VADODARA : કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી વરસાદી કાંસના પૈસા "પાણીમાં"
VADODARA : વડોદરા (VADODARA) ના લાલબાગ પાસે બનાવવામાં આવેલી વરસાદી કાંસના મુદ્દે આજે કોંગ્રેસના કોર્પોરેટર (CONGRESS CORPORATOR) બાળુ સુર્વે દ્વારા વિજીલન્સ તપાસની માંગ કરતો પત્ર લખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કાંસ બનાવ્યા બાદ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ભૂતકાળ બનશે તેવો વિશ્વાસ પાલિકા કમિશનર દ્વારા અપાવવામાં આવ્યો હતો. પરંતુ તેનાથી તદ્દન વિપરીત સ્થિતી સર્જાતા હવે તેઓ મેદાને આવ્યા છે. અને આ મામાલે ઇજારદારને બ્લેક લિસ્ટ કરવા સુધીની માંગ કરવામાં આવી છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
વિસ્તારમાં કોઇના ઘરમાં પાણી નહી ભરાય
સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, અમારા વિસ્તારોમાં દર વખતે લોકોના ઘરમાં પાણી ભરાઇ જતું હતું. જેને લઇને અમે રજુઆત કરતા હતા. ત્યાર બાદ લાલબાગથી લઇને વિશ્વામિત્રી નદી સુધી પાણીનો નિકાલ થાય તે માટે રૂ.2.80 કરોડના ખર્ચે કાંસ મંજુર કરવામાં આવી હતી. જ્યારે કામગીરી થતી હતી, ત્યારે અમે સામાન્ય સભામાં કમિશનરને રજુઆત કરી કે, કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવતી. ત્યારે કમિશનરે જવાબ આપ્યો કે, કામગીરીની અમે તપાસ કરી લીધી છે. અમારા અધિકારી પ્રોજેક્ટ વર્ક, ડ્રેનેજનાએ ખાતરી આપી છે. કામગીરી ચોખ્ખી થઇ રહી છે. આ કામગીરીથી તમારા વિસ્તારમાં કોઇના ઘરમાં પાણી નહી ભરાય. અને લોકોની સમસ્યાનું કાયમી નિકાલ થશે. તેવો અમને સભામાં જવાબ આપવામાં આવ્યો હતો. તે જવાબ સાંભળીને અમે કમિશનર સાહેબના ભરોસે રહ્યા, અને પાણી નહી ભરાય તેવું માની બેઠા.
તેણે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો
વધુમાં તેમણે જણાવ્યું કે, પરંતુ તમે જોઇ શકો છો, પરિસ્થિતી એવી થઇ કે થોડા જ વરસાદમાં વર્ષોથી પાણી ભરાતું હતું, તેનાથી વધારે પાણી ભરાઇ ગયું. પહેલા પાણી એક દિવસમાં ઉતરી જતું હતું. આ વખતે પાણી ઉતરતા ત્રણ દિવસ થયા હતા. જેને લઇને લોકોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. આવા ઇજારદાર પર વિજીલન્સની તપાસ થવી જોઇએ. આટલો ખર્ચો થયો પછી આ સ્થિતી સર્જાય તો, તેની તપાસ થવી જોઇએ. અમદાવાદના કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. તેણે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોઇ પણ સુપરવિઝન ન હોવાના કારણે પાણી વધારે ભરાયું અને વધારે નુકશાન થયું છે. કામગીરી ચાલતી હતી ત્યારે ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટના મુખ્ય અધિકારીને અમે રજુઆત કરતા હતા. સામાન્ય સભામાં પણ રજુઆત કરતા હતા. ઓછા વરસાદમાં લોકોને કેટલું નુકશાન થયું, અમારી માંગ છે કે ઇજારદારને બ્લેક લિસ્ટ કરો સાથે જ તેની સામે વિજીલન્સની તપાસ કરવામાં આવે.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લા અને તાલુકા કક્ષાના "સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમની તારીખો જાહેર