VADODARA : કોમ્પલેક્ષની લિફ્ટનો દરવાજો કાપીને મહિલા અને બાળકનું રેસ્ક્યૂ
VADODARA : વડોદરા (VADODARA) ના સનફાર્મા રોડ પર આવેલા કોમ્પલેક્ષની લિફ્ટમાં ફસાયેલા માતા-પુત્રને બચાવવા માટે સ્થાનિકોએ ધમપછાડા કર્યા, પણ કંઇ હાથ લાગ્યું ન્હતું. આખરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાજી સંભાળી હતી. આખરે લિફ્ટનો દરવાજો કાપીને બંનેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
કોઇ સફળતા મળી ન્હતી
વડોદરાના સનફાર્મા રોડ પર શ્યામલ એન્કલેવ નામનું એપાર્ટમેન્ટ આવેલું છે. તાજેતરમાં આ એપાર્ટમેન્ટની લિફ્ટમાં જઇ રહેલા માતા-પુત્ર ફસાયા હતા. લિફ્ટ બગડી ગઇ હોવાના કારણે તેમાંથી બહાર આવી શકાય તેમ ન્હતું. આ વાતની જાણ સ્થાનિકોને થતા તેમણે માતા-પુત્રને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. પણ કોઇ સફળતા મળી ન્હતી. આખરે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
તમામે રાહતનો શ્વાસ લીધો
દરવાજો ખોલવા માટે ફાયર બ્રિગેડના જવાનોને સફળતા ના મળતા આખરે તેને કટર વડે કાપવામાં આવ્યો હતો. અને માતા-પુત્ર બંનેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ફાયર જવાનોએ એક કલાક જહેમત કરી ત્યારે માતા-પુત્ર બહાર નીકળી શક્યા હતા. આખરે બંનેનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. અને ફાયર બ્રિગેડના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તપાસ કરવા માટે લિફ્ટના ટેક્નિશિયનને બોલાવવામાં આવ્યો
ફાયર સુત્રોના જણાવ્યા અનુસાર, આ લિફ્ટ એકાએક કેમ બંધ થઇ ગઇ તે અંગેનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વધુ તપાસ કરવા માટે લિફ્ટના ટેક્નિશિયનને બોલાવવામાં આવ્યો છે. ત્યાર બાદ તપાસના અંતે લિફ્ટ કેમ બંધ થઇ તે જાણી શકાશે.
આ પણ વાંચો -- VADODARA : સર્કલના નામને લઇને વિવાદ, કોર્પોરેટરે કૂચડો ફેરવતા પોલીસ બોલાવવી પડી