Art of life :સાવ સાદું ગણીત,તું બાદ તો જિંદગી બરબાદ !!
Art of life - ભલે ધીમા પગલે પણ આપણે ત્યાં પુરુષોમાં મજાનો બદલાવ આવી રહ્યો છે. અને આ આનંદ છે કે આપણે ત્યાં લગ્નજીવનમાં હવે પતિ બદલાય રહ્યો છે, પુરુષ સ્ત્રીનો પતિ મટીને એ સાથી થઇ રહ્યો છે, આ બદલાવના કેટલાક સુંદર દૃશ્યો જોઈએ તો મન પ્રફુલ્લિત થઇ જાય.
- પત્ની વર્કિંગ વુમન હોય અને અને સવારે ટુ વ્હીલર લઈને જોબ જવા નીકળતી હોય ત્યારે ઘરના ઉંબરે મેં પુરુષને પત્નીને હાથમાં હેલ્મેટ આપતો જોયો છે.
- વ્હાલથી પોતાની દીકરીની ચોટલી બાંધતો પુરુષ એટલો જ ગમ્યો છે, જેટલો દીકરાનું લંચબોકસ ચીવટથી પેક કરતો પુરુષ.
- પત્નીને માથું દુ:ખતું હોય ત્યારે સિંદૂરની ડબ્બી જેવી નાનકડી બામની ડબ્બી લઈને એના કપાળે બામ ઘસી દેતો પુરુષને કેવો સોહામણો લાગે.
- એક તો આજીવન મારા મનમાં મહેકતું રહે એવું સુંદર દૃશ્ય જોયું હતું. જીન્સ-ટીશર્ટ પહરેલી પત્ની હાથમાં મોબાઈલ,પર્સ અને લેપટોપ બેગ લઈને જોબ પર જવા ઘરના મેઈન ડોર ઓળંગીને આંગણામાં આવી ત્યાં એના એક શુઝની લેસ ખુલી ગઈ. મેઈન ડોર સુધી આવેલા પતિની નજર પડી કે પત્નિના બેઉ હાથમાં વસ્તુઓ છે, એ આવીને ઝૂકીને પત્નીના શુઝની લેસ બાંધી દે છે. થોડે દુર ઉભેલી એમની નાનકડી દીકરીને એના પિતામાં જ કોઈ રોમેન્ટિક ફિલ્મનો હીરો દેખાયો હશે ને !
આવા તો કેટકેટલા દૃશ્યો તમે ય જોયા હશે. સ્ત્રીને રસોઈમાં મદદ કરતો પુરુષ કે કુટુંબ–સમાજમાં પોતાની પત્નીનું સન્માન જળવાય એ માટે ખ્યાલ રાખતો પુરુષ કે ઘરના પડદાથી લઈને પોતાના શર્ટ માટે ય પત્નીની પસંદગી પૂછતો પુરુષ, પત્નીનો ‘વાંહો’ કરી દેતો પુરુષ કે એને તેલ નાખી આપતો પુરુષ... આવા દૃશ્યો હવે જોવા મળતા થયા છે. ખાસ કરીને શહેરોમાં.
ભલે હજુ બહુ ઓછું દેખાય પણ છતાં પુરુષ પોતાનો પુરુષ તરીકેનો અહં મુકીને સરળ થઈ રહ્યો છે. આને કહેવાય Art of life. હજુ જેમને મેલ ઈગો આડો આવતો હશે એમને આ પ્રેમાળ ક્રિયાઓમાં ‘વેવલાઈ’ દેખાઈ શકે પણ ડૉ.હંસલ ભચેચ કહેતા હોય છે કે ‘કેટલીક વેવલાઈ સુખી દામ્પત્યની સાચી ચાવી છે.’
પ્રેમ જતાવવા માટે એ પીડામાં મુકાય એની રાહ નથી જોવાની
પત્ની મુશ્કેલીમાં મુકાય કે બીમાર પડે ત્યારે તો પ્રેમ જતાવવાનો જ હોય છે, પણ પ્રેમ જતાવવા માટે એ પીડામાં મુકાય એની રાહ નથી જોવાની હોતી. દામ્પત્યના ક્યારામાં આવા મજાના પુષ્પો રોજ ખીલે એ ખાતર-પાણી-સજાગતા રાખીએ તો એ આવકાર્ય જ છે.
