NATO Meeting: રશિયા વિરૂદ્ધ કાર્યવાહી કરશે NATO? હેડક્વાર્ટરમાં 30 દેશોના રક્ષા મંત્રીઓની બોલાવી બેઠક
- યુદ્ધમાં રશિયા વિરૂદ્ધ હવે નાટો પગલાં લેવા મક્કમ બન્યું
- 30 દેશોના રક્ષા મંત્રીઓ સાથે મોટી બેઠક બોલાવી
- રશિયા વિરૂદ્ધ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
NATO Meeting Amid Russia Ukraine War: યુક્રેનના નાટોમાં જોડાવાના નિર્ણયના કારણે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયા વિરૂદ્ધ હવે નાટો પગલાં લેવા મક્કમ બન્યું છે. નાટો રશિયા વિરૂદ્ધ મોટી રણનીતિ ઘડી યુક્રેનમાં સૈન્ય સંંબંધિત નિર્ણયો લેવા સજ્જ હોવાનો સંકેત આપ્યો છે. જેના ભાગરૂપે નાટોએ પોતાના હેડક્વાર્ટરમાં 30 દેશોના રક્ષા મંત્રીઓ સાથે મોટી બેઠક બોલાવી છે.
રશિયા વિરૂદ્ધ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે
બ્રિટન અને ફ્રાંસની આગેવાની હેઠળ નાટોએ ગુરૂવારે લગભગ 30 દેશોના રક્ષા મંત્રીઓ સાથે એક બેઠક યોજી છે. જેમાં રશિયા સાથે કોઈ પણ ભાવિ શાંતિ કરાર પર નજર રાખવા, યુક્રેનમાં સેના તૈનાત કરવાની યોજના પર ચર્ચા થઈ હતી. નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના હેડક્વાર્ટરમાં આ પ્રકારની બેઠકનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. ગત સપ્તાહે બ્રિટિશ અને ફ્રાન્સના સૈન્ય અધિકારીઓએ કીવની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ બેઠક યોજાતાં અપેક્ષા છે કે, તેમાં રશિયા વિરૂદ્ધ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
બેઠકમાં કુલ 50 દેશ સામેલ
અમેરિકા આ બેઠકમાં ભાગ લેશે નહીં. શુક્રવારે યુક્રેન માટે સૈન્ય સમર્થન એકત્ર કરવા 50 દેશોના પ્રતિનિધિ NATOના હેડક્વાર્ટરમાં ભેગા થશે. આ બેઠકનું નેતૃત્વ બ્રિટન અને જર્મની કરશે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ આ બેઠકમાં ભાગ લેશે નહીં. યુક્રેન સરકારના અધિકારીઓ અને સૈન્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, રશિયન સેનાએ કીવ પર દબાણ વધારવા તેમજ યુદ્ધ વિરામ ચર્ચામાં ક્રેમલિનની સ્થિતિને મજબૂત બનાવવા આગામી સપ્તાહમાં યુક્રેનમાં એક નવા સૈન્ય આક્રમણની તૈયારી શરૂ કરી છે.
યુરોપને સુરક્ષાની જવાબદારી લેવા ચેતવણી
રશિયા-યુક્રેન સીઝ ફાયર મુદ્દે અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકાએ NATOને ચેતવણી આપી છે કે, યુરોપે પોતાની જવાબદારીએ યુક્રેનના ભાવિની રક્ષા કરવી પડશે. પોતાના હિતોનું રક્ષણ કરતાં આ સંગઠને યુરોપિયન ખંડની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી પડશે. ભવિષ્યમાં શાંતિ કરાર માટે તેમણે યુક્રેનની સરહદ કે સરહદની બહાર સૈનિકોની તૈનાતીમાં ઘટાડો કરવો પડશે.