VADODARA : સોસાયટીમાં ભરાયેલા પાણીમાં મોટી માછલી તરતા આશ્ચર્ય
VADODARA : હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે વડોદરા (VADODARA) માં દર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ ડભોઇ રોડ પર આવેલી સોસાયટીમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. સોસાયટીમાં ભરાયેલા પાણીમાં મોટી માછલી તરતી હોવાનું જોવા મળ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે આશ્ચર્યની લાગણી જોવા મળી છે. ઉત્સુકતાવશ લોકો માછલીનો ભોજન આપતા જોવા મળી રહ્યા છે. અગાઉ અનેક વિસ્તારોમાં ઘર પાસે મગર, સાપ, અજગર, પાટલા ઘો નિકળવાની ઘટનાઓ સામે આવી હતી.
ગતરોજ વરસાદની જોરદાર બેટીંગ જામી
વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદની જોરદાર બેટીંગ અથવા તો કોરોકટ માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે જ્યારે વરસાદની જોરદાર બેટીંગ થાય ત્યારે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે. કેટલીક જગ્યાઓ પર તો આ ભરાયેલા પાણી ઓસરતા 24 કલાકથી વધુ સમય પણ થઇ જાય છે. ગતરોજ વરસાદની જોરદાર બેટીંગ જામી હતી. જે બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પૈકી એક ડભોઇ રોડ પર આવેલી દત્ત નગર સોસાયટી પણ હતી.
મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર
આ સોસાયટીમાં વરસાદ બાદ પાણી ભરાવવું કોઇ નવી વાત નથી. પરંતુ ત્યાર બાદ આજે સવારે જે થયું તે રહીશો માટે નવું હતું. આજે સવારે સોસાયટીમાં ભારયેલા પાણીમાં મોટી માછલી તરતી નજરે પડી હતી. માછલી પાણીમાં આમથી તેમ તરી રહી હતી. તે જોતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. અને માછલીનો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નજરે પડ્યા હતા. તે પૈકી કેટલાક રહીશોએ તો માછલીને જમવાનું દાણ આપતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
જોખમી જળચર આવી ચઢે તો શું
હવે આ માછલી રહેણાંક વિસ્તાર સુધી કેવી રીતે પહોંચી, પાણી ઓસરી ગયા બાદ તેનું શું થશે, આજે માછલી આવી કાલે કોઇ જોખમી જળચર આવી ચઢે તો શું, આ પ્રકારના અનેક સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. હવે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : વહેલી સવારે ધડાકાભેર કાંસનો ભાગ બેસી ગયો