VADODARA : MSU ના 60 જેટલા પ્રોફેસર VC પદ માટેની રેસમાં
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના વાઇસ ચાન્સેલર (MSU - VC) ની ટર્મ 9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે આગામી વાઇસ ચાન્ચેલરની પસંદગી કરવા માટે સર્ચ કમિટીની રચના કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહારાજા સયાજીરાવ યુનિ.ના જ અનુભવી પ્રોફેસરને વાઇસ ચાન્સેલરનું પદ મળે તેવી પ્રબળ શક્યતાઓ હાલ તબક્કે જોવા મળી રહી છે. હાલ આ અંગેની લાયકાત ધરાવતા 60 જેટલા પ્રોફેસરો આ રેસમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
20 પ્રોફેસરો શિક્ષણ સાથે બહોળો વહીવટી અનુભવ ધરાવે છે
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના નવા વીસીની શોધ માટે સર્ચ કમિટી કામે લાગી છે. ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર, યુનિ.ના . 60 જેટલા પ્રોફેસરો વીસી બનવાની લાયકાતના ક્રાઇટેરીયામાં આવે છે. યુજીસીની ગાઇડલાઇન અનુસાર, વીસી બનવા માટે પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ જરૂરી છે. યુનિ.માં આ કેટેગરી અનુસાર 60 જેટલા પ્રોફેસરો છે. તે પૈકી 20 પ્રોફેસરો શિક્ષણ સાથે બહોળો વહીવટી અનુભવ ધરાવે છે. અને તેમની નામના પણ છે.
યુનિ.ની ગરીમા જોઇએ તેવી ખીલી શકતી નથી
જો કે, આ તમામ પૈકી 15 જેટલા જ પ્રોફેસરો વાઇસ ચાન્સલેરના પદ માટે દાવેદારી કરનાર હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી યુનિ.માં બહારના પ્રોફેસરોને વાઇસ ચાન્સેલર બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે યુનિ.ની ગરીમા જોઇએ તેવી ખીલી શકતી નથી, તેવું હિતેચ્છુઓનું માનવું છે. યુનિ.માં સ્થાનિક પ્રોફેસરને વીસી તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેઓ ઉદાહરણીય કામગીરી કરી શકે તેમ છે.
આપખુદશાહી ભર્યા વલણના કારણે પણ આંતરિક વર્તુળોમાં ચર્ચામાં
હાલ યુનિ.ના વીસી તરીકેનો પદભાર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ નિભાવી રહ્યા છે. તેમનો કાર્યકાળ વિવાદીત રહ્યો છે, આ વાત કોઇનાથી છુપી નથી. તેઓ પોતાના આપખુદશાહી ભર્યા વલણના કારણે પણ આંતરિક વર્તુળોમાં ચર્ચામાં રહે છે. ત્યારે હવે કોના શિરે વીસીનો તાજ જાય છે તે જોવું રહ્યું.
યુનિ. ના વીસી પદ માટેના પ્રબળ દાવેદારોના નામો
- પ્રોફેસર અમિત ધોળકિયા, આર્ટસ ફેકલ્ટી
- પ્રોફેસર અતુલ જોષી, સાયન્સ ફેકલ્ટી
- પ્રોફેસર હરિ કટારીયા, સાયન્સ ફેકલ્ટી
- પ્રોફેસર આર. સી. પટેલ, એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટી
- પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ, કોમર્સ ફેકલ્ટી
- પ્રોફેસર સી. એન. મૂર્તિ, ટેક્નોલોજી ફેકલ્ટી
- પ્રોફેસર ધનેશ પટેલ, ટેક્નોલોજી ફેકલ્ટી
આ પણ વાંચો -- VADODARA : ઓવર બ્રિજ નીચે એક્ટીવીટી શરૂ કરવાની દિશામાં પ્રથમ પગલું ભરાયું