VADODARA : થાંભલા પર કામ કરતા બે વિજ કર્મીઓ નીચે મગર જોતા જ ફફડી ઉઠ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં નવલખી મેદાન ખાતે ગણેશજીના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ પાસેના વિજ થાંભલા પર કામ કરવા બે કર્મીઓ ચઢ્યા હતા. દરમિયાન તેમના ધ્યાને આવ્યું કે, થાંભલા પાસે મગર આવી પહોંચ્યો છે. જેથી તેઓ થાંભલા ઉપર જ રહ્યા હતા, અને ત્યાંથી મદદ માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કર્યો હતો. ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચીને મગરના બચ્ચાને રેસ્ક્યૂ કર્યો હતો. અને વિજ કર્મીઓને સુરક્ષિત કર્યા હતા.
મગરના તેવર જોઇને તેમને ડર પેંસી ગયો
વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીક નજીકમાં વસવાટ કરે છે. ત્યારે ચોમાસાની રૂતુમાં મગર માનવ વસ્તી નજીક આવે તેવી ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે આજે અગાઉ ક્યારે ન બની હોય તેવી ઘટના સામે આવી છે. વડોદરા પાલિકા દ્વારા ગણેશજીના વિસર્જન માટે નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. તેની બાજુમાં વિજ થાંભલા પર આજે સવારે ફોલ્ટ શોધવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન નીચે અચાનક મગર જોવા મળતા થાંભલા પર ચઢેલા કર્મીઓ ફફડી ઉઠ્યા હતા. મગરના તેવર જોઇને તેમને ડર પેંસી ગયો હતો. જો કે, આ ઘટના અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને તેમણે બંને કર્મીઓને ભયમુક્ત કર્યા હતા.
વિજ થાંભલા પર કામગીરી ચાલી રહી હતી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર તુષાર ઉત્તેકરે જણાવ્યું કે, સવારે અમારા હેલ્પ લાઇન પર મગર દેખાયો હોવા અંગે ફોન આવ્યો હતો. ત્યાર બાદ અમે સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચતા ખબર પડી કે, નવલખી મેદાનમાં ગણેશજીના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. તેની પાસે વિજ થાંભલા પર કામગીરી ચાલી રહી હતી. દરમિયાન તેમને થાંભલા નીચે 5 ફૂટનો મગર જોવા મળ્યો હતો. જેથી તેઓ ડરી ગયા હતા. અને રેસ્ક્યૂ માટે અમારી સંસ્થાને ફોન કર્યો હતો. અમે તાત્કાલિક ઘટના સ્થળે આવીને મગરને રેસ્ક્યૂ કર્યો છે. અને થાંભલા પર કામ કરતા લોકોને મગરથી બચાવી લેવામાં આવ્યા છે.
જાનહાની થાય તો જવાબદાર કોણ ?
જો કે, આ તકે કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડ દ્વારા સુચક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, કુત્રિમ તળાવમાં મગરો હશે, લોકોના જીવ જઈ શકે છે. કોર્પોરેશને તાત્કાલિક તળાવનું પાણી ખાલી કરી મગરને કુત્રિમ તળાવમાંથી કાઢવા જોઈએ. ગણેશ વિસર્જન સમયે કોઇ ઘટના બને અને જાનહાની થાય તો જવાબદાર કોણ ?
આ પણ વાંચો -- VADODARA : ફ્લેટના ટેરેસ પર અરબી ઝંડો લાગતા ઉત્તેજના, કોર્પોરેટર અકળાયા