VADODARA : દારૂની પેટીઓની "સવારી" સાથે ઉભેલી કાર જપ્ત
VADODARA : તહેવાર ટાણે વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં દારૂ રેલાવવાનું બુટલેગરનું સ્વપ્ન ચકનાચુર થયું છે. જરોદ પોલીસ (JARODA POLICE STATION) ને બાતમી મળતા પેટ્રોલ પંપની બાજુમાં ઉભેલી કારમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસને રૂ. 2.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. હાલ આ મામલે કાર નંબરના આધારે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
અંગત બાતમીદાર તરફથી માહિતી મળી
જરોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં પોલીસ કોન્સ્ટેબલ મથકમાં હાજર હતા. દરમિયાન પીઆઇ દ્વારા ટેલિફોનીક જાણ કરવામાં આવી કે, અંગત બાતમીદાર તરફથી માહિતી મળી છે. જે અનુસાર જરોદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક, હાલોલ વડોદરા રોડની બાજુમાં એક કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે. બાદમાં પોલીસ કોન્સ્ટેબલ તથા પંચો તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થયા હતા.
સીટ અને ડિકીમાં વિદેશી દારૂની પેટીઓ અને છુટ્ટી બોટલો મળી
સ્થળ પર જઇને જોતા એક કાર જોવા મળી હતી. બાદમાં તેને કોર્ડન કરી લેવામાં આવી હતી. જો કે, કારમાંથી કોઇ શખ્સ મળી આવ્યો ન્હતો. કારમાં અંદર જોતા તેની સીટ અને ડિકીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ અને છુટ્ટી બોટલો જોવા મળી હતી. ત્યાર બાદ કારને જે-તે સ્થિતીમાં રાખીને જરોદ પોલીસ મથક લાવવામાં આવી હતી. જ્યાં તેની ગણતરી કરતા રૂ. 2.52 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂ. 6.02 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને જરોદ પોલીસ મથકમાં કાર નંબરના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : બેકાબુ કાર ઘૂસી જતા પંચરની દુકાન તહસ-નહસ