Lok Sabha Election 2024: ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા PM મોદીનો ભાવનાત્મક સંદેશ
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે. ચૂંટણી પંચ શનિવારે બપોરે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. 2024 ની લોકસભાની ચૂંટણી એપ્રિલના મધ્યમાં યોજાવાની સંભાવના છે. આ સાથે ચૂંટણી મે મહિનાના અંત સુધી ચાલશે. સુત્રો પ્રમાણે મળતી મહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી કુલ સાત ચરણમાં યોજાવાની સંભાવના છે. ચૂંટણીની તારીખો જાહેર થયા તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભાવુક સંદેશ જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારા અને તમારા સંબંધને આજે દશ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. વધુમાં લખ્યું કે, ‘તમારૂ સમર્થન અમને લગાતાર મળતું રહેશે તેવો અમને વિશ્વાસ છે. દેશના વિકાસ માટે સતત અમે પ્રયત્નો અને મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરન્ટી છે.’
140 કરોડ ભારતીયોનો વિશ્વાસ મને પ્રેરણા આપે છેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘અમારી ભાગીદારી એક દશક પૂર્ણ કરવાની આરે છે. 140 કરોડ ભારતીયોનો વિશ્વાસ અને સમર્થન મને પ્રેરણા આપે છે. લોકોના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આ પરિવર્તનકારી પરિણામો ગરીબો, ખેડૂતો, યુવાઓ અને મહિલાઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે નિર્ધારિત સરકાર દ્વારા કરવામાં આવેલા નિષ્ઠાવાન પ્રયાસોનું પરિણામ છે.’
મહિલાઓ માટે ખુબ કામ કર્યા છેઃ પીએમ મોદી
પોતાની વાત આગળ વધારતા વડાપ્રધાને કહ્યું કે, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનો, દરેક ઘરે વીજળી, પાણી અને એલપીજી પહોચાડ્યું છે. આયુષ્માન ભારતના માધ્યમથી મફત મેડિકલ સારવાર, કિશાનોને નાણાકીય સહાય પણ મળી છે. માતૃ વંદના યોજના અને અન્ય ઘણા પ્રયત્નો દ્વારા મહિલાઓને સહાયની સફળતા તમે મારામાં મૂકેલા વિશ્વાસને કારણે જ શક્ય બની છે.’
પોતાની વાતમાં કલમ 370 ની પણ વાત કરી
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘આપણો દેશ પરંપરા અને આધુનિકતા એમ બન્ને રીતે આગળ વધી રહ્યો છે. છેલ્લા દાયકાની વાત કરવામાં આવે તો આગળની પેઢી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અભૂતપૂર્વ નિર્માણ જોવા મળ્યું છે. ત્યારે આપણા સમૃદ્ધ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક વારસામાં પણ પરિવર્તન આવ્યું છે. આજે દરેક નાગરિકને ગર્વ છે કે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે તે પોતાની સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી પણ કરી રહ્યો છે. તમારા વિશ્વાસ અને સમર્થનનું પરિણામ છે કે અમે GSTનો અમલ કરી શક્યા, કલમ 370 હટાવી શક્યા, ટ્રિપલ તલાક પર નવો કાયદો બનાવી શક્યા અને સંસદમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે નારી શક્તિ વંદન કાયદો બનાવી શક્યા, તેની સાથે સાથે સંસદ ભવનનું ઉદ્ઘાટન જેવા ઘણા ઐતિહાસિક અને મોટા નિર્ણયો લીધા છે. નવી સંસદ ભવન અને આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદ સામે મજબૂત પગલાં ગણી શકાય છે.’