VADODARA : 6 દિવસ સંસ્કારી નગરીનું આતિથ્ય માણી કાશ્મીરી યુવકો રવાના
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં કાશ્મીરી યુવા (KASHMIRI YOUTH) આદાન-પ્રદાન કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ કાર્યક્રમના અંતિમ બે દિવસોમાં વિવિધ વિષયક વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતર્ગત તમામ સત્રોમાં યુવાઓને શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસમાં મદદ કરી, તેમજ જીવનમાં જરૂરી કુશળતાઓ હાંસલ કરવાની પ્રેરણા મળી હતી.
આત્મરક્ષા તેમજ શારીરિક અને માનસિક દ્રઢતાનું મહત્વ સમજાવ્યું
સુઝેન સેમ્સન દ્વારા નશામુક્તિ પર પ્રભાવશાળી સત્રમાં યુવાઓને નશાથી દુર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ગુજરાતની પ્રથમ મહિલા ઇન્ટરનેશનલ એમએમએ ફાઇટર ઇશિકા ઠીટેએ આત્મરક્ષા તેમજ શારીરિક અને માનસિક દ્રઢતાનું મહત્વ સમજાવ્યું હતું.
એક વિશેષ ગરબા સત્રનું આયોજન
જયેશ ખૈબર અને તેમની કરાટે ટીમે યુવાઓને કરાટેની તાલીમ આપી અને શારીરિક ફિટનેસ અને આત્મરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું.આ સત્રમાં યુવાનોએ સક્રિય રીતે ભાગ લીધો અને કરાટેની બારીકીઓ શીખી હતી. પ્રિયંકા ભટ્ટ દ્વારા યુવાઓ માટે એક વિશેષ ગરબા સત્રનું આયોજન દ્વારા યુવાઓને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનો આનંદ માણવા સાથે ગરબા નૃત્યની વિવિધ શૈલીઓ શીખી હતી.
વ્યવસાયિક વિકાસના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
કુલવંત મારવાલ, શ્રીમતી શૈલજા સિંહ અને શ્રીમતી સિંધુજી દ્વારા લાઇફ સ્કિલ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ પર ખૂબ જ ઇન્ટરેક્ટિવ અને જ્ઞાનવર્ધક સત્રમાં યુવાઓને જીવનમાં જરૂરી કુશળતાઓ અને વ્યવસાયિક વિકાસના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાશ્મીરની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિની ઝલક રજૂ કરી
આ કાર્યક્રમમાં કશ્મીરી ફૂડ સ્ટોલ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. કશ્મીરી ફૂડ સ્ટોલ પર ફિરની, યખની, કાવા જેવા પરંપરાગત કશ્મીરી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આ સ્વાદિષ્ટ વાનગીઓએ કાશ્મીરની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. કશ્મીરી શાલ, કેશર, ફેરાન જેવી પરંપરાગત કાશ્મીરી વસ્તુઓનું પ્રદર્શન પણ સ્ટોલ્સ પર કરવામાં આવ્યું હતું જે લોકો માટે ખાસ આકર્ષણના કેન્દ્ર બન્યાં અને લોકોને કાશ્મીરની શિલ્પકલા અને સંસ્કૃતિની ઝલક નિહાળી હતી.
સાંસ્કૃતિક, સામાજિક અને માનસિક મુદ્દાઓ પર જાગૃત કરવામાં સફળતા
નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક દુષ્યંત ભટ્ટ, બરોડા ગ્રામીણ બેન્કના નિયામક તેજસ દેસાઇ, આઈ.ટી.આઈ પ્રિન્સિપાલ એ.આર. શાસ્ત્રી, જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, તેમજ એનવાયસીના મૌલિક દેસાઈ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ યુવાઓને વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને માનસિક મુદ્દાઓ પર જાગૃત કરવામાં સફળ રહ્યો હતો. મહેમાનો દ્વારા આ કાર્યક્રમમાં યુવાઓની ઉત્સાહભરી ભાગીદારી અને તેમની ઉત્કટતા માટે પ્રશંસા કરવામાં આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : ઘરે બેઠા સુશોભનની વસ્તુઓ બનાવી મહિલાઓ પગભર બની, દિવડાની ભારે ડિમાન્ડ