકારી પાસે રિપોર્ટ માંગી છે. જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ પૂછ્યું છે કે સચિનની તસવીરનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે, તેના માટે કોઈ માન્ય પરવાનગી છે કે નહીં. આ પછી, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાંથી માહિતી મોકલવામાં આવી હતી કે જે સંસ્થા તરફથી ફ્લેક્સ અને બેનરો બનાવવામાં આવ્યા હતા તેની માહિતી માંગવામાં આવી હતી.
આ મામલે યુસુફ પઠાણે આપ્યો જવાબ
મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, યુસુફના ચૂંટણી એજન્ટ અને ફ્લેક્સ મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી આગામી સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો હતો. આ સંબંધે યુસુફે પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘મારા કાનૂની સલાહકાર આ અંગે જવાબ આપશે. હું ભારત માટે રમ્યો તેનો મને ગર્વ છે. મને નથી લાગતું કે, ગૌરવની એ ક્ષણને ઉજાગર કરવી તેમાં કોઈ અન્યાય થયો હોય.’
આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છેઃ કોંગ્રેસ
તમને જણાવી દઈએ કે, યુસુફે 2011 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં મેળવેલી જીતનો એક ફોટો શેર કર્યો હતો. તો આ મામલે કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, ‘ભારત રત્ન’ સચિન જેવી હસ્તીઓની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. કોંગ્રેસે ચાર્જશીટમાં લખ્યું કે, વિશ્વ કપમાં જીત મેળવી તેના માટે આખા દેશને ગર્વ છે પરંતુ તેનો ઉપયોગ ચૂંટણી માટે ના કરવો જોઈએ. જ્યારે કમિશને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી રિપોર્ટ માંગ્યો ત્યારે પ્રાંતીય પ્રમુખ અધીર ચૌધરીએ કહ્યું, "જો દેશની મહત્વની વ્યક્તિઓની તસવીરોનો ઉપયોગ તેમની પરવાનગી સાથે કરવામાં આવતો નથી, તો તે ચોક્કસપણે આચારસંહિતાનું ઉલ્લંઘન છે."