આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, વિવિધ સ્થળોએ 22 જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ કરાયા
દર વર્ષે ઉત્સાહ પૂર્વક પર્યાવરણ દિવસ ઉજવાય છે. સુરતમાં પણ વિવિધ સ્થળોએ કાર્યક્રમો અને રેલીઓ યોજવામાં આવે છે. પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ થાય છે. સરકાર દ્વારા પર્યાવરણના અસ્તિત્વ અંગે ચર્ચાઓ થાય છે. નદીઓને શુદ્ધ અને જીવંત રાખવા કે વૃક્ષોને બચાવવા હવે જરૂરી બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ‘ગ્રીન અને ક્લીન ગુજરાત’ બને એવી ભાવનાથી હરિયાળીને વ્યાપક બનાવવા અને ધરતીને વૃક્ષોથી આચ્છાદિત કરવાના પ્રયાસો મહદ અંશે સફળ થયા છે. રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વ્હિકલ પોલિસી અમલી બન્યાં બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન કવર વધારવા માટે “નમો વડ વન”ની પ્રેરક પહેલ કરવામાં આવી છે.
વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ચોક્કસપણે વધી છે, પરંતુ મેટ્રોપોલિટન સોસાયટી હજુ પણ વૃક્ષો અને છોડ સાથે ગાઢ સંબંધ સ્થાપિત કરી શકી નથી. ઈતિહાસ સાક્ષી છે કે જો પર્યાવરણીય સંવર્ધનમાં ભાવનાત્મક તીવ્રતાનો અભાવ હોય તો તે પરિણામ આપતું નથી. સ્વસ્થ પર્યાવરણ-વાતાવરણ સૌને સમાન રીતે જરૂરી છે. વૃક્ષો, શુદ્ધ હવા-પાણીના અભાવે થનાર વિનાશથી બચવા માટે સમાજે પ્રકૃતિ પૂજનની પરંપરાને પુનર્જીવિત કરીને વૃક્ષો સાથે જીવતા શીખવું પડશે. પ્રકૃત્તિ સાથે તાદાત્મ્ય કેળવવું પડશે.
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો વાવવા તે શુભકાર્ય છે. ભારતીય પૂજા પ્રણાલીમાં વૃક્ષો પૂજનીય છે, કારણ કે તેમાં દેવતાઓનો વાસ હોય છે એવી પવિત્ર માન્યતા છે. આપણી તમામ ધાર્મિક અને સંસ્કાર વિધિઓમાં આસોપાલવ, દર્ભ, ફળ-ફૂલોની શુભ હાજરી અનિવાર્યપણે હોય છે. ભારતીય પરંપરા, ધાર્મિક વિધિઓ, ઉપવાસ, તહેવારોના માધ્યમથી વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત, કેવડા ત્રીજ, શીતળા પૂજા, આમલા એકાદશી, અશોક પ્રતિપદા, આમ્ર પુષ્પ ભક્ષણ વ્રત વગેરે જેવા વૃક્ષોના નામ પર ઘણા વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. 'મનુ સ્મૃતિ'માં પણ વર્ણવાયુ છે કે વૃક્ષોમાં ચેતના હોય છે અને તે દુઃખ અને આનંદનો પણ અનુભવ કરે છે. વૃક્ષ કે છોડને કાપવામાં આવે ત્યારે પર્યાવરણ પ્રેમીઓને સ્વજનનું મૃત્યુ થયું હોય એવી વેદના થતી હોય છે. એટલે જ સ્વાભાવિક રીતે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પર પરિજનો જેટલા દુઃખી થાય છે તેટલા જ દુઃખી અને શોકગ્રસ્ત એક વૃક્ષ કપાવા પર આપણે થવું જોઈએ.
આઝાદીના 75 વર્ષની પૂર્ણતાની ઉજવણીના ભાગરૂપે રાજ્યના 33 જિલ્લાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રિય એવા પવિત્ર વડના વૃક્ષોની 75 વાટિકાઓમાં વૃક્ષોનું જતન કરીને તેની માવજત કરવાનું આયોજન કરાયું છે. આ વાટિકાઓને ‘નમો વડ વન’ના નામની આગવી ઓળખ આપવામાં આવી છે. રાજ્યના વન વિભાગે રાજ્યમાં સઘન વૃક્ષારોપણમાં જનભાગીદારી પ્રેરિત કરી વિવિધ સ્થળોએ ૨૨ જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ કર્યાં છે.
તા.5મી જૂન- વિશ્વ પર્યાવરણ દિવસ.નાના ફૂલ છોડ-વિશાળ વૃક્ષો, નાના ધોધ- વિશાળ નદીઓ, નાના કાંકરા-વિશાળ પર્વતો, જંતુઓ અને મનુષ્યો. નાના હોય કે મોટા.. પ્રકૃતિના તમામ તત્વોને નમન કરવાનો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા, આદર વ્યક્ત કરવાનો દિવસ છે.
પર્યાવરણ દિવસે લોકો ઉત્સાહથી વૃક્ષારોપણ કરે છે,તેના બમણા ઉત્સાહથી વાવેલા વૃક્ષોનો આજીવન ઉછેર કરવાનો સંકલ્પ પણ લેય છે,પરંતુ જ્યારે છોડ બચાવવાની વાસ્તવિક જવાબદારી આવે ત્યારે તેના થી પાછળ ખસી જાય છે, સ્વસ્થ છોડ કે વૃક્ષની જાળવણીની સાથોસાથ નાના અને નબળા વૃક્ષો, અંતરિયાળ વિસ્તારોમાં આવેલા વૃક્ષો પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે.
રાજ્યનો દરેક નાગરિક રાજ્ય સરકાર સાથે ખભે-ખભા મિલાવીને જીવંત નાના છોડના જવાબદાર અને સંવેદનશીલ રક્ષક બનવાના પડકારને સ્વીકારે તો સૌ હરિયાળીથી સમૃદ્ધ થઈ જશે. તેવું સરકાર નું પણ માનવું છે. આસપાસની પ્રકૃત્તિ અને પર્યાવરણને માન આપવાની અને સાચવવાની જરૂર છે.
તાજેતરમાં જ જર્મન વનસ્પતિશાસ્ત્રી અને ખૂબ જ પ્રતિભાશાળી લેખક પીટર હોલબેનના પુસ્તક 'ધ હિડન લાઈફ ઓફ ટ્રીઝ'માંથી કેટલાક અંશો જાણવા અને માણવાલાયક છે. તેમણે લખ્યું છે કે, ‘હવે તે સાબિત થયું છે કે વૃક્ષો એકબીજા સાથે વાતચીત કરે છે. તેમની પાસે કોઈ સ્ક્રીપ્ટ નથી. તેઓ ગંધ દ્વારા તેમના સંદેશાઓ એકબીજાને મોકલે છે. તેઓ દુઃખી થાય છે અને ખુશી પણ ઉજવે છે. સંશોધનો દ્વારા એ પણ સાબિત થયું છે કે જે વૃક્ષો તેમના સહજીવી વૃક્ષો વચ્ચે ઉછરે તો લાંબુ આયુષ્ય ભોગવે છે.’
અહેવાલ : રાબિયા સાલેહ, સુરત
આ પણ વાંચો : વડોદરાના દર્શનાર્થીઓને બિહારમાં નડ્યો અકસ્માત, એકનું મોત, બસ ચાલક ફરાર