VADODARA : સેવા સેતુની અરજીઓના નિકાલમાં જિલ્લો રાજયભરમાં ચોથા ક્રમે
VADODARA : રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે હાથોહાથ મળી રહે અને લોકોને ખુબજ ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન સંકલ્પ સાથે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કો યોજાયો હતો. આ અંતર્ગત વડોદરા જિલ્લા તથા શહેરમાં ૮૩,૪૪૧ અરજીઓનો કાર્યક્રમના સ્થળે જ નિકાલ કરવામાં આવ્યો હતો.
જનકલ્યાણલક્ષી સુવિધાઓ નાગરિકોને સ્થળ પર પૂરી પાડવામાં આવી
તા. ૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સુવિધાઓ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવામાં આવી હતી.
અરજીઓ મળતા કાર્યક્રમના સ્થળે જ નિરાકરણ લાવવા આવ્યું
વડોદરા જિલ્લા કુલ ૬૯,૯૪૩ મળેલ અરજીઓનો હાથોહાથ નિકાલ કરી પારદર્શિતા સ્થાપવામાં વડોદરા જિલ્લો રાજયમાં ચોથા ક્રમ હાંસિલ કર્યો છે. તાલુકાવાર વાત કરીએ તો પાદરામાં ૧૬૦૫૬, વડોદરામાં ૧૩૮૯૧, ડભોઇમાં ૧૦૫૯૧, વાઘોડિયામાં ૮૮૯૯, કરજણમાં ૭૮૬૦, શિનોરમાં ૬૬૭૪, સાવલીમાં ૩૧૯૪ અને ડેસરમાં ૨૭૭૮ અરજીઓ મળી હતી. જેમાંથી ૬૪૬૨ રાશન કાર્ડ સબંધિત, ૮૯૧૫ હેલ્થ વેલનેસ કાર્ડ, ૨૭૫૮ પી.એમ.જે. મા., ૨૫૧૨ પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, ૩૨૪૮ પશુઓની મેડિસન સારવાર, ૧૦૬૧ પશુઓની સર્જીકલ સારવાર, ૯૦૭૭ ડીવર્મિંગ, ૧૫૨૨૪ પશુઓના રસીકરણ, ૩૨૩ કેસલેસ લીટરસી, ૯૪૪૬ સાતબાર/ ૮-અ ના પ્રમાણપત્રો, ૫૧ રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, ૭૧૫ જાતિ અંગેના પ્રમાણપત્રો, ૭૭૧ આવકના દાખલા અને ૧૫૫૬ આધાર કાર્ડને લગતી સેવાઓ સહિત કુલ ૬૯૯૪૩ જેટલી અરજીઓ મળતા કાર્યક્રમના સ્થળે જ નિરાકરણ લાવવા આવ્યું હતું.
૧૦૦ ટકા અરજીઓનો સ્થળે જ નિકાલ
વડોદરા મહાનગર પાલિકામાં ૧૯ સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે કરજણ નગરપાલિકા વિસ્તાર ૧૪ અને ડભોઇ નગરપાલિકામાં ૦૯ સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત ૧૦૦ ટકા અરજીઓનો સ્થળે જ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૩૨૦૦ હેલ્થ વેલનેશ કાર્ડ, ૧૫૯૨ રેશનકાર્ડમાં સુધારા, ૫૧૪ પી.એમ.જે. મા., ૬૧૭ આવકના દાખલા, ૧૦૦ બેંક એકાઉન્ટ ને લગત, ૧૨૩ જાતિ પ્રમાણપત્ર માટે, ૨૫ નોન ક્રિમિલેયર, ૮૯ સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની અરજીઓ, ૩૫૮ પી.એમ.સ્વનિધી યોજના સહિત કુલ ૧૩,૩૯૮ અરજીઓ મળી હતી, જેનો કાર્યક્રમના સ્થળે જ નિકાલ કરવામાં આવ્યો હતો.
ધક્કા વગર સરળતાથી હકારાત્મક ઉકેલ
સેવા સેતુ કાર્યક્રમના આયોજન વિશે જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમ સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. આ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની સમસ્યાઓનો સ્થળ પર જ ધક્કા વગર સરળતાથી હકારાત્મક ઉકેલ આવતા લોકોમાં સરકાર પ્રત્યે સંતોષ અને વિશ્વાસની લાગણી વર્તાઈ રહી છે.
પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત
રાજ્ય સરકારની સુશાસન કેન્દ્રિત કાર્યપ્રણાલી અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમો થકી નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરિત મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે જેના લાભો જનસામન્ય સુધી સુપેરે પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : શહેરની દિવ્યાંગ દિકરીને PM મોદીનો સ્નેહસભર પત્ર