US રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ તપાસને મંજૂરી, બાઇડેને કહ્યું - તેઓ મારા પર..!
રિપબ્લિકન-કંટ્રોલ્ડ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા બુધવારે રાષ્ટ્રપતિ જો બાઇડેન સામે મહાભિયોગની તપાસ માટેના ઔપચારિક ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. ગૃહમાં, રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ તપાસ અંગે વોટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મહાભિયોગની તરફેણમાં 221 મત પડ્યા જ્યારે તેની વિરુદ્ધ 212 મત પડ્યા હતા. જો બાઇડેનના પુત્ર હન્ટર બાઇડેનના આંતરરાષ્ટ્રીય વ્યવહારને લઈ મહાભિયોગની તપાસને મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે રાષ્ટ્રપતિ જો બાઇડેને પ્રતિક્રિયા આપતા તેમની વિરુદ્ધ મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવા માટે ગૃહના મતને 'પાયાવિહાણા રાજકીય સ્ટંટ' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, "અમેરિકનોના લોકોનું જીવનસ્તર સુધારવામાં મદદ કરવાને બદલે તેઓ મારા પર ખોટા આક્ષેપ કરી રહ્યા છે અને માત્ર તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે," જણાવી દઈએ કે, બુધવારે રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું હતું કે, જરૂરી કામ કરવાને બદલે તેઓ પાયાવિહોણા રાજકીય સ્ટંટ પર સમય બરબાદ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિપબ્લિકન દ્વારા અત્યાર સુધી રાષ્ટ્રપતિ દ્વારા ભ્રષ્ટાચારના કોઈ પૂરાવા રજૂ કર્યા નથી. બીજી તરફ ડેમોક્રેટિકના નેતૃત્વ વાળી સીનેટમાં બાઇડેનને દોષી જાહેર કરવાની કોઈ સંભાવના નથી. જો કે, આ પ્રક્રિયા થકી વર્ષ 2024 માટેના ચૂંટણી પ્રચારમાં રિપબ્લિકન પાર્ટીને રાષ્ટ્રપતિ જો બાઇડેન પર હુમલો કરવા માટે એક હાઇ પ્રોફાઇલ મુદ્દો મળી ગયો છે.
આ પણ વાંચો - Israel-Hamas War: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુનું મોટું નિવદેન, કહ્યું- યુદ્ધમાં વિજય સુધી…!