Dominican Republic માં નાઈટક્લબની છત તૂટી પડી, 20 થી વધુ લોકોના મોત
- ડોમિનિકન રિપબ્લિક મોટી દુર્ઘટના
- નાઈટક્લબની છત અચાનક તૂટી પડી
- 20થી વધુ લોકોના મોત
Dominican Republic: ડોમિનિકન રિપબ્લિકની (Dominican Republic )રાજધાની સેન્ટો ડોમિંગોમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી(nightclub collapse) પડી છે, જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટના થઈ તે સમયે નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું, જેના કારણે ત્યાં ભારે ભીડ હતી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે અને તેને લઈને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અકસ્માત સમયે સ્ટેજ પર પરફોર્મ કરી રહેલી પ્રખ્યાત મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ પણ આ અકસ્માતમાં ઘાયલ થઈ છે. ડોમિનિકન રિપબ્લિકના રાષ્ટ્રપતિ લુઈસ એબિનાડેરે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જેટ સેટ નાઇટક્લબમાં બનેલી આ દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. અમારી બધી એજન્સીઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે અવિરત કામ કરી રહી છે. રાષ્ટ્રપતિ અબિનાદરે પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ત્યાં પોતાના પ્રિયજનોને શોધી રહેલા લોકોને સાંત્વના આપી.
ઘટનાસ્થળે હાજર તપાસ એજન્સીઓ
આ ભયાનક દુર્ઘટના પાછળના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી. તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને કાટમાળની તપાસ કરી રહી છે. નિષ્ણાતો માને છે કે ઈમારતની રચનામાં કોઈ ખામી હોઈ શકે છે અથવા બાંધકામમાં બેદરકારી આ પાછળનું કારણ હોઈ શકે છે. આ ઘટના બાદ નાઈટક્લબની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
નાઈટ ક્લબ સીલ કરી દેવામાં આવ્યો
આ દુર્ઘટના અંગે સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો અને ઉદાસી છે. જેટ સેટ નાઈટક્લબ રાજધાનીમાં એક પ્રખ્યાત સ્થળ હતું, જ્યાં વારંવાર કોન્સર્ટ અને પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું. દુર્ઘટના બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે. સરકારે મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્લબને સીલ કરી દેવામાં આવ્યું છે