VADODARA : BCA ની એપેક્ષ કમિટીનું ઐતિહાસિક પગલું, પેન્શન યોજના જાહેર
VADODARA : બરોડા ક્રિકેટ એસોસિયેશન (BARODA CRICKET ASSOCIATION - BCA, VADODARA) ના પ્રમુખ પ્રણવ અમીનની આગેવાનીમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં બીસીએ દ્વારા પ્રથમ વર્ગના પૂર્વ ક્રિકેટરો માટે નવી પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ લાયકાત ધરાવતા તમામ ખેલાડીઓને 1, જાન્યુઆરી - 2025 થી મળવાનો શરૂ થઇ જશે. મૃત ક્રિકેટરના પત્નીને પણ પેન્શન યોજનાનો લાભ મળનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
બીસીસીઆઇ દ્વારા કોઇ પેન્શન આપવામાં આવતું નથી
બરોડા ક્રિકેટ એસો.ની એપેક્ષ કમિટી દ્વારા વર્ષ 2003 પહેલા 25 થી ઓછી પ્રથમ કક્ષાની રણજી મેચ રમેલા પૂર્વ મહિલા-પુરૂષ ખેલાડીઓને રૂ. 15 હજારનું માસિક પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે વડોદરા માટે રમેલા 110 થી વધુ ખેલાડીઓને તેનો સીધો ફાયદો મળશે. આ અંગેની જાહેરાત પ્રમુખ પ્રણવ અમીન દ્વારા એપેક્ષ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં 25 થી ઓછી મેચો રમેલા ખેલાડીઓને બીસીસીઆઇ (BCCI) દ્વારા કોઇ પેન્શન આપવામાં આવતું નથી.
દર ચાર વર્ષે રિવ્યુ બેઠક પણ મળશે
આ ઉપરાંત આ વર્ષે રણજી ટ્રોફીની મેચમાં ઉત્કૃષ્ટ દેખાવો કરનાર ટીમના તમામ ખેલાડીઓને બોર્ડ ફી ઉપરાંત રૂ. 10 હજાર પ્રતિ દિન અને અમાનત ખેલાડીઓને રૂ. 5 હજાર મળશે. આ સાથે જ મૃત પૂર્વ રણજી ક્રિકેટર્સના પત્નીને પણ પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા છે. એપેક્ષ કમિટીની બેઠકમાં મુદ્દાસર ચર્ચા બાદ આ નિર્ણયને બહાલી આપવામાં આવી છે. મૃતક ક્રિકેટરના પત્નીને રૂ. 15 હજારનું પેન્શન ચુકવવામાં આવશે. આ નિર્ણય અંગે દર ચાર વર્ષે રિવ્યુ બેઠક પણ મળશે.
5 ટીમોનો સમાવેશ કરવામાં આવશે
આ સાથે જ બરોડા પ્રિમિયર લિગ (BPL) ની ટુર્નામેન્ટની શરૂઆત કરવા માટે બીસીએ દ્વારા કમર કસી લેવામાં આવી છે. આગામી 15, જુન - 2025 થી કોટુંબી સ્ટેડિયમ ખાતે આ મેચો રમાનાર છે. જેમાં 5 ટીમોનો સમાવેશ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મેચોનું લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવે તે દિશામાં પણ બીસીએ વિચારી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : એક્સપ્રેસ હાઇ-વેના મહી બ્રિજ પર રીપેરીંગ કાર્યને પગલે ટ્રાફિક જામ