અમુલની વિવિધ પ્રોડક્ટ હવે જુનાગઢ સહિત આ જિલ્લાઓમાં પણ થશે ઉપલબ્ધ
હવે જૂનાગઢ સહીત ચાર જીલ્લામાં અમુલની પ્રોડક્ટ ઉપલબ્ધ થશે. જૂનાગઢની સાવજ ડેરી ખાતે અમુલના દૂધ દહી અને છાશનું પેકેજીંગ યુનિટ કાર્યરત તો છે જ પરંતુ ટૂંક સમયમાં અમુલની લસ્સી, પનીર, ચીઝ તથા પીઝા માટેનું મોઝરેલા ચીઝ પણ જૂનાગઢમાં તૈયાર થશે, સાવજ ડેરી સંઘ દ્વારા અમુલ આઈસ્ક્રીમ માટેની પણ દરખાસ્ત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જૂનાગઢ, ગીરસોમનાથ, દીવ અને મોરબી જીલ્લાની જનતાને અમુલના ઉત્પાદનો જૂનાગઢ થી જ ઉપલબ્ધ થશે.
જૂનાગઢ સોમનાથ રોડ પર વંથલી નજીકના ખોખરડા ફાટક પાસે આવેલી છે સાવજ ડેરી. સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની સ્થાપના વર્ષ 2009 માં કરવામાં આવી હતી. આ સંઘ સાથે અંદાજે 450 જેટલી દૂધ મંડળીઓ જોડાયેલી છે. સ્વભંડોળથી ઉભી થયેલી સાવજ ડેરીમાં દરરોજ અંદાજે બે લાખ લીટર દૂધની આવક થાય છે. સાવજ ડેરી અમુલ ફેડરેશન સાથે જોડાયેલી છે અને તેથી અમુલ ફેડરેશનના ધારાધોરણ મુજબ અહીં આધુનિક ડેરી ટેકનોલોજી જોવા મળે છે.
મંડળીઓમાંથી જ્યારે ડેરીમાં દૂધ આવે છે ત્યારથી જ સંપૂર્ણ ઓટોમેટીક પ્લાન્ટમાં જ દૂધ નાખવામાં આવે છે. ટેન્કર મારફત પ્લાન્ટની બહારના યુનિટમાં પાઈપલાઈન જોડીને દૂઘ પ્રોસેસિંગ યુનિટમાં આવે છે. જ્યાં ઓટોમેટીક પ્લાન્ટમાં દૂધ ગળાય છે અને તેનું પૃથ્થકરણ થાય છે અને પછી તેને પેકેજીંગ યુનિટ તરફ મોકલવામાં આવે છે. સાવજ ડેરીમાં અતિ આધુનિક લેબોરેટરી આવેલી છે.
દૂધ જ્યારે પ્રોસેસિંગ યુનિટમાં આવે ત્યાં તેના સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસણી અમુલના ધારા ધોરણ મુજબની ગુણવત્તા અને ફેટ ધરાવતું દૂધ હોય તો જ તેને આગળ મોકલવામાં આવે છે અન્યથા તેને રીજેક્ટ કરી નાખવામાં આવે છે. જે ચકાસણી માત્ર અમુલ પાસે જ ઉપલબ્ધ છે તેવા કરોડો રૂપીયાના લેબોરેટરીના મશીનો અહીં ઉપલબ્ધ છે જેમાં દૂધમાં કોઈ ભેળસેળ છે કે કેમ તેની પણ ચકાસણી થઈ શકે છે. લેબોરેટરીની પ્રક્રિયા અમુલ ફેડરેશન દ્વારા નક્કી થયેલા ધારા ધોરણ મુજબ કરવામાં આવે છે અને તે ચકાસણી પુરી થયા બાદ જ દૂધને પેકેજીંગ યુનિટ તરફ આગળ મોકલવામાં આવે છે.
પ્રોસેસિંગ યુનિકમાંથી દૂધ બહાર આવીને પેકેજીંગ યુનિટ તરફ આવે છે જ્યાં પણ આધુનિક મશીનો દ્વારા અલગ અલગ માપના પેકીંગ અનુસાર દૂધનું પેકેજીંગ થાય છે. દૂધ જ્યારથી ડેરીમાં આવે ત્યારથી પેકેજીંગ થાય ત્યાં સુધી દૂધ સંપૂર્ણપણે મશીનોમાંથી જ પસાર થાય છે ક્યાંક પણ નરીઆંખે દૂધને જોઈ શકાતું નથી. આમ ડેરીમાં દૂધ આવ્યા બાદ બહારથી તેમાં કોઈપણ પ્રકારની ચીજવસ્તુ કે ભેળસેળ કે પછી અન્ય કોઈ ચીજવસ્તુ બહારથી દૂધમાં પડવાની કોઈ સંભાવના રહેતી વળી તેમાં બેકટેરીયા પણ પ્રવેશી શકતાં નથી તે પ્રકારની ડેરી ટેકનોલોજી મુજબ દૂધનું પેકેજીંગ થાય છે.
પેકેજીંગ યુનિટમાં દૂધનું અલગ અલગ સાઈઝમાં પેકીંગ થયા બાદ માણસો દ્વારા તેને કેરેટમાં ગોઠવવામાં આવે છે અને તેને એક રોડ મારફત કોલ્ડ સ્ટોરેજ તરફ મોકલવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ પણે ઠંડક સાથેનું યુનિટ હોય છે જેમાં સાત ડીગ્રીથી નીચું તાપમાન હોય છે જ્યાં અલગ અલગ ડેરી ઉત્પાદનો અલગ અલગ રીતે ગોઠવવામાં આવે છે અને ગ્રાહકોની માંગ અનુસાર તેને કોલ્ડ સ્ટોરેજ વાનમાં ગોઠવવામાં આવે છે અને કોલ્ડ સ્ટોરેજ વાન મારફત જે તે વેપારી સુધી ઉત્પાદનો પહોંચે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ માણસનો હાથ સીધો દૂધને અડકે નહીં તે પ્રકારની મશીનરી દ્વારા કામ થતું હોય છે.
450 જેટલી દૂધ મંડળી ધરાવતી સાવજ ડેરી અમુલ ફેડરેશન સાથે જોડાયેલી છે અને દરરોજ બે લાખ લીટર જેવી આવકને લઈને અમુલનું પેકેજીંગ યુનિટ અહીં કાર્યરત થયું છે અમુલનું દૂધ, દહીં અને છાશ અને અમુલ ઘીના પેકીંગ સાવજ ડેરીમાં જ તૈયાર થાય છે અને જૂનાગઢ શહેર, જૂનાગઢ જીલ્લો ઉપરાંત ગીરસોમનાથ, દિવ અને મોરબી જીલ્લામાં અમુલના દૂધ, દહીં, છાશ અને ઘી જૂનાગઢ થી સપ્લાય થાય છે. આ ઉપરાંત તાજેતરમાં અમુલની લસ્સીના પેકેજીંગની મંજૂરી પણ સાવજ ડેરીને મળી ગઈ છે તેથી આવનાર દિવસોમાં અમુલની લસ્સી પણ જૂનાગઢથી જ પેકીંગ થશે. સાવજ ડેરી દ્વારા અમુલ ફેડરેશનમાં પનીર અને મોઝરેલા ચીઝ માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી જે પણ મંજૂર થઈ ગઈ છે અને ટુંક સમયમાં તેના પેકીંગ પણ થવાની શરૂઆત થશે સાથોસાથ સાવજ ડેરી દ્વારા અમુલના આઈસ્ક્રીમ પ્લાન્ટ માટે પણ દરખાસ્ત કરવામાં આવી જેની પ્રક્રિયા હજુ ચાલુ છે પરંતુ સંઘના ચેરમેનને વિશ્વાસ છે કે તેની પણ મંજૂરી મળી જશે અને આવનારા સમયમાં જૂનાગઢમાં જ અમુલના ઉત્પાદનો તૈયાર થવા લાગશે અને જૂનાગઢ સહીત ચાર જીલ્લાની જનતાને અમુલના ઉત્પાદનો તાજાં અને જૂનાગઢ થી જ મળી રહેશે.
અહેવાલ : સાગર ઠાકર
આ પણ વાંચો : ઘોઘંબામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