VADODARA : વાઘોડિયા GIDC ની કંપનીમાં ભીષણ આગ, મોટા નુકસાનની ભીતિ
VADODARA : આજરોજ સવારે વડોદરા (VADODARA) પાસે આવેલી વાઘોડિયા જીઆઇડીસી (VAGHODIA, GIDC - VADODARA) ની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વાઘોડિયા ગેઇલ કંપનીના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. ભીષણ આગ લાગવાને પગલે કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હોવાની ભીતિ હાલ સેવાઇ રહી છે. આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લીધા બાદ તેના કારણો અંગે વધુ સ્પષ્ટતા સામે તેવી શક્યતા છે.
આગ ભડભડ કરીને પ્રસરતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી
વડોદરાની આસપાસ મોટી જીઆઇડીસી આવેલી છે. જેમાં મોટા મોટા એકમો કાર્યરત છે. તેવામાં આજે સવારે વડોદરા પાસે આવેલી વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રી જે જે ફોમ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આગ ભડભડ કરીને પ્રસરતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ગેઇલ કંપનીમાંથી ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
રો મટીરીયલ અને તૈયાર પ્રોડક્ટ્સનો મોટો જથ્થો આગમાં સ્વાહા
આગનું સ્વરૂપ વિકરાળ હોવાના કારણે ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં અંશત સફળતા મળી હોવાનું ફાયર સુત્રો જણાવી રહ્યા છે. કંપની પ્લાસ્ટીક અને રબરના ઉત્પાદનો સાથે સંકળાયેલી હોવાથી રો મટીરીયલ અને તૈયાર પ્રોડક્ટ્સનો મોટો જથ્થો આગમાં સ્વાહા થઇ ગયો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.
બાદમાં નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવશે
હાલ તબક્કે ઘટના પાછળનું કોઇ નક્કર કારણ જાણી શકાયું નથી. આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવી લેવામાં આવ્યા બાદ તેના નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ આગ લાગવા પાછળના કારણો અંગે બાદમાં જ સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો -- VADODARA : વડાપ્રધાનની મુલાકાતને પગલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ, જાણો કમિશનરે શું કહ્યું