VADODARA : નૂતન વર્ષે માતા-પિતાનું પૂજન, સંસ્કારોને જીવંત રાખવાનો પ્રયાસ
VADODARA : પહેલાના જમાનામાં માતા-પિતાના આશિર્વાદ લઇને દિવસની શરૂઆત કરવામાં આવતી હતી. જો કે, સમય જતા હવે માતા-પિતાના આશિર્વાદ લેવા માટે યોગ્ય સમય અને પ્રસંગની વાટ જોવાતી હોય છે. ત્યારે વડોદરા (VADODARA) ના મકરપુરા ગામમાં સામુહિક રીતે માતા-પિતાના પૂજનનો કાર્યક્રમ નૂતન વર્ષે યોજવામાં આવ્યો હતો. જેના વીડિયો હાલ સપાટી પર આવવા પામ્યા છે. સ્થાનિક અગ્રણીનું કહેવું છે કે, સંતાનો દ્વારા પૂજન કરવામાં આવતા માતા-પિતાની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા.
માતા-પિતાને ખુરશી પર સ્થાન આપ્યું
આજની યુવા પેઢી ધીરે ધીરે પોતાના મૂળિયા, પોતાના સંસ્કારો તરફ વળી રહી હોવાનું સામે આવી રહ્યું છે. સામાન્ય રીતે તો આજની પેઢી માતા-પિતાનું નથી સાંભળતી, ઇન્ટરનેટમાં મન પરોવ્યા કરે છે, તેવા અનેક આરોપો તેમની સામે લાગતા હોય છે. ત્યારે આવા આરોપોનું ખંડન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં દિપાવલીનું નૂતન વર્ષ હતું. તે દિવસે વડોદરાના મકરપુરામાં યુવાનોએ તેમના માતા-પિતાને ખુરશી પર સ્થાન આપીને તેમના ચરણ પાસે બેસીને તેમનું પુજન કર્યું હતું. આ દ્રશ્યો જોઇને સામાન્ય માણસનું મન ભરાઇ આવે તેવું હતું. બાળકો તરફથી ઉષ્માભર્યુ પુજન કરવામાં આવતા માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. અને ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
નથી આવી શક્યા તેમણે ઘરે માતા-પિતાનું પુજન કર્યું
સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, માતા-પિતાની ઉજવણી કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. ઘણો આનંદ થયો છે. મકરપુરા ગામમાં આવેલી પટેલ ખડકીમાં સમુહમાં માતા-પિતાનું પુજન કરવામાં આવ્યું છે. જે લોકો આમાં નથી આવી શક્યા તેમણે ઘરે માતા-પિતાનું પુજન કર્યું છે. આજે લોકોના ચહેરા પર આંસુ હતા. કારણ તેમના સંતાનો દ્વારા તેમનું પુજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના નિવાસ સ્થાને "ભાઇબીજ" ઉજવતા ભાજપના કોર્પોરેટર