Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

The key to happiness-ભૂતકાળ ભૂલો અને 'આજ'ને માણો

The key to happiness-ભૂતકાળનો અફસોસ દૂર કરો. ભૂતકાળ ભૂલો.  આજે તમને વિચાર આવે છે કે ભૂતકાળમાં અમુક દિવસો તમે ખોટા વેડફી નાખ્યા. એ દિવસોને યાદ કરતાં અત્યારે અફસોસ થાય છે. પંદર-પચ્ચીસ કે પાંત્રીસની ઉંમરે તમને ખ્યાલ પણ નહોતો કે ત્યારે...
the key to happiness ભૂતકાળ ભૂલો અને  આજ ને માણો

The key to happiness-ભૂતકાળનો અફસોસ દૂર કરો. ભૂતકાળ ભૂલો. 

Advertisement

આજે તમને વિચાર આવે છે કે ભૂતકાળમાં અમુક દિવસો તમે ખોટા વેડફી નાખ્યા. એ દિવસોને યાદ કરતાં અત્યારે અફસોસ થાય છે. પંદર-પચ્ચીસ કે પાંત્રીસની ઉંમરે તમને ખ્યાલ પણ નહોતો કે ત્યારે જે દિવસો વેડફી રહ્યા છો એની સ્મૃતિ તમને પાંચ-દસ-વીસ વર્ષ પછી કનડવાની છે. જો તે વખતે એવી અક્કલ હોત તો તમે એ દિવસોને વેડફી ન નાખ્યા હોત.

આજ એ આવતી કાલનો ભૂતકાળ 

આજે-અત્યારે તમે જે કંઈ કરો છો તે પાંચ-દસ-વીસ વર્ષ પછી તમારો ભૂતકાળ બની જશે. એ વખતની તમારી સ્મૃતિમાં આજના દિવસની યાદ અફસોસ ઉપજાવે એવી ન હોય એ માટે તમારે આજે જ કંઈક કરવું પડે. શું કરવું પડે?

Advertisement

જીવનમાં પાછલાં વર્ષોમાં તમને સંતોષ રહે કે મેં મારાં વર્ષો વેડફાઈ જવા દીધાં નથી, ખૂબ ભરપૂર જીવન જીવાયું છે તો એ માટે આજથી જ કામે લાગી જવું પડે.

એ દિવસોને યાદ કરો જ્યારે તમને એક ઘડીની ફુરસદ નહોતી

ભૂતકાળના કેટલાય વેડફાઈ ગયેલા દિવસોને યાદ કરો. અને એની સામે એ દિવસોને યાદ કરો જ્યારે તમને એક ઘડીની ફુરસદ નહોતી, તમે સતત નવાં કામ હાથમાં લઈને એને ચીવટથી અંત સુધી લઈ જતા હતા, એ કામ કરવા માટે અનેક લોકોનો સાથ મેળવતા હતા, સામેથી સંપર્ક કરીને મદદ માગતા હતા.

Advertisement

એવી સ્મૃતિઓ વાગોળો કે જે  તમને પ્રસન્નતા આપે 

આજથી પાંચ-પચ્ચીસ વર્ષ પછી તમારા મનમાં જે સ્મૃતિઓ ઉમટતી હશે તે દરેક સ્મૃતિમાં ક્યાંય અફસોસ ન હોય એ માટે તમારે આજે અને અત્યારે ધ્યાન રાખવું પડે કે તમારો એક પણ દિવસ વેડફાય નહીં, દિવસનો એક પણ કલાક વેડફાય નહીં, કલાકની દરેકે દરેક મિનિટનો તમે સારી રીતે ઉપયોગ કરો.

સારી રીતે એટલે કેવી રીતે? સમજી લઈએ. એક સપ્તાહ પહેલાંની, એક મહિના પહેલાંની, એક વર્ષ કે પાંચ-દસ વર્ષ પહેલાંની કઈ કઈ વાતો તમને યાદ છે? કઈ કઈ વાતો તમે ભૂલી ગયા છો?

વીતેલા એ સમયમાં તમે જે નવા અનુભવો કર્યા, નવા નવા લોકોને મળ્યા, નવી નવી જગ્યાઓએ ફર્યા, નવું જોયું, નવું સાંભળ્યું, નવું માણ્યું, નવું ખાધું પીધું – આ બધામાંથી કેટલું યાદ છે તમને?

The key to happiness એટલે જે કંઈ ભૂલી ગયા છો તે બધું ક્ષુલ્લક હતું એટલે તમારી સ્મૃતિમાંથી એ ભૂંસી નાખો. એ વખતે તમને ખ્યાલ જ નહોતો કે આ પ્રવૃત્તિઓ ક્ષુલ્લક છે, આને કારણે જીવનમાં કશું જ ઉમેરાવાનું નથી. એવી બધી જ પ્રવૃત્તિઓ હવે સભાનતાપૂર્વક ટાળીએ.

