અમે ભ્રષ્ટાચારી સામે કામ કરીએ તો આખું ટોળું બૂમાબૂમ કરે છે : PM MODI
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના પ્રવાસે છે ત્યારે પ્રવાસના છેલ્લા દિવસે તેઓ રાજકોટના જામકંડોરણા ખાતે પહોંચ્યા હતા અને જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચારી સામે કામ કરીએ તો આખું ટોળું બૂમાબૂમ કરે છે. ભલે મારી ટીકા થાય પણ હું મારું કામ ચાલુ રાખીશ હું પહેલો પ્રધાનમંત્રી જે જામકંડોરણા આવ્યોવડાપ્રધાનશ્રીએ કહ્યું કે મે આજે છાપામાં વાંચ્યુ
07:13 AM Oct 11, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના પ્રવાસે છે ત્યારે પ્રવાસના છેલ્લા દિવસે તેઓ રાજકોટના જામકંડોરણા ખાતે પહોંચ્યા હતા અને જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચારી સામે કામ કરીએ તો આખું ટોળું બૂમાબૂમ કરે છે. ભલે મારી ટીકા થાય પણ હું મારું કામ ચાલુ રાખીશ
હું પહેલો પ્રધાનમંત્રી જે જામકંડોરણા આવ્યો
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે મે આજે છાપામાં વાંચ્યું કે હું પહેલો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો છું. મારે છાશવારે એવા કામ કરવાના આવે છે કે હું પહેલીવાર કરું છું. આ ભૂમિમાં આવું ત્યારે વિઠ્ઠલભાઇ રાદડીયાની યાદ જરુર આવે.
તમે આ દેશની પ્રજાનું લૂંટ્યું છે તે તમારે આપવું પડશે
તેમણે કહ્યું કે જયપ્રકાશ નારાયણના પગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે પણ અમે એ રસ્તે ચાલીએ છીએ. ભ્રષ્ટાચારમુક્ત ભારત માટે અમે બિડું ઉઠાવ્યું છે. અમે ભ્રષ્ટાચારી સામે કામ કરીએ તો આખું ટોળું બૂમાબૂમ કરે છે. તમે આ દેશની પ્રજાનું લૂંટ્યું છે તે તમારે આપવું પડશે. ભલે મારી ટીકા થાય પણ હું મારું કામ ચાલુ રાખીશ . આજે કાઠીયાવાડે રંગ રાખ્યો છે. થોડા દિવસ પહેલા મે સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું તેના 21 દિવસ પુરા થયા અને તેની શરુઆત રાજકોટની ધરતી પર થઇ હતી. રાજકોટના આશીર્વાદ મળ્યા. આ ભૂમી જલારામ બાપા અને આઇ ખોડિયાર માતાના આશીર્વાદ છે.
આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચલી છે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે હું ભાજપના કાર્યકરોને ચેતવવા માગું છું. જે લોકોને ગુજરાતે નકાર્યા તે લોકો ગુજરાતના હિતોની વિરુદ્ધમાં એડીચોટીનું જોર લગાવતા રહ્યા છે. 20 વર્ષ મને પણ હેરાન કરવામાં બાકી રાખ્યું નથી. સોનાની તપીને જેમ ગુજરાત બહાર નિકળ્યું છે. મારા માટે અપશબ્દો વપરાતા હતા. ગુજરાત કચકચાવીને જવાબ આપે તો પણ સુધરતા ન હતા. આ વખતે નવી ચાલ ચલી છે. કોંગ્રેસ કોઇ સભા કે પ્રેસ કોન્ફરન્સ કરતી નથી. મોદી પર હુમલો કરતા નથી અને અપશબ્દો બોલતા નથી. બોલવું નહી પણ ખાટલા બેઠક કરવી, ગામે ગામે લોકોને પહોંચાડવા.. જાત જાતનું બધુ કરી રહ્યા છે. ગાળો બોલવાનો કોન્ટ્રાક્ટ એમણે બીજાને આપી દીધો છે. આ એમની ચાલાકીઓને સમજજો. તેમના આ ખેલને પણ ગુજરાતની જનતા પરાસ્ત કરશે.