વાત મેરેજલાઈફની કરીએ તો સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની બેઉ તરફે થોડા સુંદર પરિવર્તન એ સમયની માંગ છે. પણ મને એવું લાગે છે આ પરિવર્તનની શરૂઆત પુરુષે કરવી પડશે. તમને કદાચ થાય કે કેમ પુરુષના બદલાવ બાબતે પહેલા વાત ?
અમને માફ કરો અમે તમને સમજી ના શક્યા
હિટલરના સમયમાં જર્મનીમાં યહુદીઓ પર ખુબ અત્યાચારો થયા, એના સાડા ચાર દાયકા બાદ ૧૯૯૦માં જર્મનીએ ઓફીશયલી ઇઝરાયેલ અને વિશ્વભરનાં યહુદીઓની માફી માંગી હતી.
ઈટાલીમાં સોળમી સદીમાં ચુસ્ત અને જડ ધર્મગુરુઓએ ઇટાલીયન ફિલોસોફર,વૈજ્ઞાનિક ગણિતજ્ઞ એવા ગીઓર્ડાનો બ્રુનોને નવા વિચારો અને નવી શોધો માટે જીવતો સળગાવેલો અને ખગોળશાસ્ત્રી એવા ગેલેલિયોને જેલમાં રીબાવ્યો હતો. પણ આજે તમે ઇટાલીના શહેર મિલાનના ખુબ મોટા અને પુરાણા ચર્ચ ‘મિલાન કેથેડ્રલ’માં જાઓ તો ત્યાં બ્રુનો અને ગેલેલિયોનું સુંદર મ્યુરલ મુકેલું છે. એની નીચે લખેલું છે કે “અમને માફ કરો અમે તમને સમજી ના શક્યા.”. તો સ્ત્રીઓ પર આપણે સદીઓથી ઘણું ગુજાર્યું છે. તો બદલવાની શરૂઆત પુરુષે જ કરવી જોઈએ.
સ્ત્રી દેવપત્નીને ય ઈર્ષ્યા પમાડે એટલી સમૃદ્ધ થતી હોય છે
મહાભારતમાં એક દૃશ્ય છે કે જ્યારે બાર વર્ષના વનવાસ દરમિયાન અર્જુન ચારે ય ભાઈઓ અને પત્ની દ્રૌપદીને મુકીને ભવિષ્યમાં આવનારા મહાયુદ્ધની તૈયારીરૂપે શસ્ત્રો મેળવવા ગયો છે. એ દરમિયાન અહીં વનમાં એક દિવસ દ્રૌપદીના ખોળામાં એક સુવર્ણકમળ ઉડતું ઉડતું આવે છે. દ્રૌપદી કમળ જોઇને એટલી આનંદિત થાય છે કે એ ભીમને કહે છે કે, ‘ આ કમળ જેવા બીજા નવ્વાણું કમળ જો મને મળી જાય તો હું એ સો સુવર્ણ કમળની માળા બનાવીને, એ માળાથી અર્જુન જ્યારે પાછા આવશે ત્યારે હું એનું સ્વાગત કરીશ.’ પછી મહાભારતમાં દૃશ્ય લખાયું છે કે પ્યારી પત્નીની ઈચ્છા જાણીને ભીમસેન હાથમાં ગદા ઉછાળતા-ઉછાળતા બીજા નવ્વાણું કમળ લેવા એવા તો હોંશે હોંશે નીકળી પડે છે કે આકાશમાંથી દેવોની પત્નીઓ છુપાઈને ભીમસેનને પ્રેમથી જોઈ રહી છે!
પુરુષ જ્યારે પોતાની સ્ત્રીને-પત્નીને વ્હાલ કરે છે, પ્રેમ કરે છે, એનું સન્માન જાળવે છે, એને સમર્પિત થાય છે ત્યારે એ સ્ત્રી દેવપત્નીને ય ઈર્ષ્યા પમાડે એટલી સમૃદ્ધ થતી હોય છે.
જેમ કોઈ વર્ષો જુના દેવામાંથી
મુક્ત થઇ જાય,
જેમ કોઈ પગ બોળીને બેઠું હોય
શાંત નદીમાં,
જેમ ઉનાળુ બપોરે થાકેલો વટેમાર્ગુ
કોઈ પ્રાચીન મંદિરના સ્તંભને અઢેલીને બેઠો હોય,
જેમ માતાના ગર્ભમાં ઝૂલતું હોય શિશુ,
સઘળા સુખો મેં અનુભવ્યા છે તને ગળે લાગીને !
આ પણ વાંચો- શરીરમાં Vitamin B12 ની કમી હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાઓ