ચૂંટણી પહેલા 'ઠગ્સ ઓફ પોલિટિક્સ' કાંડથી કોંગ્રેસમાં હડકંપ, પાર્ટીના બે નેતાઓને ઠગવાનો પ્રયાસ
વિધાનસભા ચૂંટણી ટાણે 'ઠગ્સ ઓફ પોલિટિક્સ' થયા સક્રિય પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં બે નેતાઓને ઠગવાનો થયો પ્રયાસ વડોદરાના વધુ એક નેતા પાસે ટિકિટનાં નામે નાણાં પડાવવાનો પ્રયાસ સત્યજીત ગાયકવાડ બાદ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ફેક કોલ કરી નાણાં માંગ્યા કોંગ્રેસના વોર્ડ નં.16 કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે ચંદ્રકાન્ત ભથ્થુ રાહુલ ગાંધીનાં પીએ કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ
- વિધાનસભા ચૂંટણી ટાણે 'ઠગ્સ ઓફ પોલિટિક્સ' થયા સક્રિય
- પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં બે નેતાઓને ઠગવાનો થયો પ્રયાસ
- વડોદરાના વધુ એક નેતા પાસે ટિકિટનાં નામે નાણાં પડાવવાનો પ્રયાસ
- સત્યજીત ગાયકવાડ બાદ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ફેક કોલ કરી નાણાં માંગ્યા
- કોંગ્રેસના વોર્ડ નં.16 કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે ચંદ્રકાન્ત ભથ્થુ
- રાહુલ ગાંધીનાં પીએ કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી
- ચુંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂ.ની કરી માંગણી
- વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઇનો પ્રયાસ
- વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ છે દાવેદાર
- કોંગ્રેસના બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
- વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 'ઠગ્સ ઓફ પોલિટિક્સ'ની શરૂ કરી તપાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની તારીખો જાહેર થઇ ગઇ છે. રાજ્યમાં બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે રાજકારણીઓએ અત્યારથી જ પોત પોતાનાં ગોડફાધર્સ પાસે લોબિંગ શરૂ કરી દીધું છે. ઘણા પક્ષોમાં પૈસા આપીને પણ ટિકિટ મેળવાતી હોવાની ચર્ચા વચ્ચે બનાવટી વચેટિયાઓ પણ સક્રિય થયાં છે. જોકે, આવાં બોગસ વચેટિયાઓ દાવેદારોને ટિકિટ અપાવવાની લાલચે તેમની પાસેથી લાખો રૂ. પડાવવાનાં પ્રયાસમાં લાગ્યાં હોવાનો ખુલાસો થયો છે. જેની સાક્ષી પુરતો એક કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે.
જ્યાં કોંગ્રેસ પક્ષનાં પ્રદેશ સ્તરનાં બે સિનિયર નેતાઓને ડાયરેક્ટ રાહુલ ગાંધી પાસેથી ટિકિટ અપાવવાનું કહી ભેજાબાજે તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ચૂંટણીની મૌસમમાં રાજકારણીઓની ટિકિટ મેળવવાની લાલચનો લાભ ઉઠાવી નાણાં પડાવવા સક્રિય થયેલાં આ 'ઠગ્સ ઓફ પોલિટિક્સ' વડોદરા સાયબર પોલીસની રડારમાં આવી ગયાં છે. વિધાનસભાની ટિકિટના બહાને લાખોની ઠગાઇનો આ પ્રયાસ વડોદરાના સિનિયર કોંગ્રેસ નેતા અને પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ, શહેરનાં વોર્ડ નં.16 ના કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસનાં પૂર્વ સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સત્યજીત ગાયકવાડ સાથે થયો છે.
બંનેનાં મોબાઇલ ફોન પર પહેલાં અજાણ્યાં નંબરથી 'Good Evening, This side Kanishka Sinh, PA to Rahul Gandhi, Please Call me' નો મેસેજ આવે છે અને ત્યારબાદ બંને જ્યારે એ નંબર પર કોલ કરે છે, ત્યારે નાણાંની માંગણી કરવામાં આવે છે. કોંગ્રેસના આ બંને નેતાઓ આ વખતની વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે અને ટિકિટ મેળવવા માટે બંને નેતાઓ પ્રયત્નશીલ પણ છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને આ ઠગે એમ કહીને નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો કે, "હું રાહુલ ગાંધીનાં PM કનિષ્ક સિંહ બોલું છું. 2017મા તમારું પ્રદર્શન સારું રહ્યું હતું, તો શું આ વખતે પણ તમને રાવપુરા બેઠક પર ટિકિટ જોઇએ છે? ટિકિટ જોઇતી હોય તો તમારો બાયોડેટા પ્રિયંકા ગાંધીના Mail આઈડી pgv@inc.com પર મોકલી આપો અને નાણાં એકાઉન્ટમાં જમા કરાવી દો."
આટલું જ નહીં પણ આ ભેજાબાજે તેમને 'સ્ટેટ બેંક ઓફ મોરેશિયસ' અને એક્સિસ બેંકના બે અલગ-અલગ એકાઉન્ટ નંબર શેયર કર્યા હતાં. આ જ રીતે સત્યજીત ગાયકવાડ સાથે પણ આ જ ઢબથી ટિકિટનાં નામે રૂપિયા પડાવવાનો ઠગ દ્વારા પ્રયાસ થયો હતો. સત્યજીત ગાયકવાડને કોલ કરી આ ગઠીયાએ વાઘોડિયા વિધાનસભા બેઠકની ટિકિટ અપાવવાના બહાને જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીની ટીમના મુખ્ય નિરીક્ષકો વડોદરા આવી રહ્યાં છે જેથી તેમનાં રોકાણની વ્યવસ્થા કરી થોડી રકમ ચુકવવી પડશે" પરંતુ સત્યજીત ગાયકવાડ રાહુલ ગાંધીનાં PA ને ઓળખતાં હોય, તેમને સીધો દિલ્હીમાં કનિષ્ક સિંહને ફોન કરી પૂછતાં તેમનાં નામે આ રીતે કોઇ નાણાં પડાવતું હોવાનો ખુલાસો થયો હતો. તેમણે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાં જણાવ્યું હતું. આ જ રીતે કોંગ્રેસનાં જંબુસરનાં ધારાસભ્ય સાથે પણ આ જ પ્રકારની ઠગાઇ થઇ હોવાનું સુત્રો પાસેથી જાણવાં મળે છે.
ચૂંટણીને હવે એક મહિના કરતાં ઓછો સમય બચ્યો છે. કોંગ્રેસ પાર્ટી તેમનાં અંતિમ 182 મુરતિયા નક્કી કરવાની કવાયતમાં લાગી છે. તેવામાં કોંગ્રેસ નેતાઓની ટિકિટ મેળવવાની આ ઇચ્છાનો ગેરલાભ ઉઠાવી નાણાં પડાવવા સક્રિય થયેલાં આવાં સાયબર ગઠીયાઓએ દાવેદારોને મૂંઝવણની સાથે મુશ્કેલીમાં મુકી દીધા છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસના જ નેતાઓને નિશાન બનાવવાના પ્રયાસ કરતાં 'ઠગ્સ ઓફ પોલિટિક્સ' ની આ હરકતોએ કોંગ્રેસમાં હડકંપ મચાવી દીધો છે. જોકે, આ ઠગ હવે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસની રડારમાં આવી ગયાં છે. બંને કોંગ્રેસ નેતાઓની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો - મોરબી પુલ દુર્ઘટનામાં ગુમ થયેલી એકપણ વ્યક્તિ બચી ન શકી, રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરાઇ બંધ
Advertisement