Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉ.ગુજરાતમાં 14 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં જીત હાંસલ કરવા રાજકીય પક્ષો (Political Parties) વચ્ચે જોરદાર હરીફાઇ થઇ રહી છે. રાજકીય પક્ષના નેતાઓ લોકોને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે ઉત્તર ગુજરાત (North Gujarat) આ વખતે કોને ફળશે તેની પર પણ સૌની મીટ મંડાઇ છે. ઉત્તર ગુજરાતની બેઠકો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ ભારે પ્રયાસ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ પગપેસારો કરવાના પ્રયાસ કરી રહી છે. ઉત્તર ગુજરાતની બેઠકોનà«
ઉ ગુજરાતમાં 14 બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં જીત હાંસલ કરવા રાજકીય પક્ષો (Political Parties) વચ્ચે જોરદાર હરીફાઇ થઇ રહી છે. રાજકીય પક્ષના નેતાઓ લોકોને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે ઉત્તર ગુજરાત (North Gujarat) આ વખતે કોને ફળશે તેની પર પણ સૌની મીટ મંડાઇ છે. ઉત્તર ગુજરાતની બેઠકો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ ભારે પ્રયાસ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ પગપેસારો કરવાના પ્રયાસ કરી રહી છે. ઉત્તર ગુજરાતની બેઠકોનું જો વિશ્લેષણ કરવામાં આવે તો 14 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પર ખરાખરીને જંગ ખેલાઇ રહ્યો હોવાનું જોવા મળે છે. 

14 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ
ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની  સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ છે અને આજે તેમની સભા 1લી ડિસેમ્બરે હિંમતનગરમાં થઇ છે.  હજુ પણ બાકીના જિલ્લા મથકો પર સભા થશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ પણ પ્રચારમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારને પ્રધાન્યતા આપી રહી છે. 2017માં પાટીદાર અનામત આંદોલન અને ક્ષત્રિય- ઠાકોર સેનાના કારણે ભાજપને ઉત્તર ગુજરાતમાં ઘણી બધી બેઠકો ગુમાવવી પડી હતી. 2022માં આવો કોઈ મુદ્દો નથી એટલે 14 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ છે. 

ઉત્તર ગુજરાતમાં આ વખતે શું ચિત્ર છે
ઉત્તર ગુજરાતના સમીકરણોની જો વાત કરીએ તો સૌથી વધુ રસાકસી બનાસકાંઠાની 6 બેઠકો પર છે. અત્યારે આ તમામ બેઠકો કોંગ્રેસ પાસે છે. સાબરકાંઠામાં બે બેઠકો પર ભાજપની લીડ વધી શકે છે. હિંમતનગર બેઠક અત્યારે ભાજપને ગુમાવી પડે એવી સ્થિતિ દેખાઈ રહી છે. કોંગ્રેસના ગઢ ખેડબ્રહ્મામાં ભાજપ આ વખતે ગાબડું પાડી દે એવી સ્થિતિ છે. ભાજપના ગઢ મહેસાણા જિલ્લામાં 7માંથી 4 બેઠકો પર ભાજપની લીડ વધશે. વિસનગર બેઠક પણ પાતળી સરસાઇથી ભાજપ જીતી શકે છે. ખેરાલુ બેઠક ભાજપને ગુમાવી પડે એવી સ્થિતિ છે. વિજાપુર બેઠક ભાજપ -કોંગ્રેસ વચ્ચે રસાકસી છે. 
અરવલ્લી જીલ્લાની ત્રણેય બેઠક પર રસાકસી છે. બાયડ બેઠક ભાજપ આ વખતે કોંગ્રેસ પાસેથી આંચકી શકે છે. પાટણ જિલ્લાની 4 બેઠકોમાંથી ચાણસ્મા જ ભાજપની જીત પાકી દેખાય છે. પાટણ બેઠક કોંગ્રેસના કબ્જામાં જ રહેશે. સિદ્ધપુર અને રાધનપુર બેઠક પર આ વખતે સૌથી વધારે રસાકસી દેખાઈ રહી છે. અત્યારે ઉ.ગુ.માં 27માંથી 12 બેઠક ભાજપ પાસે અને કોંગ્રેસ પાસે 15 છે. આ વખતે ભાજપની ત્રણ બેઠકો વધી શકે છે. 

