Colombia: ચોરીની એક અજીબ વારદાત, સપને પણ ના વિચાર્યું હોય તેવી વસ્તુની ચોરાઈ!
Colombia: દુનિયામાં અનેક પ્રકારની ચોરીઓ થતી હોય છે. નોંધનીય છે કે, ચોરીના અનેક એવા કેસો સામે આવતા હોય છે જે જાણીને લોકો પોતાનું માથુ ખંજવાળતા રહી જાય છે. પરંતુ આ બધામાં ચોરીને એક સૌથી અજીબ અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દક્ષિણ અમેરિકામાં આવેલા કોલંબિયામાં એક અજીબ ચોરીનો કેસ સામે આવ્યો છે. અહીં બે સૈન્ય મથકોમાંથી હજારો શેલ અને ઓછામાં ઓછી 37 મિસાઇલોની ચોરી કરવામાં આવી છે.
સૈન્યએ આ મહિને તપાસ હાથ ધરી હતી
મળતી વિગતો પ્રમાણે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે, ‘દેશના બે સૈન્ય મથકોમાંથી હજારો શેલ (ગ્રેનેડ) અને બુલેટની ચોરી કરવામાં આવી છે.’ પેટ્રોએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સૈન્યએ આ મહિને તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે લશ્કરી થાણાઓમાંથી હજારો બુલેટ, હજારો શેલ અને 37 એન્ટિ-આર્ટિલરી મિસાઇલોની ચોરી કરવામાં આવી હતી.’
હથિયારોની ગેરકાયદેસર ખરીદી અને વેચાણમાં પણ હોઈ શકે
નોંધનીય છે કે, સૈન્ય અડ્ડામાંથી એક દેશના મધ્ય ભાગમાં સ્થિત છે જ્યારે અન્ય કેરેબિયન કિનારે સ્થિત છે. આ બાબતે રાષ્ટ્રપતિ પેટ્રોએ કહ્યું કે, ‘આ દારૂગોળો કોલંબિયાના બળવાખોર સંગઠનોના હાથમાં આવી ગયો હોઈ શકે છે અથવા અન્ય દેશોમાં ગુનાહિત જૂથોને ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યો હોઈ શકે છે. જેમાં હૈતીયન બળવાખોરો પણ સામેલ છે.’ આ સાથે વધારે વિગતે વાત કરીએ તો, ગુમ થયેલી ચીજવસ્તુઓના સંદર્ભમાં એટલું જ કહી શકાય કે સશસ્ત્ર દળોમાં પણ એવા લોકોનું નેટવર્ક છે જે હથિયારોની ગેરકાયદેસર ખરીદી અને વેચાણમાં સામેલ છે.
સૈન્ય સ્થાનોનું નિરીક્ષણ કરવાનું ચાલું રહેશેઃ રાષ્ટ્રપતિ
આ બાબતે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ‘સશસ્ત્ર બળોને કોઈ પણ અપરાધિક સંગઠનોથી દુર રાખવા માટે સૈન્ય સ્થાનોનું નિરીક્ષણ કરવાનું ચાલું રહેશે.’ આ મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી રહીં છે. તમને જણાવી દઈએ કે, 2016 માં કોલંબિયાની ક્રાંતિકારી સશસ્ત્ર દળો અને સરકાર વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી, આ બળવાખોર સંગઠન અલગ થઈ ગયું અને 'FARC-EMC' ની રચના કરી.