ભરૂચ જિલ્લાના આ ગામમાં કબરમાંથી કાઢવામાં આવ્યો મૃતદેહ, કારણ ચોંકાવી દેશે
લગ્નના એક જ વર્ષમાં દીકરીનું શંકાસ્પદ મોત થાય તો અનેક શંકાઓ ઉપજે છે. આવો જ કિસ્સો વાગરા તાલુકાના ખોજબલ ગામે બન્યો છે, જ્યાં એક વર્ષ પહેલા હસતા મોઢે વિદાય કરાવેલી દિકરીનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાની ઘટનામાં મૃતકના પિતાએ હત્યાની આશંકાઓ વ્યક્ત કરતા પોલીસ અને તંત્રની હાજરીમાં કબ્રસ્તાનમાં દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરવાની કવાયત કરી હતી. જેમાં મૃતકના પતિએ હત્યા કરી હોવાનું સ્વીકારી લીધું હોવાની માહિતી સામે આવી રહી છે.
બનાવની મળતી માહિતી અનુસાર, ભરૂચના અહમદનગરમાં રહેતા ઝાકીર વલી અહમદ વોરા પટેલની દીકરી રોઝમીના લગ્ન ગત તારીખ 1/1/2022 રોજ ખોજબલ ગામે રહેતા આદિલ રફિક વોરા પટેલ સાથે સમાજના રીતે રિવાજ મુજબ થયા હતા અને સાસરીમાં દીકરીને ત્રાસ પણ અપાતો હતો, પરંતુ ગતરોજ 3/5/2023 ના રોજ એક વર્ષ પહેલા હસતા મોઢે પિયરિયાઓએ જે દીકરીને વિદાય આપી હતી તેનું હદય રોગના હુમલાથી મોત થયું હોવાનું સાસરીયામાંથી ફોન મારફતે જણાવ્યું હતું. જેના કારણે દીકરીના માતા-પિતા અને પરિવારજનો હૈયા ફાટક રુદન સાથે દીકરીની સાસરીમાં પહોંચી ગયા હતા.
એક વર્ષ પહેલા હસતા મોઢે વિદાય કરેલી રોઝમીનાનો મૃતદેહ જોઈ માતા-પિતા અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને મૃતક દીકરીને સમાજના રીત રિવાજ મુજબ ગુસલ (સ્નાન) કરાવતી વખતે મૃતકના મોઢા ઉપર તેની સગી માતાની નજર પડી હતી તો દીકરીને મોઢું કાળું અને ગળાના ભાગે નિશાન નાક અને કાનમાંથી લોહી વહી રહ્યું હોવાનું નજરે પડ્યું હતું. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા ઉપજી હતી. દીકરીના કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર બાદ ઘરે આવ્યા બાદ માતાએ દીકરીના પિતા એટલે તેના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પિતાએ પણ દીકરીની હત્યા થઈ હોવાની આશંકાઓ સાથે પોલીસ મથકે દોડી જાય સાસરીયાઓએ દીકરીની હત્યા કરી હોવાની શંકાઓ વ્યક્ત કરી ફરિયાદ આપી હતી.
પોલીસે પણ સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી મામલતદાર અને એસડીએમની મંજૂરી સાથે ખોજબલ ગામમાં જ્યાં દીકરીનું કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી તે દફનવિધિ સ્થળ ઉપર દફન કરાયેલી દિકરી રોઝમીનાનું મૃતદેહ બહાર કાઢ્યો હતો. દીકરીનો મૃતદેહ તંત્ર કાઢી રહ્યા હતા ત્યાં જ મૃતકના પતિએ હત્યા કરી હોવાનું સ્વીકારી લેતા સમગ્ર હત્યાનો ભાંડો ફૂટ્યો હતો અને હત્યા બાદ સમગ્ર પ્રકરણને આકસ્મીકમાં ખપાવી પુરાવાનો નાશ કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેનો પડદાફાસ થયો હતો. વાગરા તાલુકાના ખોજબલ ગામના કબ્રસ્તાનમાંથી દફન કરાયેલા મૃતદેહને વાગરાના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં મૃતકનું પેનલ પીએમ કરાવવાની કવાયત કરી હતી અને મૃતકના પતિએ તેની પત્નીની હત્યા કરી હોવાનું ફલિત થતા માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની કવાયત કરી હતી.