બનાસકાંઠામાં સૌથી વધુ રસાકસી 
2017માં ક્ષત્રિય-ઠાકોર સેનાના પ્રભાવના કારણે કોંગેસે 9માંથી 7 બેઠકો જીતી હતી. ભાજપને ડીસા અને કાંકરેજ બેઠક જ મળી હતી. ધાનેરા બેઠક પર અપક્ષ લડી રહી રહેલા માવજી દેસાઈના કારણે અહીં ભાજપ અત્યારે ત્રીજા નંબરે ચાલી રહ્યો છે. વાવમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજના હોવાથી વોટ વહેંચાઈ જવાથી રસાકસી રહેશે. પાલનપુરમાં ભાજપનો ઉમેદવાર નવો અને કોંગ્રેસના રિપીટ ઉમેદવાર હોવાથી રસાકસી છે. કાંકરેજ બેઠક પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના ભાઈને ટિકિટ અપાતાં નારાજગીને લઇ ભાજપ આ બેઠક વધુ લીડથી જીતી શકે છે. દિયોદર બેઠક પર 972 વોટથી હારેલા ભાજપના કેશાજી ચૌહાણની સ્થિતિ મજબૂત છે. દાંતા બેઠક કોંગ્રેસ આ વખતે પણ જાળવી રાખશે. વડગામ બેઠક પર જિજ્ઞેશ મેવાણીના વિરોધના કારણે દલિત સમાજના વોટ વહેંચાય તો પાતળી સરસાઇથી ભાજપ કે કોંગ્રેસ કોઈપણ જીતી શકે છે. ડીસામાં ધાનેરાની જેમ જ અપક્ષ લેબજી ઠાકોરના કારણે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેશે. થરાદ બેઠક પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી માટે બેઠક નવી હોવાથી ચૌધરી પટેલ અને મારવાડી સમાજના વોટ નિર્ણાયક છે. કોંગ્રેસ અત્યારે થોડી પાછળ દેખાઈ રહી છે, પણ ભાજપ માટે જીત સહેલી નથી. 

મહેસાણામાં ભાજપનો ગઢ સચવાઇ રહેશે 
મહેસાણા, ઊંઝા, કડી, બેચરાજી બેઠક પર આ વખતે ભાજપ સહેલાઈથી જીત મેળવી લેશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જીતનું અંતર પણ વધશે. વિસનગર બેઠક પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ફરી એક વખત પાતળી સરસાઇથી પણ જીતી શકે છે. ખેરાલુ બેઠક પર ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈની અપક્ષ ઉમેદવારી અને ભાજપે છેલ્લે સરદાર ચૌધરીને ટિકિટ આપતાં ભાજપ માટે અહીં કપરાં ચઢાણ છે. વિજાપુર બેઠક પર વિરોધ છતાં રમણભાઈ પટેલને ટિકિટ મળતાં થોડી નારાજગી હજી છે, પણ કોંગ્રેસના સી.જે. ચાવડા ગાંધીનગર રહેતા હોવાથી રમણભાઈને સ્થાનિક હોવાનો ફાયદો મળી શકે અને પાતળી સરસાઇથી જીતી શકે છે. 

પાટણમાં બે બેઠકો પર ભારે રસાકસી 
પાટણ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલને સ્થાનિક હોવાનો ફરી એક વખત ફાયદો મળશે. વિરોધ છતાં ડીસાના રાજુલબેન દેસાઈને ટિકિટ અપાતાં ભાજપ આ બેઠક ફરી ગુમાવશે. ચાણસ્મા-હારિજ બેઠક પર દિલીપ ઠાકોર ફરી જીત મેળવી શકે છે. રાધનપુર બેઠક અલ્પેશ ઠાકોરના વિરોધ પછી લવિંગજી ઠાકોરને ટિકિટ આપી ભાજપે ફાઇટની સ્થિતિ કરી દીધી છે. કોંગ્રેસના રઘુ દેસાઈને છેલ્લા બે વર્ષમાં કરેલા સામાજિક કામોનો લાભ મળી શકે છે. 
સાબરકાંઠામાં હિંમતનગર બેઠક ભાજપ ગુમાવી શકે છે 
ઈડર અને પ્રાંતિજ બેઠકમાં ભાજપ સામે કોઈ પડકાર નથી. ભાજપની જીતનું અંતર આ બેઠકો પર વધશે. ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલની પકડ સારી હોવાથી લાંબા સમય પછી ભાજપ આ બેઠક પર ખાતુ ખોલાવી શકે છે. હિંમતનગર બેઠક પર તલોદના વી.ડી. ઝાલાને ટિકિટ અપાતાં અન્ય સમાજોના વિરોધના કારણે અત્યારે કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. 
અરવલ્લીની ભિલોડા બેઠક પર ભાજપ ખાતુ ખોલી શકે છે 
બાયડ બેઠક પર અપક્ષ ધવલસિંહ ઝાલા અને આપના ચુનીભાઈ પટેલના કારણે ભાજપ -કોંગ્રેસ બંનેનાં ગણિત બગડી ગયા છે. શંકરસિંહ વાઘેલાના પુત્રને ટિકિટ આપવાનો સ્થાનિક કોંગ્રેસમાં વિરોધ છે, તો વર્ષો પછી ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપતાં ત્યાં પણ નારાજગી છે. મોડાસામાં કોંગ્રેસ પાતળી સરસાઇથી જીતી હતી. ભાજપે ફરી હારેલા ઉમેદવારને તક આપી છે, એટલે આ બેઠક પર પણ રસાકસી રહેશે. ભિલોડા બેઠક પર ભારે રસાકસી છતાં ભાજપ ખાતુ ખોલી શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.