VADODARA : ફૂટપાથ સાથે રોડનો ભાગ બેસી જતા મોટુ ગાબડું પડ્યુ
VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરી ગયા બાદ નાના-મોટા ભૂવાઓ પડવાનો સિલસિલો આજદિન સુધી જારી છે. આજે શહેરના મુજમહુડા વિસ્તારમાં ફૂટપાથ સાથે રોડનો ભાગ બેસી જતા મોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક મોટના વૃક્ષના પણ મુળિયા હાલી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. લોકો અને વાહનોથી સતત વ્યસ્ત રહેતા મુજમહુડા ચોકડી પાસે આ પ્રકારની ઘટનાને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મુખ્યમાર્ગની નજીક હોવાથી અહિંયાથી પસાર થતા લોકોમાં ભય
વડોદરા ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. પૂરના પાણી ઓસરી ગયા બાદ ઠેર ઠેર રસ્તા પર ભૂવા-ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો હતો. જે આજે પણ યથાવત છે. આજે સવારે શહેરના અતિવ્યસ્ત મનાતા મુજમહુડા ચોકડી પાસે ફૂટપાથ સાથે રોડનો ભાગ બેસી ગયો હોવાથી મોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગાબડું મુખ્યમાર્ગની નજીક હોવાથી અહિંયાથી પસાર થતા લોકોમાં ભય પ્રસરી રહ્યો છે. તેવામાં ફૂટપાથ પર ઉગેલા વૃક્ષના મુળિયા પણ હાલી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.
હલકી ગુણવત્તાના રોડ-રસ્તા અને ફૂટપાથની વધુ એક વખત પોલ ખોલી
આ વૃક્ષ જોખની પરિસ્થિતીમાં જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને લોકોની સલામતીને લઇને પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાને પગલે વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા હલકી ગુણવત્તાના રોડ-રસ્તા અને ફૂટપાથની વધુ એક વખત પોલ ખોલી નાંખી છે. હવે આ મોટા ગાબડાની સમસ્યા સત્વરે દુર કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે. વિજ કંપનીના સુત્રોએ જણાવ્યું કે, આ ભૂવો પડવાના કારણે અંડર ગ્રાઉન્ડ વિજ કેબલ ક્ષતિગ્રસ્ત થયો છે. જેને કારણે વિજ પુરવઠો ખોરવાયો છે. જેને દુરસ્ત કરવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે દોડી આવ્યા
આજે સવારની બીજી એક ઘટનામાં શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા શુક્લા નગર નજીક મોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર જહાં ભરવાડ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને ભૂવા ફરતે આડાશ કરીને પાલિકાના અધિકારીઓને આ અંગેની કાર્યવાહી ત્વરિત કરવા સુચન કર્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ગણેશ પંડાલની કામગીરી ટાણે જીવંત વિજ વાયર અડી જતા એકનું મોત