Trump ની જીત ડ્રેગનને પડશે ભારે! અમેરિકા-ચીન વચ્ચે વધી શકે છે તણાવ
- અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ
- ટ્રમ્પની જીતથી ચીન પર અસર
- ચીન-અમેરિકા વેપાર યુદ્ધ ફરી તેજ થશે!
China in Tension : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જીતી ચુક્યા છે. તાજા આંકડા અનુસાર જીત માટે 270 કે તેથી વધુના આંકડાની જરૂર હતી જે ટ્રમ્પ આસાનીથી પાર કરી લીધો છે. ટ્રમ્પની જીતથી જ્યા ભારત ખુશ છે તો બીજી તરફ ચીન ટ્રમ્પની ખુશીથી નારાજ થાય તો નવાઈ નથી.
ટ્રમ્પની શાનદાર જીત
મત ગણતરીના તાજેતરના ડેટા અનુસાર, ટ્રમ્પને અત્યાર સુધીમાં 270 થી વધુ ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. આનાથી તેમની જીત સુનિશ્ચિત થઈ ગઇ છે. રિપબ્લિકન પાર્ટીના 78 વર્ષીય નેતા ટ્રમ્પે પેન્સિલવેનિયા, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિના જેવા ત્રણ મહત્વપૂર્ણ 'સ્વિંગ સ્ટેટ્સ' માં મોટી જીત મેળવી છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને તેમની ઐતિહાસિક જીત પર હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સહકારને નવીકરણ કરવાની આતુરતા દર્શાવી છે, ત્યારે પડોશી ચીન તણાવમાં આવી ગયું છે. ચીન હવે વેપાર, ટેક્નોલોજી અને સુરક્ષાના મુદ્દે અમેરિકા સાથે આગામી 4 વર્ષની કડવાશ અને દુશ્મનાવટની તૈયારી કરી રહ્યું છે.
US Elections: World leaders congratulate Donald Trump
Read @ANI Story | https://t.co/8PiSx4THlU#USElections2024 #DonaldTrump pic.twitter.com/RoI0UxfSiz
— ANI Digital (@ani_digital) November 6, 2024
ટ્રમ્પ ચીનથી આયાત થતા માલ પર ભારે ટેરિફ લાદશે
ટ્રમ્પને ચીન વિરોધી કહેવામાં આવે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ ચીનથી આયાત થતા માલ પર ભારે ટેરિફ લાદશે. ટ્રમ્પ ચીન વિરોધી નીતિ માટે જાણીતા છે. તેમણે કહ્યું છે કે દેશમાં ઉત્પાદન વધારવા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના ઈરાદાથી ચીનથી આયાત થતા સામાન પર 60 ટકા ટેરિફ લગાવી શકાય છે, જ્યારે અન્ય દેશો પર તે 10 ટકા સુધી હોઈ શકે છે. આવી સ્થિતિમાં ચીનથી અમેરિકામાં આયાત થતા સામાન પર પ્રતિબંધ લાગી શકે છે. ટ્રમ્પ વર્ષોથી ચીનના રણનીતિકારોને આ વાત કહેતા આવ્યા છે, જે ચીનને આર્થિક મોરચે મોટો ફટકો આપી શકે છે.
ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કરી શકે છે ટ્રમ્પ
આ સિવાય ટ્રમ્પે ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. વિશ્લેષકો કહે છે કે ટ્રમ્પના નેતૃત્વમાં વેપાર યુદ્ધની શક્યતાએ ચીનના નેતૃત્વને હચમચાવી દીધું છે. ચીન દર વર્ષે અમેરિકાને $400 બિલિયનથી વધુનો સામાન વેચે છે. નિષ્ણાતોના મતે, બેઇજિંગ ટ્રમ્પના શાસનમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી વેપાર યુદ્ધ શરૂ થવાની સંભાવનાથી ચિંતિત છે, કારણ કે ચીન હાલમાં ઘણા મહત્વપૂર્ણ આંતરિક અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે.
ટેક કંપનીઓ અને સપ્લાય ચેન પર અસર થવાની શક્યતા
ટ્રમ્પે અમેરિકન ગૌરવ પાછું લાવવા અને અમેરિકાને ફરી મહાન બનાવવાની વાત પણ કરી છે. તેથી, ચીનને એવો પણ ડર છે કે ટ્રમ્પ સપ્લાય ચેઇનમાં સામેલ ટેક કંપનીઓને ઝડપથી પાછી બોલાવી શકે છે. આ એક એવું પગલું છે જે ચીનના આર્થિક વિકાસને જોખમમાં મૂકી શકે છે અને તેની સામાજિક અને રાજકીય સ્થિરતાને પરોક્ષ રીતે અસર કરી શકે છે. આના કારણે ઘણી મોટી કંપનીઓ ચીન છોડીને ક્યાં તો અમેરિકા શિફ્ટ થઈ શકે છે અથવા કોઈ અન્ય દેશમાં જઈ શકે છે. આનાથી ચીનને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
આર્થિક મોરચે ચીનની હાલત ખરાબ છે
આ બધું એવા સમયે થશે જ્યારે ચીન પોતે આર્થિક મોરચે મંદીનો સામનો કરી રહ્યું છે. કોવિડ -19 રોગચાળાએ ચીનની અર્થવ્યવસ્થાને ધીમી કરી દીધી છે, જે વિશ્વના વિકાસનું એન્જિન માનવામાં આવે છે. 2020માં ચીનનો વિકાસ દર ઘટીને માઈનસ 2.2 ટકા થઈ ગયો હતો, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધાયેલો ચીનનો સૌથી નીચો વિકાસ દર છે.
તાઈવાન મુદ્દે પણ તણાવ
આ સિવાય દક્ષિણ ચીન સાગરમાં તાઈવાન સાથે ચીનના વધતા સંઘર્ષના કિસ્સામાં ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા આક્રમક બની શકે છે. આ ક્ષેત્રમાં અમેરિકા ન માત્ર વ્યૂહાત્મક જોડાણને મજબૂત કરી શકે છે પરંતુ તેની સૈન્ય ગતિવિધિઓ પણ વધારી શકે છે. અમેરિકા તાઈવાન નજીકના સમુદ્રમાં સૈન્ય ગતિવિધિ વધારી શકે છે. એકંદરે અમેરિકા ચીન પર ભારે દબાણ વધારી શકે છે.
આ પણ વાંચો: USA: બાઇડેનનો એક શબ્દ..જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ બની ગયા રાષ્ટ્રપતિ