સૌરાષ્ટ્રમાં વિકાસ થયો
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે માત્ર નરેન્દ્ર ભૂપેન્દ્ર નહીં પણ તમારા જેવા સાથીઓની દિવસ રાતની મહેનત છે. ભાજપ પર અતૂટ વિશ્વાસ માટે કચ્છ સૌરાષ્ટ્રની જનતાને નમન કરું છું .આજે ગુજરાતની ઓળખ નવી ઉંચાઇ પર ગઇ છે. 20-22 વર્ષના જવાનીયાઓને પહેલાના દિવસો કેવા હતા, કેવી મુસીબતોમાં મા બાપ જીવતા હતા તે કાને પણ નહીં પડયું હોય. પીવાના પાણી માટે સૌરાષ્ટ્રના લોકો વલખા મારતા હતા. વીજળી આવે તેની રાહ જોતા હતા. લોકો પાણીની ટ્રેન માટે રાહ જોતા હતા. આજે સરકારે પહેલાની પરિસ્થિતી બદલી છે. વડીલોને તો આજે બધું સપના જેવું લાગતું હશે. વિકાસ જુએ તો તેમની આંખમાં ચમકારો જોવા મળે છે. ગુજરાતમાં હુલ્લડોની પહેલા ભરમાર રહેતી હતી. ભય અને આતંકના વાતાવરણમાં ગુજરાતને જીવવાની મજબૂરી જોવા મળી હતી. આજે લોકો ગરબા રમ્યા અને રાજદૂતો ગરબા રમવા આવ્યા હતા. આ હિન્દુસ્તાને ડંકો વાગ્યો છે.
તમામ ક્ષેત્રમાં વિકાસ થયો
આજે રાજકોટ શિક્ષણનું હબ બન્યું છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 26 એન્જિનીયરીંગ કોલેજ હતી. આજે 130 એન્જિનીયરીંગ કોલેજ છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 9 એમસીએ કોલેજ હતી. આજે 65 એમસીએ કોલેજ હતી. 20 વર્ષ પહેલા 300 આઇટીઆઇ હતી. આજે 600 પહોંચી ગઇ. 20 વર્ષ પહેલાં 13 ફાર્મસી કોલેજ હતી અને આજે 75 ફાર્મસી કોલેજ છે. 20 વર્ષ પહેલાં 21 યુનિવર્સીટી હતી અને 100 બની ગઇ. 20 વર્ષ પહેલાં 800 કોલેજ હતી આજે 3 હજાર કોલેજો છે. 20 વર્ષ પહેલા 11 મેડીકલ કોલેજ હતી. આજે 36 મેડીકલ કોલેજ અને 8 હજાર બેઠક છે. આ બધી વાતો અને આંકડાની હું પ્રૂફ સાથેની વાતો કલાકો સુધી કરી શકું છું. 20 વર્ષમાં જો આટલી પ્રગતી ના થઇ હોત તો ગુજરાતના યુવાનોનું ભવિષ્ય પ્રશ્ન ચિન્હમાં અટવાયું હોત.
હવે વિમાનના પણ સ્પેરપાર્ટસ અહીં બનશે
આજે આપણે સ્પેરપાર્ટસ બનાવીએ છીએ પણ તૈયારી કરો એ દિવસ દુર નહીં હોય કે વિમાનના સ્પેરપાર્ટસ બનાવાના ઓર્ડર આવશે. ગયા 20 વર્ષમાં ગુજરાતે 20 વર્ષ સુશાસન અને સુરક્ષા પર ધ્યાન આપ્યું. જે લોકો છાશવારે હાકલા પડકારા કરતા હતા તેમને તેમની જગ્યા બતાવી દેવાઇ છે. કરફ્યું મુક્ત થયા છે. નરેન્દ્ર ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર દીર્ઘ દ્રષ્ટ વાળી ઔધ્યગિક નીતિ લાવી છે. કચ્છ સૌરાષ્ટ્રની ધરતી લીલીછમ બનવા માંડી છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે તમારા માટે ઉપવાસ કરીને નર્મદાનું પાણી લાવવાનું કામ કર્યું હતું. પાણી આપણા માટે પારસ છે. પાણી બગાડતા નહીં. ગયા 20 વર્ષમાં તમારા માતા પિતાએ અમને સાથ સહકાર આપ્યો. આ ફળ ખાઇને તમારે ઉભા રહેવાનું નથી. આઝાદીના 75 વર્ષ થયા અને ગુજરાતના યુવાનો માટે આ સ્વર્ણિમ કાળ છે અને તમારે લડવાની જરુર છે. શક્તિના સામર્થ્યને આગળ વધારો.
