Blitheness-સામેની વ્યક્તિ જેવી છે, એવી જ સ્વીકારી લેવાની
Blitheness એટલે કે આનંદ.. સુખ.. ઉલ્લાસ
‘ટ્રેઝર આયલૅન્ડ’ અને ‘સ્ટ્રેન્જ કેસ ઑફ ડૉ. જેકિલ ઍન્ડ મિસ્ટર હાઈડ’ જેવી સદાબહાર વાર્તાઓ કહેનાર રોબર્ટ લુઈ સ્ટીવન્સન કહે છે કે: ‘આનંદમાં રહેવાની આપણી ફરજ છે, આપણે આ ફરજને બહુ સીરિયસલી લેતા નથી. હકીકતમાં તો આનંદમાં રહીને આપણે દુનિયાને અનેક પ્રકારે છૂપા ફાયદા કરાવીએ છીએ.’
માણસે પોતાના માટે તો હૅપી રહેવું જ જોઈએ
આ એક નવી વાત છે. માણસે પોતાના માટે તો હૅપી-Blithenessમાં જ રહેવું જ જોઈએ, એમાં એનો જ ફાયદો છે. પોતાની આસપાસનાઓ માટે પણ ખુશ રહેવું જોઈએ, એમાં એનો સ્વાર્થ છે. પણ માણસ પોતે જો ખુશ હશે, આનંદમાં હશે, હૅપી હશે તો દુનિયાને પણ એનો ફાયદો છે એ વાત નવી છે, મૌલિક છે.
દુનિયાને શું ફાયદો થતો હશે તમારી ખુશીથી?
તમારા ખુશ રહેવાથી દુનિયા આખીને ઘણો મોટો ફાયદો છે? આ દુનિયા ઉદાસ, મનહૂસ ચહેરો લઈને ફરતા, ગમગીન લોકોથી મોટાભાગે દૂર રહે છે. દુનિયા આનંદી, ઉત્સાહી અને ઉમંગભર્યા લોકોને મળે છે. મોં લટકાવીને બેસી રહેતા લોકો દુનિયાનું કશું ભલું નથી કરતા, જેઓ આનંદી હોય, પ્રસન્ન હોય – પછી ભલે એ પ્રસન્નતા બહાર દેખાતી હોય કે ન હોય – એવા જ લોકો એમની આભાથી બીજાને ય ખુશ રાખે છે.
રાલ્ફ વાલ્ડો એમર્સન અમેરિકન નિબંધકાર, પ્રવચનકાર અને કવિ. બેઝિક્લી ફિલસૂફ ટાઈપનો, એનું આ વાક્ય રવીન્દ્રનાથ ટાગોરની યાદ અપાવે. ટાગોરે કંઈક આ મતલબનું કહ્યું હતું: તમારી અપૂર્ણતાઓ છતાં જે તમને ચાહે છે એ જ તમારો ખરો મિત્ર છે. એમર્સને ટાગોરના જન્મ પહેલાં કહ્યું હતું: ‘હું જે છું એને જો તમે ચાહી શકો તો આપણે બંને વધારે સુખી થઈશું.’
આપણે કોઈને પ્રથમવાર મળીએ છીએ અને ચાહવા લાગીએ છીએ એ પછી આપણે જેને મળ્યા હતા એ વ્યક્તિને નહીં આપણે જેને મળવા માગીએ છીએ એ વ્યક્તિને જોવા માગીએ છીએ. એનામાં આ જે છે તે ન હોવું જોઈએ અને આટલું ઉમેરાવું જોઈએ એવી આશા રાખીએ છીએ. પ્રથમ મિલન કે પ્રથમ મુલાકાત વખતે આવી કોઈ આશા-અપેક્ષા હોતી નથી. પાછળથી ઉમેરાતું જાય છે: તું આમ નહીં કર, તું આવું નહીં બોલ, આને નહીં મળવાનું, આ રીતે… વગેરે. અને આવું કરવાથી બંને જણ દુ:ખી થાય છે.
સામેની વ્યક્તિ જેવી છે, એવી જ સ્વીકારી લેવાની
સરકારી જાહેરખબરોમાં એક વાક્ય ખાસ આવે છે: જેમ છે, જ્યાં છે, તે હાલતમાં વેચવાનું છે… સામેની વ્યક્તિ જેવી છે, એવી જ તમારે સ્વીકારી લેવાની. ન સ્વીકારી શકીએ તો એનાથી દૂર થઈ જવાનું. પણ જેમ હસવું ને લોટ ફાકવો બેઉ સાથે શક્ય નથી એમ ‘તું આટલી બાબતે બદલાઈ જા’ એવો સતત આગ્રહ રાખવો અને ‘હું તારી પાસેથી પ્રેમ-સદ્ભાવ-હૂંફ પામતો રહું’ એવી માગણી રાખવી – આ બેઉ શક્ય નથી. વ્યક્તિ જે છે તે – તમે એમને મળ્યા ત્યારે તમારી કોઈ જીદ નહોતી કે એ બદલાય. અત્યારે તમે કહેશો કે ના, પણ એ વ્યક્તિ હવે બદલાઈ ગઈ છે, પહેલાં જેવી નથી રહી. જરા ધ્યાનથી જોજો એ નથી બદલાઈ. તમે બદલાઈ ગયા છો. એને જોવાનો તમારો નજરિયો બદલાઈ ગયો છે. એટલે જ એમર્સને કહી દીધું: ‘ઈફ યુ કૅન લવ મી ફૉર વૉટ આય એમ, વી શૅલ બી હૅપીઅર.’
‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’, ‘ધ બ્રધર્સ કારમાઝોવ’, ‘ધ ઈડિયટ’ અને ‘નોટ્સ ફ્રોમ ધ અન્ડરગ્રાઉન્ડ’ જેવી મેગાકથાઓના જીનિયસ સર્જક ફ્યોદોર દોસ્તોએવસ્કી સાવ સિમ્પલ વાત કહે છે પણ વાત લાખ ટકાની છે. આપણે પોતે પણ આવું ઘણી વખત નથી વિચારતા: ‘માણસને પોતાની તકલીફોના સરવાળા મારવાનું જ ગમે છે; એ ક્યારેય પોતાની ખુશીઓની ગણતરી કરતો નથી.’
તમારી પાસેની ખુશીઓનો સરવાળો તમારી તકલીફો કરતાં હંમેશાં મોટો જ હોવાનો
મોટાભાગના માણસ પોતાના ભૂતકાળ વિશે વાત કરશે ત્યારે એ પોતે કઈ કઈ તકલીફોમાંથી ગુજર્યો છે એની જ વાત કરશે. કઈ કઈ મઝાઓ કરી છે એની સ્મૃતિ જાણે એનામાંથી ભુંસાઈ ગઈ હોય છે.
તમે પોતે પણ તમારા વર્તમાન વિશે વિચારતાં એકલા બેઠા હશો ત્યારે તમને અત્યારે કઈ કઈ ચિંતાઓ સતાવે છે, કઈ કઈ બાબતે તકલીફ છે, કઈ કઈ પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ છે એ વિશે જ વિચારો આવશે. અત્યારે જીવનમાં તમારી પાસે એવું કેટલું બધું સરસ સરસ જે જીવનમાં ક્યારેય નહોતું, બીજાઓના જીવનમાં તો અત્યારે પણ નથી, એવો વિચાર નહીં આવે તમને. તમારી પાસેની ખુશીઓનો સરવાળો તમારી તકલીફો કરતાં હંમેશાં મોટો જ હોવાનો, ગમે તેવી પહાડ જેવી આપત્તિમાં પણ. જરા શાંતિથી ગૌર કરજો આ વિશે.
વારંવાર ઈન્ટ્રોસ્પેક્શન કર્યા કરવાની જરૂર નથી
રૂપાળી અમેરિકન કવયિત્રી સિલ્વિયા પ્લાથે અકુદરતી રીતે ૩૦ વર્ષની ઉંમરે જ પોતાનું જીવન ટૂંકાવી દીધેલું. એને એનાં કારણો હશે. એણે કહ્યું હતું: ‘મારી પાસે ચૉઈસ છે: કાં તો હું કૉન્સ્ટન્ટલી ઍક્ટિવ અને હૅપી રહું કાં પછી નિષ્ક્રિય રહીને આત્મખોજ કર્યા કરું અને સૅડ રહું. કાં પછી આ બેઉ અંતિમો વચ્ચે લોલકની જેમ ઝૂલતી રહીને પાગલ થઈ જાઉં.’
કહેવાનો મતલબ સમજ્યા? કવયિત્રીના શબ્દો છે. વારંવાર ઈન્ટ્રોસ્પેક્શન કર્યા કરવાની જરૂર નથી. આખો દિવસ પડ્યા રહીને હું કોણ છું, મારી લાઈફનો રિયલ પર્પઝ શું છે, ભગવાન છે કે નહીં, આ જિંદગીનો હેતુ શું છે, મૃત્યુ પછી જિંદગી છે કે નહીં એવા સવાલોના જવાબો શોધવાને બદલે જે કામ આવડે, જેવું આવડે, જે કોઈ કામમાં રસ પડે તે કરતાં રહેવું જોઈએ. તો જ તમે ખુશ રહેશો. બાબાગુરુઓની ટીવી ચૅનલો તમને ઊંધા રવાડે ચડાવી દેશે, તમે ડિપ્રેસ થઈ જશો અને કવિપતિ તથા બે બાળકો હોવા છતાં સિલ્વિયાએ નાની ઉંમરે આપઘાત કર્યો એવી મનોદશા થઈ જશે તમારી. માટે સાવધાન. હૅપી થવું હોય તો એવી માનસિકતા છોડીને જે તમને હૅપી હૅપી કરે છે એમની મેન્ટાલિટીને ઓળખો, સ્વીકારો અને એ રીતે જીવો.
આ પણ વાંચો- Manikarnika Ghat- સર્વ પિતૃ અમાવસ્યા-'સ્વ'નું પિંડદાન