PM Modi Write letter: તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે
PM Modi Write letter: ભારતમાં લોકસભાની ચૂંટણી અત્યારે ખાસ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. દરેક રાજકીય પાર્ટીઓ જીતવા માટે ચૂંટણી પ્રચાર કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ‘અબ કી બાર 400 પાર’ ના નારા સાથે ચૂંટણી જીતવાનું લક્ષ રાખ્યું છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં છે. તેમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ફેક વીડિયો પણ વાયરલ થયો હતો તેમાં તેમના ભાષણને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે અમિતા શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
તમે ઐતિહાસિક સદસ્યતા અભિયાન ચલાવ્યુંઃ વડાપ્રધાન મોદી
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને એક પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખતા અમિત શાહ સાથેના કામને યાદ કર્યા હતા. પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે, ‘80 ના દાયકાથી, તમે મારી સાથે વિવિધ લોક કલ્યાણના કાર્યોમાં કામ કર્યું છે, ત્યારથી મેં સમાજ સેવા અને ભારતના ઉત્થાન પ્રત્યેના તમારા અતૂટ સમર્પણને નજીકથી જોયો છે. પાર્ટીના અધ્યક્ષ તરીકે તમે ઐતિહાસિક સદસ્યતા અભિયાન ચલાવ્યું હતું, જેના પરિણામે અમે બીજેપીને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવાનું અમારું સામાન્ય સ્વપ્ન સાકાર કર્યું હતું.’
અમિત શાહને પીએમ મોદીએ કહ્યું તમે એક ઉત્તમ વક્તા રહ્યા છો
વધુમાં પીએમ મોદી પત્રમાં અમિત શાહના કાર્યોને પણ યાદ કર્યા હતા. 370 ની કલમ હટાવવી, સીએએ લાવવું અને ભારતીય ન્યાય સંહિત જેવી મહત્વપૂર્ણ નીતિઓ માટે અમિત શાહના વખાણ કર્યા હતાં. વડાપ્રધાને લખ્યું કે, ‘કેન્દ્રીય મંત્રી તરીકે તમે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તમે સંસદમાં એક ઉત્તમ વક્તા રહ્યા છો, અને સૌથી જટિલ મુદ્દાઓને પણ સ્પષ્ટ રીતે સમજાવવામાં સક્ષમ છો. તમે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં એક સફળ મંત્રી છો તેમજ પાર્ટીના સૌથી મૂલ્યવાન કાર્યકરોમાંના એક છો, જેઓ આજે પણ ભાજપના વિસ્તરણ અને વિકાસ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.’
તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશેઃ નરેન્દ્ર મોદી
નોંધનીય છે કે, અમિત શાહ અત્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આથી અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં જીત મેળવવા માટે વડાપ્રધાને લખ્યું કે, ‘મને વિશ્વાસ છે કે તમે સંસદમાં લોકોના સંપૂર્ણ આશીર્વાદ લાવશો અને નવી સરકારમાં અમે બધા સાથે મળીને દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે.’
સૂર્યોદય પહેલા મતદાન કરવાની અપીલ કરું છુંઃ પીએમ મોદી
અમિત શાહના લોકસભા ક્ષેત્રના મતદાતાઓ અને કાર્યકર્તાઓને અપીલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ‘આ ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી.આ ચૂંટણી વર્તમાન અને ઉજ્જળ ભવિષ્યના નિર્માણ માટેનો સુનેરો અવસર છે.’ જેથી વધારે મહેનત કરવા માટે પીએમ મોદીએ અપીલ કરી હતી. આ સાથે મતદાતાઓને ઉદ્દેશીને લખ્યું કે, ‘અત્યારે ગરમી ખૂબ વધી ગઈ છે અને હું લોકોને તેના કારણે થતી અસુવિધાથી વાકેફ છું. પરંતુ આ ચૂંટણી દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વની છે. તેથી હું લોકોને વહેલી સવારે મતદાન મથકો પર જવા અને સૂર્યોદય પહેલા મતદાન કરવાની અપીલ કરું છું.’