VADODARA : L&T સર્કલ પાસે વધુ એક ભૂવો પડ્યો, ચેમ્બર બેસી જતા ઘટના સર્જાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના સતત વાહનોથી ધમધમતા એલ એન્ડ ટી સર્કલ પાસે વધુ એક ભૂવો પડ્યો છે. અગાઉ એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલી લિન્ડે કંપનીના ગેટ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. જેનું રીપેરીંગ કાર્ય હજી ચાલી રહ્યું છે. ત્યારે હવે સામેની તરફ ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ અંગે કોર્પોરેટર ડો. રાજેશ શાહે જણાવ્યું કે, રોડ નીચે ડ્રેનેજ-પાણીની ચેમ્બર બેસી જતા આ ભૂવો પડ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. હાલ આ ભૂવાનું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
તંત્ર દોડતું થયું
ચોમાસુ શરૂ થતા જ શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ સિલસિલો આજે પણ જારી છે. ગતરાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી સર્કલ પાસે ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ભૂવાએ આશ્ચર્ય સર્જ્યું છે. તેનું કારણ છે કે, અગાઉ લિન્ડે કંપની પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. જેનું રીપેરીંગ કાર્ય હાલ ચાલી રહ્યું છે. હજી આ ભૂવો રીપેર થાય તે પહેલા તો તેની સામે ભૂવો પડવાની વધુ એક ઘટના સામે આવી છે. જેને લઇને હવે તંત્ર દોડતું થયું છે.
સામેની તરફ પડેલા ભૂવાનું સમારકામ અંતિમ તબક્કામાં
નવા પડેલા ભૂવાનું આજે સવારે રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેને લઇને સ્થાનિક કોર્પોરેટર ડો. રાજેશ શાહે જણાવ્યું કે, વીઆઇપી રોડ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોય છે. અહિંયાના રોડ જાડા, પહોળા અને સક્ષમ છે. ભૂવા પડવા વિશે પ્રાથમિક માહિતી પ્રમાણે, રોડની નીચેની ડ્રેનેજ-પાણીની ચેમ્બર બેસી જાય છે. ત્યાર બાદ તેમાંથી પાણીનું લિકેજ થાય છે. જે બાદ સમય જતા આ સ્થળે ભૂવો પડી જાય છે, તેમ સામે આવવા પામ્યું છે. ભૂવો પડ્યાની જાણકારી સંબંધિત અધિકારીઓને રાત્રે જ આપી દેવામાં આવી હતી. અને આજે સવારથી જ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ સામેની તરફ પડેલા ભૂવાનું સમારકામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સુશેન પાસે ચાલુ વરસાદે ખાડા પુરાયા, મેયરે કહ્યું "જવાબ માંગીશુ"