સાણંદ બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.આ ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ રહેશે..જેનું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે. તેવામાં સામાન્ય જનતા માટે પણ વિધાનસભાની દરેક બેઠકનું મહત્વ જાણવું જરૂરી છે.અમે તમને અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલી સાણંદ-બાવળા વિધાનસભા બેઠકનà
11:31 AM Oct 28, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.આ ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ રહેશે..જેનું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે. તેવામાં સામાન્ય જનતા માટે પણ વિધાનસભાની દરેક બેઠકનું મહત્વ જાણવું જરૂરી છે.
અમે તમને અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલી સાણંદ-બાવળા વિધાનસભા બેઠકની તમામ માહિતી આપવા જઇ રહ્યા છીએ. જેનો મોટાભાગનો વિસ્તાર GIDC ધરાવતો વિસ્તાર છે. અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો છે, જેમાંથી વિરમગામ વિધાનસભામાંથી અલગ કરવામાં આવેલી બેઠક નંબર 40 સાણંદ-બાવળા વિધાનસભા બેઠકની ચૂંટણી હંમેશા રસપ્રદ રહી છે.
ક્યા વિસ્તારોનો થાય છે સમાવેશ ?
સાણંદ તાલુકા અને બાવળા તાલુકાના ગામો વાસણા નાનોદરા, નાનોદરા, કાવલા, સાંકોદ, વાસણા ધેધલ, ધેધલ, રજોડા, આદ્રોડા, હસનનગર, છબાસર, બલદાણા, મેટલ, દેવધોલેરા, દેવડથલ, દુર્ગી, મેણી, દુમાલી, કેસરાંડી, રણદંડ, લગામ, અમીપુરા, કોચરીયા, કેરલા, કાનોતર, શિયાળ, સરલા, કાલીવેજી, મીઠાપુર, બાવળા (એમ) વગેરે આ બેઠક હેઠળ આવતા મુખ્ય વિસ્તારો છે.
આ બેઠકની ડેમોગ્રાફીની વાત કરવામાં આવે તો તે અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલી છે.સાંણદે છેલ્લા 10-12 વર્ષથી વિકાસની જે હરણફાળ ભરી છે તે ખરેખર નોંધનીય છે.સાણંદની આજુબાજુ ચાંગોદર અને છારોડીમાં બે મોટી GIDC આવેલી છે.જ્યારે ખોરજ ગામે નવી GIDC બનાવવામાં આવી રહી છે. સાણંદ અને બાવળા એમ બે તાલુકામાં મળી આશરે 5000 હજારથી વધારે કંપની આવેલી છે. જેમાં મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળી રહી છે.
કયા સમાજનું પ્રભુત્વ છે સાણંદ બેઠક પર ?
આ વિધાનસભામાં કોળીપટેલ સમાજની વસતી વધારે જોવા મળે છે. એટલે આ વિધાનસભામાં દરેક પક્ષ કોળીપટેલ ઉમેદવાર ઉતારવાનું વધું પસંદ કરે છે.. 2012 અને 2017માં કોળીપટેલ ઉમેદવાર વિજયી થયા હતા. આ વિધાનસભા બેઠકમાં વિવિધ સમુદાયની કેટલી વસ્તી છે તેના પર નજર કરીએ તો S.C સમાજની 21,098, S.T સમાજની 4011, મુસ્લિમ સમુદાયની 10,813, ઠાકોર સમાજની 24,257, કોળીપટેલ સમાજની 63,771, રબારી સમાજની 10,338, પાટીદાર સમાજની 4264ની વસ્તી છે.
મતદારોનું ગણિત
સાણંદ -બાવળા વિધાનસભા બેઠકમાં વર્ષ 2012ની વસ્તી પ્રમાણે મતદારોની સંખ્યા અંદાજે કુલ 207282 હતી. જેમાં પુરુષોની સંખ્યા 1,09,025, મહિલાઓની સંખ્યા 98,255 અને અન્ય 2 હતા. જ્યારે 2017માં કુલ 2,26,732 કુલ મતદાર સંખ્યા હતી. જેમાં પુરુષ મતદારો 1,26,732 અને મહિલા મતદારો 1,16,735 હતા.જ્યારે અન્ય 04 હતા. હાલની 2022ની વાત કરીએ તો કુલ વસ્તી 2,75,901, જેમાં પુરુષ મતદારો 1,42,321, અને મહિલા મતદારો 1,33,571 અન્ય 05 મતદારો છે.