ટીવી ચાલુ કરીને રિમોટ મચડી મચડીને સર્ફિંગ કરવું, વૉટ્સએપ કે ટ્વીટર પર કલાકો સુધી મંડી પડવું, ફોન પર ફાલતુના ગપાટા મારવા, જાહેર સમારંભો કે સામાજિક-પારિવારિક ફંક્શનોમાં હદ બહારનો સમય વીતાવવો —આ અને આવી અગણિત ક્ષણોને વેડફાઈ ગયેલી તમે જોઈ છે. આવી ક્ષણો અફસોસ સાથે સ્મૃતિમાં જડાઈ જતી હોય છે.

હવે પછીનો એકએક દિવસ એવો નક્શીદાર બનાવીએ

ભવિષ્યમાં આવો કોઈ અફસોસ તમને સતાવે નહીં એની જવાબદારી તમારી છે. તમે પંદર-પચ્ચીસ-પાંત્રીસ વર્ષે સમજતા નહોતા કે તે વખતે જે કંઈ કરતા હતા તે તમારો નોસ્ટેજિયા બની જશે. આજે હવે તમને ખબર છે કે આજે કરેલી પ્રવૃત્તિ ભવિષ્યમાં તમને સ્મૃતિરૂપે યાદ આવવાની છે. એટલે જ હવે પછીનો એકએક દિવસ એવો નક્શીદાર બનાવીએ, એવી બેનમૂન કારીગરીવાળો બનાવીએ, એવી રીતે એને તરાશીએ કે પાછલાં વર્ષોમાં એ સ્મૃતિરૂપે પાછો આવે ત્યારે એમાં અફસોસને બદલે સંતોષનો ઓડકાર હોય.

રોજ કોઈક નવી વ્યક્તિનો અથવા તો ઘણા સમયથી સંપર્કમાં ન હોય એવી વ્યક્તિનો સંપર્ક કરીને પાંચ-પંદર મિનિટ એવી સઘન વાતો કરીએ જે એને ને તમને બેઉને યાદ રહે.

જીવન જીવવા માટે જે કામ કરવાનું છે તે કર્યા પછી ઘણો બધો સમય દરેકની જિંદગીમાં ફાજલ પડતો હોય છે. આ સમયને વેડફી દેવાને બદલે કંઈક નક્કર રીતે એનો ઉપયોગ કરીએ. કોઈક એવી જગ્યાઓએ ફરવા જઈએ જેની સ્મૃતિ કાયમ માટે મનમાં જડાઈ જાય. એવી જગ્યાઓએ જઈને ખાઈપીને મઝા કરીને સેલ્ફીઓ પાડવા ઉપરાંત કોઈક એવી પ્રવૃત્તિઓ કરીએ જે કરવાનો આનંદ આવે અને ભવિષ્યમાં એ સ્થળ વિશે કોઈક પૂછે તો તમે એને ત્યાં જઈને કરેલી પ્રવૃત્તિઓ વિશે પણ વિગતે કહી શકો.

જરૂરી નથી કે આવાં નાનાં-મોટાં વૅકેશનો માટે તમારે પરદેશ જવું પડે. ભારતભ્રમણ કરી શકો. તમારા રાજ્યમાં ફરી શકો. ઇવન તમારા શહેર કે તાલુકામાં ફરીને, હજુ સુધી ક્યારેય ન જોઈ હોય એવી જગ્યાઓ એક્સપ્લોર કરી શકો.

રોજીંદી ડાયરી લખવી

સારું વાંચીને, સારી ફિલ્મો જોઈને, સારું કંઈ પણ કરીને વધુ નહીં તો દિવસના અંતે માત્ર 100 શબ્દોની ટૂંકી નોંધરૂપે રોજનીશીમાં મુદ્દાઓ ટપકાવી લેશો તો ભવિષ્યમાં કઈ પ્રવૃત્તિઓમાં તમને વધારે મઝા આવી અને શું કરવામાં ઓછી મઝા આવી એનો હિસાબ રાખવાનું સરળ પડશે. કયાં કામ ટાળવાં છે અને કયાં ફરી ફરી કરવાં છે એની એક ગાઇડલાઇન તૈયાર થશે.

આજથી દસ-વીસ-ચાળીસ વર્ષ બાદ તમારી પાસે સુંદર સ્મૃતિઓનો ખજાનો હોય એવી રીતે જીવવાનો સૌથી મોટો ફાયદો એ કે તમારી આજ હંમેશાં તાજગીભરી રહેશે. તમે રોજ કંઈકને કંઈક નવા અથવા એક્સાઇટિંગ કામ કરતા રહેશો

આવતીકાલને યાદ કરીને ઘણા લોકો ચિંતામાં ડૂબી જાય છે. આ વાંચ્યા પછી તમે નહીં ડૂબો – આજે અને ભવિષ્યમાં, સતત આનંદ અને પ્રસન્નતામાં તરતા રહેશો. પ્રોમિસ.

આ છે The key to happiness.. સુખની ચાવી. સરળ છે. તમારા હાથમાં છે. 

આ પણ વાંચો- Geniality-સદા આનંદમાં રહેવાની સાચી કળા

 

Advertisement

.