SURAT : કુમાર કાનાણીએ શા માટે લખવો પડ્યો જિલ્લા કલેકટરને પત્ર, વાંચો અહેવાલ
SURAT : સુરત ( SURAT ) વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તંત્રને પત્ર લખી અધિકારીઓના કાન આમળી પ્રજાહિતના કામો કરાવવામાં હંમેશા અગ્રેસર રહેતા કુમાર કાણાંનીએ આ વખતે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર માટે વાલી- વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી છે.
જાતિનું પ્રમાણપત્ર અને આવકના દાખલા માટે લોકોને વેઠવી પડી છે હાલાકી
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જિલ્લા કલેકટરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવા ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. તેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર અને આવકના દાખલાની અત્યંત જરૂરીયાત ઊભી થતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે બે વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો લગાવે છે. પરંતુ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ લોકોને સીમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે. બાકીના લોકોને કાયમી આ રીતે હેરાન થવું પડે છે. પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાઠગાંઠ કરી માત્ર બે કલાકની અંદર જ દાખલાઓ કાઢી આપવામાં આવે છે.
કુમાર કાનાણીએ પત્ર લખી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી
દર વર્ષે ધોરણ 10 અને 12 નું પરિણામ આવ્યા પછી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેનો બોધ પાઠ લઈ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તે માટે યોગ્ય વૈક્લિપ વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, પત્ર લખી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. એજન્ટ પ્રથાના કારણે વાલી વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે. શાળામાંથી જ ધારાસભ્યના દાખલાના આધાર પર સોગંદનામુ લઈ આવક અને જાતિના પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે. વાલીઓની અનેક ફરિયાદો મળતા SURAT જિલ્લા કલેકટરને પત્ર લખી આ રજૂઆત કરી છે.
આ પણ વાંચો : VADODARA : વિજ કરંટ “ગૌઘન” માટે બન્યો કાળ