સભાને જોઇ વિરોધીઓના પાટીયા બેસી ગયા
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજના આ કાર્યક્રમમાં જામકંડોરણામાં જનમેદનીને જોઇ વિરોધીઓના છાતીના પાટીયા બેસી જાય એટલુ સમર્થન મળી રહ્યુ છે. હજુ તો પ્રચારના શ્રી ગણેશ કર્યા નથી આ જનમેદનીની સંખ્યા ભાજપનું સમર્થન બતાવી રહી છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા વિકાસના કાર્યો સાથે રાજયને સુરક્ષીત રાખવાના સફળ પ્રયાસ કર્યા છે. લોકો કહે છે કે મોદી હે તો મુમકીન હે ... સાથે કહે છે કે ભાજપ છે તો ભરોસો પણ છે. આજે કોંગ્રેસે ત્રણ દાયકા પછી જાહેર સ્થળોએ બેનરો લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે. પણ કોંગ્રેસ ભુલી ગઇ છે કે કોંગ્રેસનું કામ નહી કારનામું બોલે છે અને તમારા કારનામાં ગુજરાતની જનતા ભૂલી નથી. આજે કોંગ્રેસ લુપ્ત થતી જાય છે તો બીજી તરફ ભાજપ સતત લોકોને વિશ્વાસ મેળવી રહી છે. કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણા દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો કર્યો, પ્રોત્સાહીત કર્યા અને દેશને એક નહી બે રસી ફ્રીમાં આપી. કોરોના મહામારીમાં કોઇ ભૂખ મરાથી મૃત્યુ ન પામે તે માટે ફ્રીમાં રાશન આપ્યુ.
વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની રાજકીય યાત્રામાં રાજકોટ અને સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા
આ કાર્યક્રમમાં રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજની આ જાહેરસભામાં વિરાટ જનમેદની સંખ્યા દર્શાવે છે કે ભાજપ સરકાર અને તેમના દ્રષ્ટીવંદ નેતા શ્રી નરેન્દ્રભાઇ મોદી પર સૌરાષ્ટ્રની જનતાને અપાર પ્રેમ,સમર્થન અને વિશ્વાસ છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની રાજકીય યાત્રામાં રાજકોટ અને સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહી છે. પહેલા સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતુ પરંતુ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી આ સ્થિતિ બદલી નાખી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં માં નર્મદાના નિર પહોંચાડવામાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અથાગ પરિશ્રમ કર્યો. બે દાયકા પહેલા ગુજરાતમાં અનેક જગ્યાએ રાત્રે જમવા સમયે વિજળી નોહતી મળતી તે સૌરાષ્ટ્રના ગામોને વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યોતિ ગ્રામ યોજનાથી જળહળતા કર્યા. ભાજપ સરકારના અનેક પ્રયાસના કારણે સૌરાષ્ટ્ર આજે ગુજરાતના બાકી વિસ્તારોથી ખભેથી ખભો મિલાવી આગળ વધી રહ્યો છે. રાજકોટમાં આજે 12 થી વધુ એન્જિયરિંગ કોલેજો અને યુનિવર્સિટીને આપી એજ્યુકેશન હબ બનાવ્યું છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલની ભેટ આપી છે. જામનગરમાં દુનિયાનું પ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરની સ્થાપના કરાવી. રાજકોટને વિકાસના અનેક પ્રોજકેટ ડબલ એન્જિનની સરકારમાં મળ્યા છે.
આ કાર્યક્રમમાં રાજયના પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, રાજયનામંત્રીશ્રીઓ, સાંસદસભ્યશ્રોઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Article