VADODARA : સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બે કેસમાં સજા જાહેર
VADODARA : વડોદરા (VADODARA) ની સ્પેશિયલ પોસ્કો કોર્ટે (SPECIAL POCSO COURT) બે અલગ અલગ કેસોમાં સજાનું એલાન કર્યું છે. બંને કેસો સગીરા સંબંધિત હોવાનું જાણવા મળી રહ્યું છે. એક કેસમાં બાળકીને અડપલાં કરનાર આરોપીને પોક્સો એક્ટ હેઠળ 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય કેસમાં કિશોરીનું અપહરણ કરનાર આરોપીને એટ્રોસિટી એક્ટ હેઠળ ત્રણ વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે.
તુ મારી સાથે બોલ નહી તો જાનથી મારી નાંખીશ
એક કેસ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વાડી પોલીસ મથકમાં 23 મે - 2023 ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસાર, ધો - 8 માં ભણતી દિકરી રાત્રે ઘરે હાજર ન્હતી. જેથી માતાએ તેની ભાળ મેળવવા માટે આસપડોશમાં તપાસ કરી હતી. પરંતુ તે મળી આવી ન્હતી. ત્યાર બાદ મોડી રાત્રે 2 વાગ્યે તે પરત આવી હતી. આ ઘટનાના બે દિવસ બાદ પુત્રીએ માતાને જણઆવ્યું કે, તે 10 દિવસ પહેલા માંજલપુર લાલબાગમાં ફરવા ગઇ હતી. ત્યારે અભિષેક ઉર્ફે અભી સંજયભાઇ ખારવા (રહે. વિનાયક ફ્લેટ્સ, બરાનપુરા) ત્યાં મળ્યો હતો. અને ગાર્ડનમાં આવેલા સ્વિમીંગ પુલ પાછળ તે લઇ ગયો હતો. અને તેણીના વાળ ખેંચીને માર મારીને ધમકી આપી હતી કે, તુ મારી સાથે બોલ નહી તો જાનથી મારી નાંખીશ. આ ઘટનાના બે ત્રણ દિવસ બાદ અભિષેક તેણીને તેના ઘરે લઇ ગયો હતો. અને અડપલા કર્યા હતા. તે અવાર નવાર બિલ્ડીંગના પાર્કિંગ સુધી આવીને કુચેષ્ઠાઓ કરતો હતો. આ મામલે આરોપી અભિષેક ખારવાને પોક્સો કોર્ટે 3 વર્ષ કેદની સજા અને રૂ. 4,500 નો દંડ ફટકાર્યો છે. જ્યારે પીડિત સગીરાને રૂ. 25 હજાર ચુકવવાનો આદેશ કર્યો છે. જેમાં શરત છે કે, રકમ પીડિતાના અભ્યાસ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે.
પુત્ર સગીરા સાથે કંજરી ગામે તેના મિત્રને ત્યાં રહે છે
અન્ય એક કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બાપોદ પોલીસ મથક વિસ્તારમાં 5, ઓક્ટોબર - 2021 ના રોજ એક કેસ નોંધાયો હતો. જે અનુસાર, 14 વર્ષની સગીરા સંબંધિના લગ્નમાં ગઇ હતી. ત્યારે લગ્નમાં ફોટા પડાવવા આવેલા પાદરાના ફોટોગ્રાફર દિલીપસિંહ રતનસિંહ સોલંકી જોડે પરિચય થયો હતો. જે બાદ બંને વોટ્સએપ પર સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન એક દિવસ સગીરા ઘરમાંથી દુધ લેવા નિકળી હતી, ત્યાર બાદ પરત ફરી ન્હતી. જેથી તેના પરિજનોએ શોધખોળ ચાલુ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન્હતો. બાદમાં દિલીપસિંહના પિતા રતનસિંહને જાણ થઇ કે, તેમનો પુત્ર સગીરા સાથે કંજરી ગામે તેના મિત્રને ત્યાં રહે છે. જેથી તેમણે બંનેને કંજરીથી લાવીને પોલીસ મથકમાં હાજર કર્યા હતા.
કોઇ બળજબરી કે ધાકધમકી પણ આપી નથી
બાદમાં આ કેસ વડોદરાની પોક્સો કોર્ટમાં ચાલી જતા કિશોરીએ કોર્ટમાં કહ્યું કે, દિલીપસિંહ સાથે તેણે સંબંધ બાંધ્યો નથી. તેણે કોઇ બળજબરી કે ધાકધમકી પણ આપી નથી. જેથી એટ્રોસિટી હેઠળનો ગુનો બનતો હોવાથી કોર્ટે દિલીપસિંહને 3 વર્ષ જેલની સખત સજા અને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો -- VADODARA : ભ્રષ્ટાચારી TPO ભોયાના બેંક એકાઉન્ટ અને લોકર સુધી ACB પહોંચી