VADODARA : પોલીસ મથકથી 100 મીટર નજીક લૂંટ
VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ પોલીસ મથક (SAYAJIGUNJ POLICE STATION) થી 100 મીટર દુર જ લૂંટ (LOOT - VADODARA) ની ઘટના સામે આવી છે. ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા રાતના અંધારામાં રીક્ષા ચાલકને લૂંટીને ફરાર થયા હતા. રીક્ષા ચાલકે આ વાતની જાણ પરિચીતને કરતા અન્ય એક ઇસમ પણ આ પ્રકારે લૂંટાયો હોવાનું સામે આવ્યું હતું. આખરે આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
બે છોકરા અને એક છોકરી દોડીને તેમના તરફ આવ્યા
સયાજીગંજ પોલીસ મથકમાં ભાવેશભાઇ ભરવાડ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં તેઓ રીક્ષાની વર્ધિ મળતા પેસેન્જરને લઇને વડોદરા રેલવે સ્ટેશનના આઉટ ગેટ પાસે પહોંચ્યા હતા. ત્યાં પેસેન્જર ઉતારીને તેઓ કાલાઘોડા રોડ તરફ દિવાલ પર લધુશંકા કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત આવતા રાત્રે એક વાગ્યાના આરસામાં બે છોકરા અને એક છોકરી દોડીને તેમના તરફ આવ્યા હતા. તે પૈકી એક પાસે લાકડાનો દંડો હતો.
રીક્ષામાં બેસવા જતા એકની ઓળખ રાહુલ તરીકે થઇ
તેણે જણાવ્યું કે, તારી પાસે જે રૂપિયા હોય તે આપી દે. જેથી ફરિયાદીએ કહ્યું કે, હું શાના રૂપિયા આપું. બાદમાં ત્રણેયે ફરિયાદીને માર મારીને પકડી રાખીને તેના ખીસ્સામાંથી પાકીટ અને મોબાઇલ લઇ લીધો હતો. બાદમાં રીક્ષામાં બેસવા જતા ત્રણ પૈકી એકની ઓળખ રાહુલ તરીકે થઇ છે. આમ, ત્રણેય રીક્ષા, મોબાઇલ અને પૈસા મળીને કુલ રૂ. 55 હજારનો મુદ્દામાલ લઇે કાલાઘોડા તરફ ભાગી ગયા હતા.
બંને મામલે રાહુલ તથા અન્ય બે સામે ફરિયાદ
બાદમાં તેમણે પરિચીતને આ અંગે જાણ કરતા આ પ્રકારે ત્રણ લોકો દ્વારા અન્ય ઇસમને માર મારીને તેની જોડે પણ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની જોડેથી કુલ મળીને રૂ. 59,500 ની લૂંટ ચલાવવામાં આવી હતી. આખરે ઉપરોક્ત બંને મામલે સયાજીગંજ પોલીસ મથકમાં રાહુલ તથા અન્ય બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના સ્થળની સામે જ 100 મીટરના અંતરે સયાજીગંજ પોલીસ મથક આવેલું છે. અને તેની નજીકમાં જ ગુનેગારો બેફામ બનીને લોકોને લૂંટી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : બેરોકટોક ચાલતા ભારદારી વાહનો પર તવાઇ જારી