VADODARA : મુંબઇના દરિયામાં ગણેશજીના વિસર્જનની વ્યવસ્થા તૈયાર કરાશે
VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં ધામધૂમથી ગણોશોત્સવ (GANESHOTSAV - 2024) ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ગણેશભક્તો મુંબઇના વિશ્વ વિખ્યાત લાલબાગના રાજાના ગણેશજીની મૂર્તિ સાથે તેમની મૂર્તિઓનું વિસર્જન કરી શકે તે માટે વડોદરાની સ્વયંસેવી સંસ્થા ટીમ રીવોલ્યુશન વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ અંગેની માહિતી સ્વેજલ વ્યાસે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આપી છે. વડોદરામાં દશામાંની મૂર્તિઓના વિસર્જનમાં પાલિકાની તૈયારીઓનું ભોપાળું બહાર આવ્યું હતું. જે બાદ ગણેશજીના વિસર્જનમાં પુનરાવર્તન ન થાય તે માટે હવે સંસ્થાઓ સામે આવી રહી છે.
પાલિકા તંત્રની ભારે અવ્યવસ્થા ખુલ્લી પડી
દેશમાં મુંબઇ બાદ વડોદરામાં ગણોશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ગણોશોત્સવમાં ગણેશજીની આગમનયાત્રા, પંડાલનું સુશોભન, વિવિધ કાર્યક્રમો તથા ગણેશજીની વિસર્જન યાત્રા અનોખું આકર્ષણ જમાવે છે. ત્યારે ચાલુ વર્ષે દશામાંના વ્રત પૂર્ણ થતા મૂર્તિઓના વિસર્જનમાં પાલિકા તંત્રની ભારે અવ્યવસ્થા ખુલ્લી પડી હતી. જેના કારણે ગણેશજીની મૂર્તિઓના વિસર્જનમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સાથે જ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા મુંબઇના દરિયામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરાથી મૂર્તિઓ લઇ જવામાં આવશે
ટીમ રીવોલ્યુશન સ્વેજલ વ્યાસ જણાવે છે કે, વડોદરાના ગણેશભક્તો માટે ગણેશ વિસર્જનની મુંબઇના દરિયામાં વ્યવસ્થા કરવામાં આવનાર છે. લાલબાગના રાજાનું દરિયામાં વિસર્જન થતું હશે ત્યારે વડોદરાના ગણેશભક્તોની મૂર્તિઓ એક સાથે, એક સમયે અને એક દરિયામાં ટીમ રીવોલ્યુશન દ્વારા વડોદરાથી મૂર્તિઓ લઇ જવામાં આવશે. તે મૂર્તિઓનું લાલબાગના રાજા સાથે દરિયામાં વિસર્જન થશે. આ તમામ આયોજન ટીમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યું છે.
લાલબાગના રાજાની જોડે જ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન
વધુમાં તેમણે જણાવ્યું કે, વેબસાઇટ થોડાક જ સમયમાં લાઇવ કરવામાં આવશે. જેમાં તમામે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લોકો ઘરના પણ ગણેશજીની મૂર્તિઓનું રજીસ્ટ્રેશન કરી શકશે. ફોર્મમાં તમામ માહિતી આપવાની રહેશે. વડોદરા પાલિકા દ્વારા દશામાંના વિસર્જન સમયે જે હાલત કરી હતી. ગણેશજીનું વિસર્જન કરતા સમયે પણ ભારે અવ્યવસ્થા સર્જાય છે. ત્યારે આ વખતે તેવું નહીં થાય. મુંબઇના લાલબાગના રાજાની જોડે જ આપણા ગણેશજીની મૂર્તિઓનું પણ વિસર્જન થશે.
આ પણ વાંચો -- VADODARA : મધ્યસ્થ જેલમાં કેદીઓની રક્ષાબંધન, બહેને કહ્યું "વહેલા ઘરે આવો"