પત્નીની હત્યા પતિએ કેમ કરી તેનો રાઝ ખોલી શકે છે પોલીસ..?
પત્નીની હત્યા બાદ તેને હ્રદય રોગના હુમલાથી મોત થયું હોવાની ઘટના ઉપજાવી કાઢી નાખનાર સાસરિયાઓ પણ શંકાના ડાયરામાં આવી ગયા છે. પત્નીની હત્યા કરનાર પતિનું અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાઓ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પરંતુ પોતાની જ પત્નીની હત્યા કરી તેણે આકસ્મિક મોતમાં ખપાવી દેવું તે કેટલું યોગ્ય જેને લઇ પોલીસે પણ સમગ્ર પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.
દીકરીના અંતિમ સંસ્કાર માટે સાસરીયાઓને હતી ઉતાવળ..?
વાગરા તાલુકાના ખોજબલ ગામે સાસરીમાં મૃત્યુ પામેલી પરિણીતાના અંતિમ સંસ્કારમાં મૃતકના પરિવારજનો કરતા તેના સાસરીયાઓને ઉતાવળ વધુ હોવાનું પણ સામે આવ્યું છે અને તેની પણ અનેક શંકા કુશંકા ઉભી થઈ હતી. પરંતુ રિવાજમાં ગુસલ સ્નાન કરવાના રિવાજમાં માતાની નજર દીકરી ઉપર પડી અને સમગ્ર ઘટના ઉપજી હતી પરંતુ સાસરીયાઓને અંતિમ સંસ્કાર કરવા માટે ઉતાવળ વધુ હોવાના કારણે દફનવિધિ કરી હતી. જેને લઇ મૃતકના પિતાએ પણ સમગ્ર ઘટનામાં હત્યા કે આકસ્મિક મોતનો ભાંડો ફોડવા પોલીસના સરણે આવ્યા હતા.
સાસરીયાઓએ પરિણીતાના મોતમાં પુરાવાનો નાશ અને હત્યાને અકસ્માતમાં કપાવવાનું ષડયંત્ર રચ્યું હતું
દીકરીના મોત પ્રકરણમાં સાસરીયાઓ શોકમાં ગરળકાવ થઈ ગયા હતા. એક વર્ષ પહેલા હસતા મોઢે વિદાય આપેલી દીકરીનું અચાનક મોત થતા મૃતકના માતા-પિતા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા પણ કહેવાય છે ને કે નાની કરેલી ભૂલ ખુલી જાય છે. પતિએ પત્નીની હત્યા બાદ સાસરીયાઓની મદદથી રોઝમીનાનું મોત હદય રોગના હુમલાથી થયું હોવાનું ઉપજાવી કાઢી સમગ્ર ઘટનામાં દફનવિધિ કરવા સાથે પુરાવાનો નાશ કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ મૃતકના પિતાએ કબ્રસ્તાનમાં દફન કરેલો દીકરીનો મૃતદેહ બહાર કઢાવી પેનલ પીએમ કરાવી સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડી નાખ્યો હતો.
દફન કરેલા મૃતદેહને બહાર નહીં કાઢવા મૃતકના પરિવારને 30 લાખની ઓફર પણ કરાઈ હોવાના અહેવાલ..?
સાસરીયાઓનું પાપ કબ્રસ્તાનમાં દફન કરાયેલી એક પિતાની દીકરીના મૃતદેહ ઉપર હતું પરંતુ મૃતકના પિતાએ પણ પોલીસ કાર્યવાહી કરતા તેમને લાગતા વળગતાઓ દ્વારા સમગ્ર ઘટનાને દબાવવા અને મૃતદેહને બહાર નહીં કાઢવા માટે 30 લાખ ઉપરાંતની ઓફર કરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે આ દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
આ પણ વાંચો - સ્ટાર ક્રિકેટર રાશીદખાન ગાંધીનગરના યુવકો સાથે રમ્યો ક્રિકેટ, જુઓ વીડિયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