કઇ રીતે અસ્તિત્વમાં આવી આ બેઠક ?
અમદાવાદ જિલ્લાની સાણંદ-બાવળા વિધાનસભા 2012માં વિરમગામ વિધાનસભામાંથી અલગ કરવામાં આવી હતી. સાણંદ-બાવળા વિધાનસભામાં સાણંદ શહેર અને સાણંદ તાલુકાના તમામ એટલે કે 62 ગામ જ્યારે બાવળા શહેર અને બાવળા તાલુકાના 30 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાણંદ શહેરમાં હરણફાળ ગતિએ છેલ્લા 10 વર્ષમાં વિકાસ થયો છે. બસ- સ્ટેન્ડ, નવી કચેરી, પોલીસ સ્ટેશન, નવી આઇટીઆઇ, શહેરના નવા રોડ- રસ્તા વિકાસની સાક્ષી પુરી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યના લોકોને અમદાવાદ RTO ન જવું પડે તે માટે બાવળામાં નવી RTO કચેરી બનાવવામાં આવી છે.
વર્ષ 2017માં આરપારનો ચૂંટણી જંગ
2017માં આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની હતી. કારણ કે 2012માં જીતેલા કરમશીભાઇ પટેલ કોંગ્રેસમાંથી પક્ષ બદલી ભાજપમાં જોડાયા હતાં. જેમાં 2017ની વિધાનસભાની ચૂંટણી કરમશીભાઇ પટેલના દીકરા કનુભાઇ પટેલને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી.ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાં પુષ્પાબેન ડાભીને ટિકિટ આપવામાં આવી હતી. ભાજપ કાર્યકર્તા તરીકે કામ કરી રહેલા કમાભાઇ રાઠોડે ભાજપ તરફથી ટિકીટ ન મળતા અપક્ષ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી. જેથી ભાજપ તરફથી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2017ની આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કનુભાઇ પટેલને 67,692, કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ડાભીને 59,971 જ્યારે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવનાર કમાભાઇ રાઠોડને 37,795 મત મળ્યા હતા. આમ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા કરમશીભાઇના પુત્ર કનુભાઇ પટેલનો 5148 મતથી વિજય થયો હતો.
2012માં વિધાનસભા બેઠક પરના પરિણામ
2012માં વિરમગામ વિધાનસભામાંથી અલગ કરી સાણંદ- બાવળા વિધાનસભા બેઠકની પ્રથમવાર ચૂંટણી યોજવામાં આવી હતી. આ બેઠક પરથી ભાજપ તરફથી કમાભાઇ રાઠોડ અને કોંગ્રેસ તરફથી કમશીભાઇ પટેલે પોતાની દાવેદારી નોંધાવી હતી.2012 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કમાભાઇ રાઠોડને 69,305 મત મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કરમશીભાઇ પટેલને 73,453 મત મળ્યા હતાં. આમ કોંગ્રેસના કમમશીભાઇ પટેલે ભાજપના ઉમેદવાર કમાભાઇ રાઠોડને 7721 મતથી હરાવ્યા હતા.
વર્ષ 2022ની ચૂંટણીમાં આ બેઠકનો રોલ
સાણંદ બાવળા બેઠક પર આ વખતે 2022માં ત્રિપાંખિયો જંગ થશે. સાણંદ કોંગ્રેસનો ગઢ ગણાય છે અને બાવળા ભાજપનો ગઢ ગણાય છે. પણ આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે તો સાણંદ બાવળા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના મત કાપશે તે નિશ્ચિત છે.
ચૂંટણી વર્ષ કોણ વિજેતા ?
2017 કનુભાઇ કરમશીભાઇ પટેલ (ભાજપ)
2012 કરમશીભાઇ વિરજીભાઇ પટેલ (કોંગ્રેસ)
1972 રૂદ્રદત્તસિંહજી વાઘેલા (કોંગ્રેસ)
1967 ડી. બી જાદવ (SWA)
1962 શાંતિલાલ ત્રિકમલાલ પટેલ (કોંગ્રેસ)
Next Article