Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બારડોલી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
બારડોલી બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે
બારડોલી રાજકીય રીતે સક્રિય
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહાજંગમાં બારડોલી વિધાનસભા બેઠક પર જીત માટે હળપતિ સમાજ પાસે છે જીતની ચાવી. એવું કહેવાય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ જો હળપતિનો મળે સાથ તો જીત થાય પાક્કી. લોખંડી પુરૂષ વલ્લભભાઇ પટેલને સરદાર બનાવનાર બારડોલી રાજકીય રીતે ભારે સક્રિય છે. બારડોલી વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં નવું સીમાંકન ભાજપને ફળ્યું છે. એ પહેલા અહીં કોંગ્રેસનો દબદબો હતો. જોકે નવા સીમાંકન બાદ અહીં કમળ ખીલ્યું છે. ભાજપ પોતાનો દબદબો યથાવત રાખવા તો સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીત મેળવવા માટે મેદાનમાં છે. 
બારડોલી વિધાનસભા બેઠક 
સુરત જિલ્લાના રાજકારણમાં સરદારની કર્મભૂમિ બારડોલીનું સારું એવું પ્રભુત્વ રહેલું છે. સુરત જિલ્લાના રાજકારણને લગતી રણનીતિ જાણે બારડોલીથી જ ઘડાતી હોવાનું કહેવાય છે. રાજકીય પક્ષોએ પણ જિલ્લાના વડા મથક તરીકે બારડોલીને સ્વીકારેલું છે. વલ્લભભાઈ પટેલને સરદાર બનાવનાર બારડોલીની આજે રાજ્યના સમૃદ્ધ પ્રદેશોમાં ગણતરી થાય છે. બારડોલીમાં સહકારી પ્રવૃત્તિઓનો સૌથી વધુ વિકાસ કરવામાં આવે છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસે સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે.
બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત 
બારડોલી વિધાનસભા બેઠક  169માં ક્રમાંકે છે. આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. બારડોલી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થયા બાદ બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સતત બે ટર્મથી ભાજપના ઈશ્વરભાઈ પરમાર આ બેઠક પર જીતતા આવ્યા છે.

બારડોલી, પલસાણા અને ચોર્યાસીના ગામોનો સમાવેશ
વર્ષ 2008માં નવા સીમાંકન બાદ બારડોલી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. બારડોલી વિધાનસભામાં બારડોલી નગરપાલિકા ઉપરાંત બારડોલી તાલુકાના 58 ગામો, પલસાણા તાલુકાના તમામ ગામો અને ચોર્યાસી તાલુકાના 19 ગામોનો સમાવેશ થાય છે.

બારડોલી વિધાનસભા બેઠક પર હાર-જીતના પરિણામ
નવા સીમાંકન બાદ યોજાયેલ વર્ષ 2012માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપના ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસના નીતિનભાઈ રાણાને 22,272 મતોથી હરાવીને જીત મેળવી હતી. ભાજપના ઈશ્વરભાઈ પરમારને 81,049 મત, જ્યારે કોંગ્રેસના નિતિનભાઈ રાણાને 58,777 મતો મળ્યા હતા.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રિપિટની થિયરી અપનાવીને ઈશ્વરભાઈ પરમારને જ ફરી ટીકીટ આપી હતી. કોંગ્રેસે ઉમેદવાર બદલીને ઈશ્વરભાઈ પરમારની સામે યુવા અગ્રણી તરુણ વાઘેલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ ઉમેદવાર ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસ ઉમેદવાર તરુણ વાઘેલાને 34,854 મતોથી હરાવ્યા હતા. ઈશ્વરભાઈ પરમારને 97,774 મત જ્યારે કોંગ્રેસના તરુણ વાઘેલાને 59,920 મતો મળ્યા હતા.
વિજેતા ઉમેદવારો
વર્ષ       વિજેતા ઉમેદવાર      પક્ષ
2017    ઈશ્વરભાઈ પરમાર   ભાજપ
2012   ઈશ્વરભાઈ પરમાર    ભાજપ
2007  કુંવરજીભાઈ હળપતિ  કોંગ્રેસ
2002  અનિલ કુમાર પટેલ    કોંગ્રેસ
1998   રજનીકાંત રજવાજી  ભાજપ
1995  પ્રવિણભાઈ રાઠોડ   કોંગ્રેસ
1990   પ્રવિણભાઈ રાઠોડ   JD
1985   જીતુભાઈ હળપતિ  કોંગ્રેસ
1980   જીતુભાઈ હળપતિ  કોંગ્રેસ
1975   છોટુભાઈ રાઠોડ    NCO
1972   ભૂલાભાઈ પટેલ    કોંગ્રેસ
1967   ભૂલાભાઈ પટેલ    કોંગ્રેસ
1962    ભૂલાભાઈ પટેલ   કોંગ્રેસ

 મતદારોનું સમીકરણ
બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,63,925 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,36,978 પુરુષ મતદારો છે અને 1,26,943 મહિલા મતદારો છે તથા 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારોની સૌથી વધુ સંખ્યા છે, જે લગભગ 60 હજાર જેટલી છે. હળપતિ મતદારોની આ સંખ્યા કુલ મતદારોના અંદાજિત 25 ટકા જેટલી છે. ઉપરાંત પાટીદાર અને અનુસુચિત જાતિના મતદારો પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પર અસર કરી શકે છે. બારડોલી વિધાનસભામાં હળપતિ સમાજ જે પક્ષની તરફેણમાં રહેશે તેની જીત થશે. કોંગ્રેસના પરંપરાગત મતદાર તરીકે ગણના પામતા હળપતિ સમાજનો છેલ્લી બે ટર્મથી ભાજપ તરફનો ઝુકાવ વધ્યો છે

બારડોલી વિધાનસભા બેઠકના પ્રશ્નો
બારડોલી વિધાનસભા મત વિસ્તારના અમુક ગામોને બાદ કરતાં અહીં લગભગ મોટા ભાગના ગામોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારને કારણે પ્રદૂષણ વધવાનો સૌથી મોટો પ્રશ્ન છે. આ ઔદ્યોગિક વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા પણ એક મોટો પ્રશ્ન છે.
બારડોલીમાં આવેલી એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની ખાંડ મિલને કારણે આ વિસ્તારમાં શેરડીની મોટા પ્રમાણમાં ખેતી થાય છે અને તેના થકી ખેડૂતોની સમૃદ્ધિ પણ વધી છે. પરંતુ બારડોલીના ખેડૂતો પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરકારની આવક ડબલ કરવાની વાત કરી રહી છે, પરંતુ શેરડીના ભાવો બાબતે આ વાત પોકળ સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.
બારડોલી વિધાનસભા બેઠકની વિશેષતા
પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનનું સૌથી પહેલું સ્ટેશન બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા અંત્રોલી ખાતે નિર્માણ પામશે. આ વિસ્તારના લગભગ દરેક ગામમાંથી મોટી સંખ્યામાં લોકો USA, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા છે. તેઓ પણ પોતાના વતનનું ઋણ ચૂકવી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.