VADODARA : વચગાળાના જામીન પર મુક્ત થયા બાદથી ફરાર કુખ્યાત અલ્પુ સિંધી ઝબ્બે
VADODARA : 50 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો આરોપી અલ્પુ સિંધી મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદથી ફરાર હતો. અને તે છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો હતો. આખરે કુખ્યાત અલ્પુ સિંધીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) ટેક્નિકલ સોર્સના આધારે હાઇવે પરની હોટલમાંથી ઝડપી પાડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે.
રજા પૂર્ણ થયે હાજર થવાની જગ્યાએ તે ફરાર થયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં જુદા જુદા કામના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. તાજેતરમાં કિશન વાડી પોલીસ મથકમાં કુખ્યાત આરોપી અલ્પુ સિંધી સામે ફરિયાદ નોંધાઇ હતી. જે અંતર્ગત તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન તેને હાઇકોર્ટના હુકમના આધારે 7 દિવસના વચગાળાના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. તેણે રજા પૂર્ણ થયે હાજર થવાની જગ્યાએ તે ફરાર થયો હતો. અલ્પુ સિંધી (રહે. સંતકંવર કોલોની, વારસીયા, વડોદરા) સામે 50 જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.
ફુડ પ્લાઝામાં હોવાની માહિતી મળતા ટીમ પહોંચી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ રિસોર્સના આધારે આરોપી અલ્પુ સિંધી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર આવેલા ફુડ પ્લાઝામાં હોવાની માહિતી મળતા ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. અને ફરાર આરોપીને દબોચી લીધો હતો. બાદમાં આરોપીને વડોદરાની મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો હતો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
કુખ્યાત અલ્પુ સિંધી સામે વિદેશી દારૂ, ખુનની કોશિષ. ખંડણી, મારામારી, ધાકધમકી, જેલમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે જામીન છુટવાના પ્રયાસો, જેલના કાયદાનો ભંગ, હદપારના હુકમનો ભંગ, વાહન સળગાવી દેવા જેવા 50 જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. તે બે વખત પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે, અને એક વખત તેને હદપાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : તહેવાર ટાણે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાંનું વેચાણ ઝડપાયુ