સમગ્ર રાજ્યમાં આજથી યાત્રાધામ સફાઈ અભિયાન શરૂ, જાણો જુનાગઢમાં કેવી છે તૈયારીઓ
સમગ્ર રાજ્યમાં આજથી યાત્રાધામ સફાઈ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. તે અંતર્ગત મનપાના પદાધિકારીઓ દ્વારા ગઈ કાલે શુક્રવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શહેરમાં ચાલતી સફાઈ કામગીરી સાથે આજે પ્રભારીમંત્રીના હસ્તે યાત્રાધામ સફાઈ ઝુંબેશની શરૂઆત અંગેની જાણકારી આપવામાં આવી હતી.
આજે અખાત્રીજના પવિત્ર દિવસથી સમગ્ર રાજ્યમાં યાત્રાધામ સફાઈ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે જેમાં મુખ્યમંત્રી સહિત સરકારના મંત્રીઓ જીલ્લાના યાત્રાધામ ખાતેથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવશે, આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢના પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ ભવનાથ તળેટી ખાતે યાત્રાધામ સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવશે.
શહેરમાં આ અભિયાન અંતર્ગત નિયમિત થતી સફાઈ સાથે રસ્તા, ફુટપાથ, પેવર બ્લોક, આરસીસી ફ્લોરીંગ બગીચાઓ, ખુલ્લા વિસ્તારોમાં સફાઈ કરવામાં આવશે, જરૂર જણાય ત્યાં પાણીથી તે જગ્યાને ધોવામાં પણ આવશે, આમ સફાઈ કામગીરી સઘન કરવામાં આવશે, આ કામગીરી માટે મનપા દ્વારા જરૂરી સ્ટાફ અને સુપરવાઈઝરની નિમણૂંક કરવામાં આવી છે, સફાઈ માટે જરૂરી મશીનરી અને ડસ્ટબીનની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને વ્યાવસાયિક વિસ્તારોમાં દુકાનદારો પાસે ડસ્ટબીન છે કે કેમ તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે. શહેરમાં એકત્રિત થયેલા કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઈટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આમ મનપા દ્વારા સફાઈ ઝુંબેશ માટેની પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આજે પ્રભારીમંત્રીના હસ્તે સફાઈ ઝુંબેશ શરૂ થશે. પરંતુ મહત્વનું એ રહેશે કે આ બધું એક દિવસ પૂરતું જ રહેશે કે કાયમી રહેશે. કારણ કે તાજેતરમાં ગીરનાર પર્વત પર સફાઈનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોચ્યો હતો અને હવે યાત્રાધામ સફાઈ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે મનપા માટે આ ઝુંબેશ અગ્નિ પરીક્ષા સમાન છે. શહેરમાં સ્વચ્છતા રહે તે માટે મનપાના પદાધિકારીઓ લોકોને સ્વચ્છતા અંગે અપીલ કરી રહ્યા છે પરંતુ મનપા દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.
આ પણ વાંચો - આમ આદમી પાર્ટીમાં ALL IS NOT WELL, સુરતમાં વધુ એક કોર્પોરેટર ભાજપમાં જોડાશે